IPLમાં સોમવારે લખનઉ જાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મેચ રમાઈ હતી. મેચ નિહાળવા માટે ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડ્યાની પત્ની નતાશા સ્ટેનકોવિક પણ પહોંચી હતી. આ દરમિયાન તેના ઘણા ફની રિએક્શન જોવા મળ્યાં હતાં. મેચમાં હાર્દિક અને તેનો ભાઈ કૃણાલ પંડ્યા પહેલીવાર એકબીજા સામે રમી રહ્યા હતા. કૃણાલે પણ હાર્દિકને આઉટ કર્યો હતો. જ્યારે કૃણાલે હાર્દિકની વિકેટ લીધી ત્યારે નતાશા ખૂબ જ નિરાશ થયેલી નજરે પડી હતી અને તેણે પોતાનું માથું પકડી લીધું હતું. ખાસ વાત એ હતી કે કૃણાલે ભાઈ હાર્દિકને આઉટ કરીને ખુશી વ્યક્ત કરી ન હતી. હાર્દિક 28 બોલમાં 33 રન બનાવીને કૃણાલની બોલિંગમાં આઉટ થયો હતો.
મિલરની વિકેટ પડતાં જ નતાશા ચીસો પાડવા લાગી હતી
જ્યારે મેચની છેલ્લી ઓવરમાં ડેવિડ મિલરની વિકેટ પડી ત્યારે નતાશા ખૂબ જ ચીસો પાડતી જોવા મળી હતી. મિલર અને રાહુલ તેવટિયા વચ્ચે 60 રનની ભાગીદારી થઈ હતી અને એવું લાગી રહ્યું હતું કે બંને ગુજરાતને આ મેચ જિતાડી દેશે. ત્યાર બાદ મિલર અવેશ ખાનના એક શાનદાર બોલ પર કેએલ રાહુલના હાથે કેચ આઉટ થયો હતો. મિલર આઉટ થતાં જ કેમેરામેનનું સંપૂર્ણ ધ્યાન હાર્દિકની પત્ની નતાશા તરફ હતું અને નતાશા મિલરની વિકેટ પડતી જોઈને ચીસો પાડી રહી હતી.
અગાઉ બંને ભાઈઓ મુંબઈ ઈન્ડિયન્સ માટે સાથે રમતા હતા
આ IPL સીઝન પહેલાં કૃણાલ અને હાર્દિક IPLમાં એક જ ટીમ મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતા હતા. પછી હાર્દિકની પત્ની નતાશા અને કૃણાલની પત્ની પંખુડી શર્મા એક જ ટીમને સપોર્ટ કરતી હતી, પરંતુ હવે બંને અલગ-અલગ ટીમો માટે રમી રહ્યા છે. આવી સ્થિતિમાં પંખુડી લખનઉના ડગઆઉટમાં જોવા મળી હતી, જ્યારે નતાશા ગુજરાતના ડગઆઉટમાં જોવા મળી હતી.
લખનઉની ટીમે રૂ. 8.25 કરોડની જોરદાર બોલી લગાવીને કૃણાલને પોતાની સાથે જોડ્યો છે. તે સ્પિન-ઓલરાઉન્ડર છે અને મોટા શોટ ફટકારવાનું પણ જાણે છે. બીજી તરફ હાર્દિક પંડ્યા પેસ ઓલરાઉન્ડર છે. તેને ગુજરાતની ટીમે 15 કરોડમાં પોતાની ટીમમાં સામેલ કર્યો છે.
હાર્દિક લાંબા સમયથી ઈજાને કારણે ટીમ ઈન્ડિયાની બહાર ચાલી રહ્યો હતો, પરંતુ સોમવારે તેને બોલિંગ કરતો જોવા મળ્યો હતો. ટીમ ઈન્ડિયા માટે આ સારા સંકેતો છે. મેચની વાત કરીએ તો ગુજરાતે આ મેચ 5 વિકેટે જીતી લીધી હતી. આ બંને ટીમ IPLમાં નવી છે. 2011 પછી આ પ્રથમ વખત છે, જ્યારે 10 ટીમ લીગમાં રમી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.