દિલધડક મુકાબલામાં ઇંગ્લેન્ડે દક્ષિણ આફ્રિકાને 2 રને હરાવ્યું, સીરિઝ 1-1ની બરાબરી પર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઇંગ્લેન્ડે પ્રથમ દાવમાં 204 રન કર્યા, સ્ટોક્સે 47 અને રોયે 40 રન કર્યા
  • દ. આફ્રિકાએ 7 વિકેટે 202 રન કર્યા, ડી કોકે પોતાના દેશ માટે ફાસ્ટેસ્ટ 17 બોલમાં ફિફટી મારી
  • મોઇન અલીએ 11 બોલમાં 3 ફોર અને 4 સિક્સની મદદથી 39 રન કર્યા, પ્લેયર ઓફ ધ મેચ બન્યો
  • અંતિમ T-20 16 ફેબ્રુઆરીએ સેન્ચુરીયન ખાતે રમાશે

સ્પોર્ટ્સ ડેસ્ક: ઇંગ્લેન્ડે ત્રણ T-20 સીરિઝની બીજી મેચમાં ડરબન ખાતે દક્ષિણ આફ્રિકાને 2 રન હરાવીને 1-1ની બરાબરી કરી લીધી છે. ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરતા દક્ષિણ આફ્રિકાના બોલર્સ ધાર્યા પ્રમાણે બોલિંગ કરી શક્યા નહોતા. મહેમાન ટીમે 20 ઓવરમાં 7 વિકેટે 204 રન કર્યા હતા. તેમના માટે બેન સ્ટોક્સે અણનમ 47, જ્યારે જેસન રોયે 40 અને જોની બેરસ્ટોએ 35 રનનું યોગદાન આપ્યું હતું. દક્ષિણ આફ્રિકા માટે લૂંગી ગિડીએ શાનદાર ફોર્મ જાળવી રાખતા 3 વિકેટ ઝડપી હતી. તે સિવાય એંડિલે ફેલુકવાયોએ 2, તેમજ શમ્સી અને પ્રિટોરિયસે 1-1 વિકેટ લીધી હતી.

T-20માં ઇંગ્લેન્ડની સૌથી ઓછા માર્જિનથી જીત:

  • 1 રન દક્ષિણ આફ્રિકા, જોહાનેસબર્ગ 2009
  • 2 રન ન્યૂઝીલેન્ડ, હેમિલ્ટન 2018
  • 2 રન દક્ષિણ આફ્રિકા, ડરબન 2020*

મોઇન અલીની તોફાની બેટિંગે મેચનું રૂપ બદલ્યું
ઇંગ્લેન્ડે 16 ઓવરના અંતે 5 વિકેટે 136 રન કર્યા હતા. તે પછી ઓલરાઉન્ડર મોઇન અલીએ તોફાની બેટિંગ કરતા 11 બોલમાં 4 સિક્સ અને 3 ફોરની મદદથી 39 રન કર્યા હતા. તેની બેટિંગ થકી ઇંગ્લેન્ડે થકી ઇંગ્લેન્ડે અંતિમ 4 ઓવરમાં 68 રન કર્યા હતા. 

ડી કોકની 22 બોલમાં 65 રનની ઇનિંગ્સ પાણીમાં
રનચેઝમાં દક્ષિણ આફ્રિકાના કેપ્ટન કવિન્ટન ડી કોકે શાનદાર શરૂઆત અપાવતા 17 બોલમાં 50 રન પૂરા કર્યા હતા. તે T-20 ફોર્મેટમાં પોતાના દેશ માટે સૌથી ઝડપી 50 રન કરનાર બેટ્સમેન બની ગયો છે. અગાઉ તેણે અને એબી ડિવિલિયર્સે 21 બોલમાં ફિફટી મારી હતી. બંનેએ સંયુક્તપણે 21 બોલમાં 50 રન કર્યા હતા. ડી કોકે કપ્તાની ઇનિંગ્સ રમતા 22 બોલમાં 2 ફોર અને 8 સિક્સની મદદથી 65 રન કર્યા હતા. જોકે તેના આઉટ થયા પછી પ્રોટિયાસની ઇનિંગ્સ ટ્રેક પરથી ઉતરી ગઈ હતી. 

કરને અંતિમ 2 બોલમાં 2 વિકેટ લીધી
દક્ષિણ આફ્રિકાને સીરિઝ પોતાના નામે કરવા અંતિમ ઓવરમાં 15 રનની જરૂર હતી. સ્ટ્રાઇક પર ઓલરાઉન્ડર પ્રિટોરિયસ હતો. તેણે પહેલો બોલ ખાલી કાઢ્યો હતો. જ્યારે બીજા અને ત્રીજા બોલે અનુક્રમે 6 અને 4 મારી હતી. તે પછી ચોથા બોલે 2 રન ફટકારતા યજમાનને 2 બોલમાં 3 રનની જરૂર હતી. ટોમ કરને દબાણમાં ધીરજ રાખીને શાનદાર વાપસી કરી હતી. તેણે પાંચમા બોલે પ્રિટોરિયસને LBW આઉટ કર્યો હતો. જ્યારે અંતિમ બોલે ફોરટ્યૂન શોર્ટ-ફાઈન લેગ પર રાશિદના હાથે કેચ આઉટ થયો હતો. વાન ડર ડુસેન 26 બોલમાં 43 રને અણનમ રહ્યો હતો. તેને છેલ્લી ઓવરમાં સ્ટ્રાઇક નહોતી મળી.

અન્ય સમાચારો પણ છે...