ભારતનો સૌથી ઝડપી બોલર ઉમરાન મલિક IPL 2022માં તેના સુપર ફાસ્ટ બોલથી મોટા-મોટા બેટ્સમેનને હેરાન કરી રહ્યો છે. શુક્રવારે KKR સામેની મેચમાં ઉમરાને 27 રનમાં બે વિકેટ ઝડપી હતી. તેની સ્પીડ સામે આન્દ્રે રસેલ જેવો ટી20 સ્ટાર બેટર પણ રન માટે વલખા મારતો જોવા મળ્યો હતો.
16મી ઓવરમાં થઈ ટક્કર
મેચની શરૂઆતથી જ તમામ કોમેન્ટેટર્સ રસેલ Vs ઉમરાન મુકાબલાની રાહ જોઈ રહ્યા હતા. આખરે KKRની ઇનિંગની 16મી ઓવરમાં બંને સામસામે આવી ગયા. ચાલો, જાણીએ આ ઓવરના 6 બોલમાં શું થયું.
પ્રથમ બોલ (સ્પીડ 150.1 KMPH)
આ સુપર ફાસ્ટ બોલ ફુલ ટોસ હતો. રસેલે એને સીધો મિડવિકેટ તરફ રમ્યો. એના પર કોઈ રન ન બન્યો.
બીજો બોલ (સ્પીડ 148.2 KMPH)
રસેલ ઓફ-સ્ટમ્પની બહારના આ બોલ પર મુશ્કેલથી કટ શોટ રમી શક્યો અને બે રન લીધા.
ત્રીજો બોલ (સ્પીડ 145.2 KMPH)
બે બોલમાં માત્ર બે રન જ બન્યા હતા. ઉમરાન ત્રીજો બોલ લેન્થ બોલ ફેંકે છે. રસેલે સ્લોગ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ કનેક્ટ થઈ શક્યો નહીં.
ચોથો બોલ (સ્પીડ 146.8 KMPH)
ઓફ-સ્ટમ્પની બહારનો આ બોલ શોર્ટ બોલ હતો. રસેલે કટ શોટ માટે બેટ ચલાવ્યું, ત્યાં સુધીમાં બોલ વિકેટકીપર પાસે ગયો હતો.
પાંચમો બોલ (સ્પીડ 144.4 KMPH)
શોટ છોડો રસેલે આ બાઉન્સર પર ઈજાથી માંડ માંડ પોતાને બચાવ્યો. આ પ્રયાસમાં તે જમીન પર પડી ગયો.
છઠ્ઠો બોલ (સ્પીડ 147.2 KMPH)
આ પણ એક લેન્થ બોલ હતો. રસેલે આના પર પણ બેટ ફેરવ્યું, પરંતુ બોલની ઝડપને હરાવી શક્યો નહીં. IPLમાં 170થી ઉપરના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી રહેલો રસેલ આ ઓવરમાં માત્ર બે રન જ બનાવી શક્યો હતો.
ઉમરાન જમ્મુ-કાશ્મીર તરફથી ઘરેલુ ક્રિકેટ રમે છે
સૌથી મહત્ત્વની વાત એ છે કે ઉમરાન મલિક તરીકે ભારતને એક ફાસ્ટ બોલર મળ્યો છે જે 153 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરે છે. આ ગતિએ બોલિંગમાં જસપ્રિત બુમરાહ અને ઉમેશ યાદવ જેવા બોલરો પણ ઉમરાન મલિકની પાછળ છે. ઉમરાન મલિકનો જન્મ 22 નવેમ્બર, 1999ના રોજ શ્રીનગરમાં થયો હતો. તે જમ્મુ-કાશ્મીર તરફથી ઘરેલુ ક્રિકેટ રમે છે. ઉમરાને આ વર્ષે જાન્યુઆરીમાં પોતાના રાજ્ય માટે પ્રથમ ટી-20 મેચ રમી હતી, જ્યારે તે રેલવે ટીમ સામે મેદાન પર ઊતર્યો હતો. તે મેચમાં ઉમરાને 24 રન આપીને 3 વિકેટ ઝડપી હતી.
ભારત ફાસ્ટ બોલિંગમાં બાદશાહ બની રહ્યું છે
ભારતમાં એક સમયે એવું કહેવામાં આવતું હતું કે ભારતમાં ફાસ્ટ બોલરો પેદા નથી થઈ શકતા. લોકો કહેતા હતા કે ઝડપી બોલરો પાકિસ્તાનમાં અને સ્પિનરો ભારતમાં હોય છે. વર્ષ 1980ના દાયકામાં ટીમ ઈન્ડિયાને કપિલ દેવના સ્વરૂપે ઝડપી બોલર મળ્યો. 1990નો દાયકો જાવાગલ શ્રીનાથના નામે રહ્યો હતો.
ત્યાર બાદ ઝહીર ખાન, આશિષ નેહરા, અજિત અગરકર અને ઈરફાન પઠાણ જેવા બોલરો આવ્યા ત્યારે લાગ્યું કે ભારતમાં ફાસ્ટ બોલર્સને લઈને કહેવામાં આવતી કહેવત ખોટી સાબિત થઈ રહી છે અને એવું થયું પણ ખરું. વર્તમાન સમયમાં દુનિયાનો સૌથી બેસ્ટ પેસ એટેક ભારત પાસે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.