• Gujarati News
 • National
 • England Chases 359 In The Third Test Against Australia After Being Bowled Out For 67 In The First Innings, Stokes Plays The Knock Of His Life To Guide Them Through

પ્રથમ દાવમાં 67 રનમાં ઓલઆઉટ થયા પછી ઇંગ્લેન્ડે જોરદાર વાપસી કરી, ટેસ્ટ ઇતિહાસમાં 350થી વધુનો ટાર્ગેટ ચેઝ કરનાર 11મી ટીમ બની

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • 359 રનનો પીછો કરતા બેન સ્ટોક્સે 135 રનની ઇનિંગ્સ રમીને ઇંગ્લેન્ડને ઐતિહાસિક જીત અપાવી
 • સ્ટોક્સે 10મી વિકેટ માટે જેક લીચ સાથે 76 રનની ભાગીદારી કરી, તેમાં લીચનું યોગદાન 1 રન
 • 5 મેચની સીરિઝમાં બંને ટીમ 1-1ની બરોબરી પર

સ્પોર્ટ્સ ડેસ્ક: ક્રિકેટ અનિશ્ચિતતાની રમત છે. આ ચવાઈ ગયેલી વાત આપણે કોમેન્ટેટર્સના મોઢે લગભગ દરેક મેચમાં સાંભળીએ છીએ. પરંતુ બેન સ્ટોક્સ, વર્લ્ડના નંબર 1 ઓલરાઉન્ડરે હેડિંગ્લે ખાતે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ એશિઝની ત્રીજી ટેસ્ટમાં અનિશ્ચિતતાની સાચી વ્યાખ્યા લખી હતી. પ્રથમ દાવમાં 67 રનમાં ઓલઆઉટ થયા પછી ઇંગ્લેન્ડની હાર નક્કી હતી. ક્રિકેટના પંડિતોથી લઈને પૂર્વ ક્રિકેટર્સ સહિત બધાએ ઇંગ્લિશ ટીમની ભારે ટીકા કરી હતી. એમાં પાછું ચોથા દાવમાં 359 રનનો ટાર્ગેટ, ટેસ્ટ ઇતિહાસમાં માત્ર 10 ટીમ જ  350થી વધુનો ટાર્ગેટ ચેઝ કરવામાં સફળ રહી હતી.

ઇંગ્લેન્ડને ચોથા દિવસે જીતવા માટે 203 રનની જરૂર હતી અને 7 વિકેટ હાથમાં હતી. તેમની પાસે જીતવાની ઉજળી તક હતી. જો રૂટ (77)આજે તરત જ આઉટ થતા મેચમાં રસાકસી આવી તેમ જણાતું હતું. જોની બેરસ્ટોએ સ્ટોક્સ સાથે જવાબદારી પૂર્વક બેટિંગ કરતા ઇંગ્લિશ ખરેખર 350નું સપનું જોઈ રહ્યું હતું. જોકે કાંગારુંના ફાસ્ટ બોલર્સ, ખાસ કરીને જોસ હેઝલવુડ તેમના માટે સૌથી મોટો પડકાર હતો. પાંચમી વિકેટ માટે 85 રનની ભાગીદારી કર્યા પછી બેરસ્ટો 36 રનના વ્યક્તિગત સ્કોરે હેઝલવુડની જ  બોલિંગમાં આઉટ થતા કાંગારુંએ રાહતનો શ્વાસ લીધો હતો. ઇંગ્લેન્ડ જીતથી 114 રન દૂર હતું અને 5 વિકેટ હાથમાં હતી.
 
જોસ બટલર, ક્રિસ વોક્સ, જોફ્રા આર્ચર અને સ્ટુઅર્ટ બ્રોડ અનુક્રમે 1,1, 15 અને 0 રને આઉટ થતા ઓસ્ટ્રેલિયા એશિઝ જાળવી રાખશે તે ચિત્ર સ્પષ્ટ થઇ ગયું હતું. 73 રનની જરુરુ અને 1 જ વિકેટ હાથમાં. ઓસ્ટ્રેલિયાની જીત નિશ્ચિત હતી. તેમ છતાં બેન સ્ટોક્સ ક્રિઝ પર ઉભો હોય, આશા કેમ છોડવી? તેણે પ્રથમ 50 બોલમાં માત્ર 2 રન કરીને સાબિત કર્યું હતું કે પિચ પર ટકવું શક્ય હતું, પરંતુ ચારેબાજુ ફટકા મારીને 11મા ક્રમના બેટ્સમેન સાથે 73 રન ઉમેરવા? 

હેઝલવુડને ડીપ-મિડવિકેટ પર માર્યો. પેટ કમિન્સને એક્રોસ ધ લાઈન ફટકાર્યો. જેમ્સ પેટિન્સનને સ્કૂપ કરી કરીને ધોયો. ભાઈસાબ નેથન લાયનને તો સ્વિચ હિટમાં સિક્સ મારી. દરેક બોલરનો સ્ટોક્સ પાસે આજે જવાબ હતો. પોતાના ટેસ્ટ કરિયરની સાતમી સદી ફટકારતા બેન સ્ટોક્સે 219 બોલમાં 11 ચોક્કસ અને 8 છગ્ગાની મદદથી 135 રન કર્યા અને એકલા હાથે મેચ જીતાડી. એકલા હાથે? ના હો! 11મા ક્રમે આવેલા જેક લીચનું યોગદાન એટલું જ મહત્વનું હતું. દરેક બોલ પહેલા પોતાની આગવી સ્ટાઇલથી જે રીતે લીચ તૈયાર થતો હતો, તે જોતા કટોકટીની પરિસ્થિતિમાં નબળા પડો તો હાર્ટ એટેક આવી શકે તેમ હતું. દર બોલ પહેલા ચશ્માં સાફ કરે, ગાર્ડ સેટ કરે અને મેદાનની ચારેય બાજુ ફિલ્ડ જોવે. લીચ પોતાને લેન્ગર સમજતો હોય તેમ લાગતું હતું. 76* રનની ભાગીદારીમાં લીચ 17 બોલમાં રમ્યો અને તેણે 1 રન કર્યો. તેણે તે 1 રન કરીને પોતાને ઇતિહાસનો ભાગ બનાવી દીધો હતો. તે રન દ્વારા સ્કોર લેવલ થઇ ગયો હતો!
ટિમ પેને છેલ્લી જોડે માટે દરેક બોલરનો પ્રયોગ કર્યો હતો અને તેમજ વિવિધ ફિલ્ડ પણ સેટ કરી હતી. પરંતુ આ બેન સ્ટોક્સનો દિવસ હતો. તેણે પહેલા 73 બોલમાં 3 રન કર્યા, 152 બોલમાં ફિફટી ફટકારી, અને બીજો કોઈ વિકલ્પ જ ન હતો ત્યારે લીચ સાથેની ભાગીદારીમાં 45 બોલમાં 7 સિક્સ સાથે 74 રન કર્યા હતા. આ અનિશ્ચિતતાનો દિવસ હતો. વર્લ્ડકપ ફાઇનલ પછી આ મેચ જીતાડી સ્ટોક્સે સર ઇયાન બોથમની જગ્યા લઇ લીધી તેમ કહેવામાં કઈ ખોટું નથી. આ જીત સાથે ઇંગ્લેન્ડે સીરિઝમાં 1-1ની બરોબરી કરી છે. ચોથી ટેસ્ટ 4 સપ્ટેમ્બરના રોજ માન્ચેસ્ટર ખાતે રમાશે.

ટેસ્ટમાં ઇંગ્લેન્ડના સૌથી સફળ સૌથી રનચેઝ:

 • 359 vs ઓસ્ટ્રેલિયા, લીડ્સ, 2019
 • 332 vs ઓસ્ટ્રેલિયા, મેલબોર્ન, 1928
 • 315 vs ઓસ્ટ્રેલિયા, લીડ્સ, 2019
 • 305 vs ન્યૂઝીલેન્ડ, ક્રાઇસ્ટચર્ચ, 1996

ચોથા દાવમાં 10મી વિકેટ માટે શ્રેષ્ઠ ભાગીદારી:

 • 78* કુશલ પરેરા- વી ફર્નાન્ડો વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા, ડર્બન 2019
 • 76* બેન સ્ટોક્સ-જેક લીચ વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, લીડ્સ, 2019

(ઓસ્ટ્રેલિયાએ 3 વાર, ભારત અને શ્રીલંકાએ 2 વાર, જ્યારે  વેસ્ટ ઇન્ડિઝ, પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકાએ આ પહેલા 350થી વધુનો ટાર્ગેટ ચેઝ કર્યો છે.)