તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વર્લ્ડકપ માટે ભારતીય ટીમ જાહેર, કોહલી કેપ્ટ્ન, બીજા વિકેટકીપર તરીકે કાર્તિકને સ્થાન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સ્પોર્ટ્સ ડેસ્ક: 30મેથી ઇંગ્લેન્ડ અને વેલ્સમાં શરૂ થતા વર્લ્ડકપ માટે ભારતીય ટીમ જાહેર થઇ ગઈ છે. મુંબઈ ખાતે બીસીસીઆઈના મુખ્ય સિલેક્ટર એમએસ કે પ્રસાદે જાહેર કરેલી ટીમની કમાન વિરાટ કોહલીના હાથમાં છે. આ ટીમમાં બેટ્સમેન તરીકે રોહિત શર્મા, શિખર ધવન, લોકેશ રાહુલ, વિરાટ કોહલી, એમએસ ધોની અને દિનેશ કાર્તિકને લેવામાં આવ્યા છે. જયારે ઓલરાઉન્ડરના રૂપમાં કેદાર જાધવ, રવિન્દ્ર જાડેજા, વિજય શંકર અને હાર્દિક પંડ્યાને સ્થાન મળ્યું છે. તો બોલર્સ તરીકે જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, ભુવનેશ્વર કુમાર, યૂઝવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવનો સમાવેશ થયો છે.

 

ધોનીના બેકઅપમાં બીજા વિકેટકીપર તરીકે દિનેશ કાર્તિકને સ્થાન મળ્યું છે. ઋષભ પંતની બાદબાકી અંગે મુખ્ય પસંદગીકાર એમએસ કે પ્રસાદે કહ્યું હતું કે, "પંતની બેટિંગ પ્રતિભામાં કોઈ શંકા નથી, પરંતુ જયારે વિકેટકીપિંગની વાત આવે છે તો કાર્તિકનો અનુભવ અને વિકેટ પાછળ તેની સ્કિલ તેના આ રેસમાં પંત સામે જીતાડે છે."

 

ઋષભ પંતની જેમ અંબાતી રાયુડુનું પણ વર્લ્ડકપ સંભવિતોમાં નામ બોલાતું હતું પરંતુ તાજેતરના ફોર્મને ધ્યાનમાં રાખતા વિજય શંકર અને લોકેશ રાહુલ બંનેને ટીમમાં તેની પહેલા સ્થાન મળ્યું છે. આઇપીએલ 2019માં રાયુડુએ 8 મેચમાં 19.71ની એવરેજ અને 86.25ની સ્ટ્રાઇકરેટથી 138 રન જ કર્યા છે. વર્લ્ડકપની ટીમમાં તેને સ્થાન નહીં મળવાનું આ એક મહત્વનું કારણ હોઈ શકે છે.

 

બેટ્સમેન: ટીમને સારી શરૂઆત અપાવવાની જવાબદારી રોહિત શર્મા અને શિખર ધવન ઉપર રહેશે. 2013ની ચેમ્પિયન્સ ટ્રોફીથી રોહિત અને શિખરે 101 વાર ભારત માટે ઓપનિંગ કરતા 45.41ની એવરેજથી 4541 રન કર્યા છે.  બંનેએ આ દરમિયાન 15 સદી અને 13 અર્ધસદીની ભાગીદારી નોંધાવી છે. બેકઅપ ઓપનર તરીકે ટીમ સાથે લોકેશ રાહુલ જોડાયો છે. શિખર અથવા રોહિતને ઇજા થાય તો રાહુલ ટીમ માટે ઓપનિંગ કરશે. વિરાટ કોહલી, વિજય શંકર અને એમએસ ધોની મિડલ ઓર્ડરની જવાબદારી ઉપાડશે. કોહલી અને ધોની ઇનિંગ્સને સેટ કરવામાં અને તેમજ ટાર્ગેટ ચેઝ કરવામાં મહારત ધરાવે છે તો શંકરે બહુ ઓછા સમયમાં (માત્ર 9 વનડેમાં) પોતાની કુશળતા સાબિત કરતા બતાવ્યું છે કે તે ટીમની જરૂરિયાત પ્રમાણે પોતાને ઢાળી શકે છે. ઇંગ્લેન્ડની ફ્લેટ વિકેટ પર ભારતીય મિડલ ઓર્ડર 21થી 40 ઓવર દરમિયાન કેવું રમે છે તેના પર લગભગ મેચોનું પરિણામ નક્કી થશે. 

 

ઓલરાઉન્ડર્સ: કેદાર જાધવ, હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજા ઉપર બેટ અને બોલ બંને વડે યોગદાન આપવાની જવાબદારી રહેશે. જાડેજાની ટીમમાં પસંદગી તેની બેટિંગ અને બોલિંગ સાથે તેની અદભુત ફિલ્ડિંગના કારણે પણ થઈ છે. તેણે અવારનવાર પોતાની ફિલ્ડિંગ થકી ટીમનો જુસ્સો વધાર્યો છે. કેદાર અને પંડ્યાને ડેથ ઓવર્સમાં કમરકસીને બેટિંગ પણ કરવી પડશે. વિરાટ છેલ્લા કેટલાક મહિનાથી કહેતો આવ્યો છે કે ઇનિંગ્સને સારું ફિનિશ મળે તો મોમેન્ટમ આપોઆપ બદલાઈ જાય છે.

 

ફાસ્ટ બોલર્સ: ક્રિકેટની બેઝિક ફિલોસોફી છે કે બેટ્સમેન તમને મેચો જીતાડી શકે છે પરંતુ બોલર્સ જ તમને ટુર્નામેન્ટ જીતાડે છે. છેલ્લા 1 વર્ષના પ્રદર્શનને ધ્યાનમાં લઇએ તો જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમી ટીમના મુખ્ય બે ફાસ્ટ બોલર છે. બુમરાહ અત્યારે વર્લ્ડનો શ્રેષ્ઠ ડેથ બોલર તો છે, તેમજ શમીએ પણ તાજેતરમાં અંતિમ ઓવર્સમાં પોતાની બોલિંગ સુધારી છે. ત્રીજા પેસરના વિકલ્પ તરીકે ભુવનેશ્વર કુમાર ટીમ સાથે જોડાયો છે.

 

સ્પિનર્સ: મિડલ ઓવર્સમાં વિરોધી ટીમના રન પર અંકુશ લગાવો એટલે અર્ધી મેચ તમે જીતી જાઓ છો અને 2017ની ચેમ્પિયન્સ ટ્રોફી પછી કુલદીપ યાદવ અને યૂઝવેન્દ્ર ચહલની જોડી નિયમિત અંતરે મિડલ ઓવર્સમાં વિકેટ લઈને તેવું કરતી આવી છે. ટીમ બધી મેચમાં 2 લેગસ્પિનર સાથે ઉતરે તેવું જરૂરી નથી, તેવામાં અમુક મેચોમાં પ્લેઈંગ 11માં રમવા માટે ચહલ/જાડેજા વચ્ચે સીધી સ્પર્ધા થઇ શકે છે.

 

ટીમમાં ત્રણ ગુજરાતીઓ:  વર્લ્ડકપની ટીમમાં ત્રણ ગુજરાતી ખેલાડીઓને સ્થાન મળ્યું છે. ટીમમાં બરોડાના હાર્દિક પંડ્યા અને જામનગરના રવિન્દ્ર જાડેજાને ઓલરાઉન્ડર તરીકે સ્થાન મળ્યું છે. જયારે અમદાવાદના જસપ્રીત બુમરાહ ફાસ્ટ બોલિંગની કમાન સંભાળશે, બુમરાહ અત્યારે ICC વનડે રેન્કિંગમાં પ્રથમ સ્થાને છે અને વર્લ્ડમાં તેની કક્ષાનો બીજો કોઈ ડેથ બોલર નથી. બુમરાહની જેમ જ હાર્દિક ટીમનું બેલેન્સ પૂરું પાડે છે. તે ત્રીજા સિમ બોલર તરીકે મેદાને ઉતરી શકે છે અને તેમ જ અંતિમ ઓવરોમાં હિટિંગ કરવા જાણીતો છે. જયારે ઑફ સ્પિનર રવિન્દ્ર જાડેજા બેટ, બોલ અને તેમજ ફિલ્ડ થકી ટીમમાં અલગ ઉર્જા લાવે છે. જાડેજા મિડલ ઓવર્સમાં ઈકોનોમિકલ બોલિંગ માટે જાણીતો છે અને જયારે વિરોધી ટીમમાં 3થી વધુ જમોડી બેટ્સમેન રમતા હોય ત્યારે ચોક્કસ મહત્વની ભૂમિકા ભજવશે.

 

ગયા વર્લ્ડકપમાંથી 7 ખેલાડીઓ યથાવત, 8 નવા: 2015ની વર્લ્ડકપની ટીમમાંથી 7 ખેલાડીઓ આ વખતે પણ ટીમમાં જગ્યા મળી છે, જયારે 8 નવા ચહેરાઓને તક મળી છે. 2015ની ટીમમાંથી વિરાટ કોહલી, રોહિત શર્મા, શિખર ધવન, મહેન્દ્રસિંહ ધોની, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી અને રવિન્દ્ર જાડેજા આ વખતે પણ વર્લ્ડકપ ટીમનો ભાગ છે. તો બીજી તરફ ગઈ વખતની ટીમમાંથી સુરેશ રૈના, અજિંક્ય રહાણે, સ્ટુઅર્ટ બિન્ની, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, ઉમેશ યાદવ, મોહિત શર્મા અને અંબાતી રાયુડુની જગ્યાએ આ વખતે લોકેશ રાહુલ, યૂઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, વિજય શંકર, હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ, કેદાર જાધવ અને દિનેશ કાર્તિકનો સમાવેશ થયો છે.

અન્ય સમાચારો પણ છે...