ટ્રોફી ચેઝનું કાઉન્ટડાઉન શરૂ:IPL-14ના બીજા ફેઝમાં શું KKR-પંજાબ અને રાજસ્થાન બાઉન્સ-બેક કરી શકશે!, ટોપ-4ની રેસમાં રસાકસીભરી ટક્કર

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • IPL 2021 (IPL)નો બીજો ફેઝ 19 સપ્ટેમ્બરથી UAEમાં શરૂ થશે

IPL 2021 (IPL)નો બીજો ફેઝ 19 સપ્ટેમ્બરથી UAEમાં શરૂ થવા જઈ રહ્યો છે. IPLના પહેલા ફેઝમાં દિલ્હી કેપિટલ્સ, ચેન્નઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે શાનદાર પ્રદર્શન કર્યું છે. બીજી બાજુ, રાજસ્થાન રોયલ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સને આ સીઝનમાં પોતાનું સ્થાન ટકાવી રાખવા માટે સતત લડવું પડ્યું છે. IPL પોઈન્ટ ટેબલમાં રાજસ્થાન 5મા, પંજાબ છઠ્ઠા અને કોલકાતાની ટીમ 7મા સ્થાને છે. તેમને નોકઆઉટમાં પ્રવેશવા માટે ઓછામાં ઓછી 5 મેચ જીતવી પડશે. રાજસ્થાન અને કોલકાતાની ટીમો છેલ્લી બે IPL પ્લેઓફમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહી છે જ્યારે પંજાબે છેલ્લે, 2014મા સ્થાન મેળવ્યું હતું.

રાજસ્થાન રોયલ્સની મુશ્કેલીમાં વધારો
રાજસ્થાન રોયલ્સે પહેલા ફેઝમાં 7માંથી 3 મેચ જીતી છે જ્યારે 4માં તેને હારનો સામનો કરવો પડ્યો છે. જોકે અત્યારે રાજસ્થાન રોયલ્સની મુશ્કેલીમાં વધારો જ જોવા મળ્યો છે. ટીમનો ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર ઈજાગ્રસ્ત હોવાથી તથા જોસ બટલર અંગત કારણોસર બીજા ફેઝમાં પસંદગી માટે ઉપલબ્ધ નહીં હોય. એટલું જ નહીં રાજસ્થાન રોયલ્સના સ્ટાર ઓલરાઉન્ડર એવા બેન સ્ટોક્સે પણ માનસિક સ્વાસ્થ્યના પરિણામે ક્રિકેટના તમામ ફોર્મેટમાં રમવાથી બ્રેક લીધો છે.

રાજસ્થાને બટલરનાં સ્થાને ન્યૂઝીલેન્ડના ખેલાડી ગ્લેન ફિલિપ્સનો સમાવેશ કર્યો છે. આ સિવાય ટીમે દક્ષિણ આફ્રિકાના લેફ્ટ હેન્ડેડ સ્પિનર ​​તબરેઝ શમ્સીને પણ સ્ક્વોડમાં ઉમેર્યો છે. શમ્સી હાલમાં T-20 રેન્કિંગમાં નંબર વન બોલર છે. તે જ સમયે CPL-2021માં સૌથી વધુ રન કરનાર વિસ્ફોટક બેટ્સમેન ઇવિન લુઇસ પણ રાજસ્થાનમાં સામેલ થઈ ગયો છે.

કેપ્ટન સંજુ સેમસને પહેલા ફેઝમાં રાજસ્થાન માટે સૌથી વધુ 277 રન કર્યા હતા. તેવામાં ટીમને તેની પાસેથી ઘણી આશાઓ રહેશે. આની સાથે જ IPL-2021ના ​​સૌથી મોંઘા ખેલાડી ક્રિસ મોરિસે 7 મેચમાં 14 વિકેટ લીધી છે. આ ખેલાડીઓ સિવાય ટીમ ઈંગ્લેન્ડના ખેલાડી લિયામ લિવિંગસ્ટોન પાસેથી આક્રમક ઈનિંગની અપેક્ષા રાખશે, જેમણે 'ધ હન્ડ્રેડ'માં જબરદસ્ત બેટિંગ કરી છે.

કેએલ રાહુલ પંજાબની જવાબદારી સંભાળશે
રાહુલ છેલ્લા ચાર વર્ષથી IPLમાં જબરદસ્ત પ્રદર્શન કરી રહ્યો છે. આ બેટ્સમેને છેલ્લી 49 મેચમાં 2253 રન કર્યા છે. આ દરમિયાન, આ બેટ્સમેને 2 સદી અને 21 અર્ધસદી ફટકારી છે. રાહુલે પણ ચાર અર્ધસદીની મદદથી પહેલા ફેઝમાં 331 રન કર્યા છે. જોકે, રાહુલ સિવાય પંજાબની બેટિંગ ઘણી નબળી છે.

મયંક અગ્રવાલે રન જરૂર કર્યા છે પરંતુ તેના પ્રદર્શનમાં કોઈ સુસંગતતા જોવા મળી નહોતી. ગેલ તેની આક્રમક છબી અનુસાર રમી શક્યો નહોતો. જોકે આ વિસ્ફોટક T20 બેટ્સમેને તાજેતરમાં સમાપ્ત થયેલી CPLમાં કેટલીક સારી ઇનિંગ્સ રમી છે. તેવામાં ડેવિડ માલાન બહાર થઈ ગયો હોવાથી પંજાબની ટીમને ફટકો પડ્યો છે.

ડેબ્યૂ T-20 મેચમાં હેટ્રિક લેનાર નેથન એલિસની ટીમમાં પસંદગી
આના સિવાય પંજાબની બોલિંગ પણ નબળી દેખાઈ રહી છે. ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલરો ઝાય રિચર્ડસન અને રિલે મેરિડિથે IPL-14ના બીજા ફેઝ માટે પોતાને ઉપલબ્ધ જાહેર કર્યા નથી. પંજાબે ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર નેથન એલિસને પોતાની ટીમમાં સામેલ કર્યો છે, જેમણે ડેબ્યૂ T-20 મેચમાં હેટ્રિક લીધી હતી.

ડેવિડ માલાનની જગ્યાએ ટીમમાં દક્ષિણ આફ્રિકન ઓપનર એડેન માર્કરમનો સમાવેશ કરાયો છે, જેણે પહેલી વખત IPLમાં ભાગ લીધો છે. તાજેતરના સમયમાં માર્કરમ T20 ક્રિકેટમાં શાનદાર ફોર્મમાં જોવા મળ્યો છે. પંજાબની ટીમે પ્રથમ ફેઝમાં 8 મેચ રમી છે, જેમાં ટીમે માત્ર ત્રણ વખત જીત મેળવી છે જ્યારે 5 મેચ હારી છે.

કેપ્ટન બદલવાથી પણ કોલકાતાનું ભાગ્ય બદલાયું નથી
કોલકાતાની હાલત સૌથી ખરાબ છે. IPLના પહેલા ફેઝમાં કોલકાતાની ટીમે સાતમાંથી 5 મેચ હારી હતી જ્યારે માત્ર બે મેચ જીતી હતી. ગયા વર્ષે IPLની મધ્યમાં ઈયોન મોર્ગનની જગ્યાએ દિનેશ કાર્તિકને ટીમના કેપ્ટન બનાવવામાં આવ્યા હતા, પરંતુ તેનું પ્રદર્શન સારુ ન રહ્યું હોવાથી KKRએ કેપ્ટનશિપમાં ફેરફાર કર્યા હતા.

ટિમ સાઉદીનો સમાવેશ
મોર્ગન બેટિંગમાં પણ યોગદાન આપી શકતો નથી. મોર્ગને આ IPLની 7 મેચમાં માત્ર 92 રન કર્યા છે. આ સિવાય KKRના સૌથી મોંઘા ખેલાડી પેટ કમિન્સે વ્યક્તિગત કારણોસર IPLમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. કમિન્સના સ્થાને બે વખતના ચેમ્પિયન KKRએ ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર ટિમ સાઉદીનો સમાવેશ કર્યો છે.

કોલકાતા માટે રાહતની વાત છે કે આન્દ્રે રસેલ અને સુનીલ નરેને CPLમાં ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. આની સાથે જ શાકિબ અલ હસન પણ ન્યૂઝીલેન્ડ અને ઝિમ્બાબ્વે સામે રમ્યા બાદ ફોર્મમાં પરત ફર્યો છે. T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમમાં પસંદગી પામેલા વરુણ ચક્રવર્તી પાસેથી આક્રમક બોલિંગની આશાઓ રહેશે. ગત વર્ષે UAEમાં આયોજિત IPLમાં ચક્રવર્તીએ 15 મેચમાં 17 વિકેટ લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...