કોહલી સાથે 'શોટ્સ પર ચર્ચા':RCB વિરુદ્ધ શાનદાર બેટિંગ કર્યા બાદ વેંકટેશ અય્યર પહોંચ્યો વિરાટ કોહલી પાસે પુલશોટ શીખવા; જાણો વેંકટેશ અય્યરના સંઘર્ષની કહાની

2 મહિનો પહેલા

IPLની 31મી મેચમાં કોલકોતા નાઈટ રાઈડર્સે રોયલ ચેલેન્જર્સ બેંગલોરને 9 વિકેટથી હરાવ્યું. માત્ર 93 રનના ટાર્ગેટને KKRએ 10 ઓવરમાં જ હાંસલ કરી લીધો. આ જીત KKR માટે બોલ પ્રમાણે IPLમાં સૌથી મોટી જીત છે. કોલકોતાની જીતમાં ડેબ્યુ કરી રહેલા યુવા પ્લેયર વેંકટેશ અય્યરે મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. તેણે માત્ર 27 બોલમાં 41 રન બનાવી શાનદાર ઈનિંગ્સ રમી હતી. વેંકટેશે આ ઈનિંગ્સમાં 7 ચોગ્ગા અને એક છગ્ગો લગાવ્યો હતો અને તેની સ્ટ્રાઈક રેટ 150થી વધુ હતી. વેંકટેશની આ ઈનિંગ્સ જોતાં લાગતું નહોતું કે તે ડેબ્યુ કરી રહ્યો છે. તેણે મોહમ્મદ સિરાજ, કાઈલ જેમિસન જેવા વર્લ્ડ ક્લાસ બોલરોનો સામનો કર્યો અને તેમના કમજોર બોલ પર ચોગ્ગા-છગ્ગા પણ લગાવ્યા હતા. મેચ પૂરી થયા બાદ વેંકટેશ વિરાટ કોહલીની સલાહ લેવા પહોંચ્યો હતો અને તેની પાસેથી વિવિધ શોટ્સ શીખ્યા હતા. તેનો વીડિયો ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે.

વેંકટેશ અય્યરે વિરાટ કોહલી પાસેથી પુલ શોટ વિશે સવાલ કર્યા અને તેણે તેને સમજાવાનો પ્રયત્ન કર્યો. કોહલી વેંકટેશને પુલ શોટ રમવાની રીત શીખવી રહ્યો હતો. KKRએ પોતાના ટ્વિટર અકાઉન્ટ પર આ વીડિયો શેર કર્યો છે. કેટલાક ફેન્સે વિરાટ કોહલીની પ્રશંસા કરી અને કેટલાક તો તેને ટ્રોલ કરતા પણ જોવા મળ્યા.

ફિટ રહેવા વેંકટેશ અય્યરની માએ ભણવાની સાથે ક્રિકેટ રમવા મોકલ્યો
અય્યર ક્રિકેટમાં માતાના કારણે આવ્યો. અય્યર ભણવામાં ખૂબ જ હોંશિયાર હતો. ઘરે રહીને દિવસ-રાત બસ વાંચતો રહેતો હતો તેથી માને ડર લાગ્યો કે ઘરમાં રહેવાથી તેના સ્વાસ્થ્ય પર ખોટી અસર ન થાય તેથી અય્યરને ફિટ રાખવા ગેમ રમવા મોકલતા હતાં.

ક્રિકેટ માટે CA છોડ્યું
અય્યર બીકોમનો વિદ્યાર્થી હતો અને CAની તૈયારી પણ કરી રહ્યો હતો. તેણે CAની પ્રવેશ પરીક્ષા પણ પાસ કરી હતી પરંતુ ક્રિકેટ ચાલુ રાખવા માટે CA છોડી દીધું હતું. ત્યાં સુધીમાં તે MP તરફથી ટી-20 અને વન ડે બંને ફોર્મેટ રમી ચૂક્યો હતો અને રાજ્યની અંડર-23 ટીમનો કેપ્ટન પણ હતો.

રણજી રમવા માટે નોકરી છોડી દીધી
અય્યરને 2018માં મોટા અકાઉન્ટ સંગઠન ડેલોયટે બેંગ્લોરમાં નોકરીની ઓફર કરી હતી. પરંતુ રણજી રમવા માટે તેણે આ ઓફર ઠુકરાવી દીધી હતી. બાદમાં તેને આ વર્ષે MP તરફથી રમવા માટે સિલેક્ટ કરાયો.

2015થી ડોમેસ્ટિક ક્રિકેટ રમી રહ્યો છે
અય્યર 2015થી ડોમેસ્ટિક ક્રિકેટ રમી રહ્યો છે, પરંતુ 2020-21માં તેનું ફોર્મ અલગજ જોવા મળી રહ્યું છે. ટી-20 સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં તેણે 75.66ની એવરેજ અને 149.34ની સ્ટ્રાઈક રેટથી 227 રન બનાવી પોતાની ટીમનો ટોપ સ્કોરર રહ્યો. વિજય હજારે ટ્રોફીમાં 402ના સ્કોરમાં તેણે પંજાબ વિરુદ્ધ 146 બોલ પર 198 રન કર્યા હતાં. 2018થી તેણે રણજીમાં હૈદરાબાદ વિરુદ્ધ ડેબ્યૂ કર્યું

વિરાટ કોહલી ટ્રોલ થયો
RCBના કેપ્ટન વિરાટ કોહલી મેચમાં કોઈ ખાસ કમાલ બતાવી શક્યો નહોતો અને તેની આખી ટીમ 93 રનના સ્કોર પણ ઓલઆઉટ થઈ ગઈ હતી. KKRના વેંકટેશ અય્યરે શાનદાર ઈનિંગ્સ રમી હતી અને મેચ બાદ તે વિરાટ કોહલી પાસે સલાહ લેવા પહોંચ્યો હતો. ફેન્સે વિરાટ કોહલીને ટ્રોલ કર્યો કે અય્યર વિરાટ કોહલીને સ્પિન વિરુદ્ધ રમતા શીખવાડી રહ્યો છે, સાથે જ વિરાટના ફેન્સ તેમની આ બાબતનો જવાબ પણ આપી રહ્યા છે કે ઈંગ્લેન્ડમાં વિરાટ કોહલી ફેલ થાય છે એમ વેંકટેશ પણ ત્યાં ફેલ જ રહેશે. હજી તો માત્ર એક મેચ રમી છે, આગળ તો જુઓ શું થાય છે.

વિરાટ કોહલીએ 2 મોટા નિર્ણયો લીધા છે
વિરાટ કોહલીએ તાજેતરમાં 2 ચોંકાવનારા નિર્ણયો લીધા છે. તેણે ટી-20 વર્લ્ડકપ બાદ ટીમ ઈન્ડિયાની ટી-20 ટીમની કેપ્ટનશિપ છોડવાનો નિર્ણય લીધો છે અને આ વર્ષની IPL બાદ RCBની પણ કેપ્ટનશિપ છોડવાનો નિર્ણય લીધો છે.

અન્ય સમાચારો પણ છે...