RCB અને દિલ્હી કેપિટલ્સની વચ્ચે શનિવારે રમાયેલી મેચમાં RCBએ 16 રનથી જીત મેળવી હતી. મેચમાં વિરાટ કોહલીએ 7.5 ફુટ ઉંચો કૂદકો મારીને કેચ કર્યો હતો.
17મી ઓવરમાં કોહલીની કમાલ
દિલ્હી માટે ઋષભ પંત ધમાકેદાર બેટિંગ કરતો હતો. એવું લાગી રહ્યું હતું કે તે સરળતાથી DCને મેચ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવશે. મોહમ્મદ સિરાજ 17મી ઓવર કરતો હતો અને પંતે બીજા બોલમાં જોરદાર સિક્સ પણ મારી હતી. સિક્સ પછી સિરાજે પંતને ઓફ સ્ટમ્પની બહાર બોલ નાંખ્યો હતો.
ઋષભ બોલને એક્સ્ટ્રા કવરની ઉપરથી બાઉન્ડ્રી પર મારવા માંગતો હતો, ત્યારે કોહલીએ 7.5 ફુટ ઉંચી છલાંગ લગાવીને કેચ પકડ્યો હતો. કોહલીના આ કેચનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.
સ્ટેડિયમમાં અનુષ્કા પણ આવી હતી
RCBની મેચ જોવા માટે વિરાટની પત્ની અનુષ્કા શર્મા પણ સ્ટેડિયમમાં આવી હતી. કેચ પકડ્યા પછી અનુષ્કા ખૂબ જ ખુશ દેખાઈ હતી.
કોહલી 12 રન બનાવીને આઉટ થયો હતો
RCBએ મેચમાં પહેલા બેટિંગ લીધી અને 13 રને જ બે વિકેટ ગુમાવી હતી. RCBને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીની પાસે કપરી સ્થિતિમાં મોટી ઈનિંગની આશા હતી. જોકે કોહલીએ નિરાશ કર્યા હતા. વિરાટ 14 બોલમાં માત્ર 12 રન બનાવીને આઉટ થયો હતો.
7મી ઓવરના બીજી બોલમાં કોહલીએ પોઈન્ટની દિશામાં શોટ માર્યો અને રન માટે દોડ્યો હતો. જોકે તે ઘણો આગળ જતા રહ્યાં હતા. લલિત યાદવે તકનો ફાયદો ઉઠાવ્યો અને ડાયરેક્ટ થ્રો કરીને વિરાટની ગિલ્લીને પાડી દીધી હતી. આ સિઝનમાં કોહલીએ અત્યાર સુધીમાં એકપણ અડધી સદી કરી નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.