મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ 44 બોલમાં શાનદાર 76 રન બનાવીને ફરી એક વાર ઈન્ડિયન ટીમમાં આવવા માટેની દાવેદારી રજૂ કરી છે. આ દરમિયાન તેમણે 172 રનના સ્ટ્રાઈક રેટથી રમતા 9 ચોગ્ગા અને 3 છગ્ગા લગાવ્યા. ક્રિકેટમાં સૌથી મુશ્કેલ બાબત છે તો એ છે ઈન્ડિયન ટીમમાં ડેબ્યૂ. રાહુલ ત્રિપાઠી ટેલેન્ટેડ પ્લેયર છે, તેની પાસે દરેક પ્રકારના શોટ્સ છે તેમ છતા તેને ઈન્ડિયન ટીમમાં સ્થાન મળી શકતું નથી.
31 વર્ષીય રાહુલ ત્રિપાઠી IPLનો સૌથી સફળ અનકેપ્ડ પ્લેયર છે. આ સીઝનમાં તે 162ની સ્ટ્રાઈક રેટથી રન બનાવી રહ્યો છે. પોતાની શાનદાર બેટિંગના કારણે રાહુલને દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ રમાનારી ટી-20 સીરીઝમાં જગ્યા મળવાની આશા છે.
KKRને પોતાની બેટિંગના જોરે ગયા વર્ષે ફાઈનલમાં પહોંચાડી હતી
2017માં IPL ડેબ્યૂ કરતા રાહુલે 14 મેચોમાં 146 રનની શાનદાર એવરેજથી 391 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેનો બેસ્ટ સ્કોર 93 હતો. ત્યાર બાદ આગલી સીઝનમાં તેને કેટલીક મેચો રમવા નહોતી મળી. તક મળે તો પણ બહુ ઓછા બોલ રમવા મળતા હતા.
રાહુલની ક્ષમતાને કોલકાતા નાઈટ રાઈડર્સે ઓળખી, કેપ્ટન દિનેશ કાર્તિક અને કોચ મેક્કુલમે રાહુલને ટોપ ઓર્ડરમાં રમવાની તક આપી. અને રાહુલને તકનો લાભ લઈ ટીમને કેટલીય મેચો જીતાડી દીધી. ગયા વર્ષે 16 ઈનિંગમાં 161 રનની સ્ટ્રાઈક રેટથી 393 રન બનાવીને રાહુલે ટીમને ફાઈનલ સુધી પહોંચાડી હતી. આ વર્ષે પણ રાહુલનું પ્રદર્શન શાનદાર રહ્યું છે.
હરભજન રાહુલને વિરાટથી વધુ ફિટ માને છે
અનકેપ્ડ ખેલાડી એટલે કે જે ખેલાડીઓને ભારતીય ટીમની જર્સી પહેરવાની તક મળી નથી. હરભજન સિંહની નજરમાં વિરાટ કોહલી કરતા રાહુલ ત્રિપાઠી વધુ ફિટ છે. ભજ્જી કહે છે કે રાહુલનો ફિટનેસ પ્રત્યેનો જુસ્સો જોવા જેવો છે.
તેણે તો ત્યાં સુધી કહ્યું કે રાહુલ જીમમાં હાજર દરેક સાધનો સાથે કસરત કરી શકે છે. બાકીના ખેલાડીઓની જેમ રાહુલ પાસે પણ ટોટકો છે. તે પહેલા જમણું પેડ પહેરે છે.
રવિ શાસ્ત્રીનું મોટું નિવેદનઃ રાહુલ ટીમ ઈન્ડિયામાં જગ્યા બનાવવાની ખૂબ નજીક છે
રવિ શાસ્ત્રીના મતે સનરાઈઝર્સ હૈદરાબાદના બેટ્સમેન રાહુલ ત્રિપાઠી ભારતીય ટીમથી વધુ દૂર નથી. તે નંબર ત્રણ અને ચાર પર બેક-અપ વિકલ્પ બની શકે છે. રાહુલ આ સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનમાં ત્રીજા નંબર પર છે. જો કોઈપણ ખેલાડીનું ફોર્મ ખરાબ હોય અથવા કોઈ ઈજાગ્રસ્ત થાય તો ત્રીજા નંબર અથવા ચોથા નંબર માટે રાહુલ શ્રેષ્ઠ વિકલ્પ છે. તેને સીધો જ ટીમમાં સામેલ કરી શકાય છે.
શાસ્ત્રીએ આગળ કહ્યું- તે એક ખતરનાક ખેલાડી છે અને તેના શોટ્સ નિર્ભયપણે રમે છે. તેની શોટ સિલેક્શન પ્રક્રિયા શાનદાર છે. તેની પાસે દરેક બોલ માટે પ્લાન A અને પ્લાન B બંને છે.
રાહુલે 9 વર્ષની ઉંમરે પ્લાસ્ટિકના બેટથી ક્રિકેટની સફર શરૂ કરી હતી
રાહુલને નાનપણથી જ ક્રિકેટમાં રસ હતો. 9 વર્ષની ઉંમરે તે પ્લાસ્ટિકના બેટથી ક્રિકેટ રમતો હતો. આ જ ઉંમરમાં એક વખત તેને લેધર બોલથી રમવાનો મોકો મળ્યો. રાહુલ આજ સુધી એ ક્ષણ ભૂલી શક્યો નથી. રાહુલના પિતા કહે છે કે રાહુલ ઘણીવાર પેન્સિલને વિકેટ તરીકે, સ્કેલને બેટ તરીકે અને રબરને બોલ તરીકે રમતો હતો.
તેને કોઈ રમકડાંમાં રસ નહોતો. રાહુલ ક્રિકેટ રમવા ઉપરાંત અભ્યાસમાં પણ ઘણો સારો હતો. તે હંમેશા તેના વર્ગના ટોપ 5 વિદ્યાર્થીઓમાં રહેતો હતો. રાહુલે પોતાનો અભ્યાસ આર્મી સ્કૂલમાંથી કર્યો છે.
તેનું ગણિત ઘણું સારું હતું અને તે ભવિષ્યમાં એન્જિનિયર બનવા માંગતો હતો. જો કે, ક્રિકેટમાં વધતી જતી રુચિએ તેને એન્જિનિયર બનવાને બદલે ક્રિકેટર બનવાની પ્રેરણા આપી. રાહુલની માતા સરોજ ત્રિપાઠીને પુત્ર પર પૂર્ણ વિશ્વાસ હતો.
રાહુલનું ક્રિકેટર બનવાનું સપનું પૂરું કરવા તે ખડકની જેમ ઉભી રહી. રાહુલના પિતા આર્મીમાં હતા, જેના કારણે ઘરમાં કડક અનુશાસન હતું. રાહુલ સચિન તેંડુલકરનો ફેન હતો.
બેસ્ટ ક્રિકેટર ઓફ ઈન્ડિયાનું ટાઈટલ જીતી ચુક્યો છે રાહુલ
રાહુલનો જન્મ ઝારખંડના રાંચીમાં થયો હતો. પિતા અજય ત્રિપાઠી ભારતીય સેનામાં કર્નલના પદ પર છે. તેઓ પોતે પણ ક્રિકેટર હતા. તાજેતરમાં બિહાર-ઝારખંડમાં ક્રિકેટની સુવિધા થોડી વધી છે, પરંતુ દરેકના નસીબમાં મહેન્દ્ર સિંહ ધોની અને ઈશાન કિશન જેવા નથી હોતા.
આ બંને રાજ્યોમાં તમને ઘણા પ્રતિભાશાળી ખેલાડીઓ જોવા મળશે, જેમની કારકિર્દી તકના અભાવે ખતમ થઈ ગઈ. રાહુલ પુણે શિફ્ટ થયો, જ્યાં તેણે પ્રોફેશનલ ટ્રેનિંગ શરૂ કરી. તેના પિતાએ તેને જૂની ક્લબ ડેક્કન જીમખાનામાં એડમિશન કરાવ્યું. વર્ષ 2012-13માં રાહુલે મહારાષ્ટ્ર તરફથી બરોડા સામે ડેબ્યુ કર્યું હતું.
વર્ષ 2014માં સીકે નાયડુ કપ દરમિયાન રાહુલે 4 સદી ફટકારી હતી. તેની શાનદાર બેટિંગના કારણે મહારાષ્ટ્રની ટીમ ફાઇનલમાં જગ્યા બનાવવામાં સફળ રહી. BCCIએ તેને તે વર્ષે 'ભારતના શ્રેષ્ઠ ક્રિકેટર'ના ખિતાબથી સન્માનિત કર્યો હતો.
જ્યાં સુધી IPL ફ્રેન્ચાઈઝીએ ખરીદ્યો નહીં, ત્યાં સુધી સ્ટેડિયમમાં ન ગયો
જ્યારે રાહુલે સારું પ્રદર્શન કર્યું હોવા છતાં IPLની હરાજીમાં ટીમો દ્વારા તેને ખરીદવા માટે યોગ્ય ન ગણવામાં આવ્યો ત્યારે તેનું દિલ તૂટી ગયું હતું. રાહુલે 2013માં ભીષ્મ પ્રતિજ્ઞા લીધી હતી.
શપથ લીધી કે જ્યાં સુધી તે IPLમાં પસંદ નહીં થાય ત્યાં સુધી સ્ટેડિયમ મેચ જોવા નહીં જાય. વર્ષ 2017માં, પૂરા 5 વર્ષ પછી IPLનો ભાગ બન્યા બાદ, તે સ્ટેડિયમમાં મેચ રમવા આવ્યો હતો.
રાહુલનું પ્રદર્શન જોઈને રાઈઝિંગ પુણે સુપરજાયન્ટે તેને તેની મૂળ કિંમત 10 લાખમાં ખરીદ્યો. રાહુલ જ્યારે આ ટીમ માટે ટ્રાયલ આપવા ગયો ત્યારે તેણે પહેલા જ બોલ પર સિક્સર ફટકારી હતી. ત્યારે જ કોચ સ્ટીમેન ફ્લેમિંગ સમજી શક્યા, આ છોકરો અજાયબી કરશે. રાહુલે IPLમાં ડેબ્યૂ દિલ્હી સામે કર્યું હતું.
ઈજા છતાં રાહુલે ક્રિકેટર બનવાનું સપનું ન છોડ્યું
21 વર્ષની ઉંમરે બોલિંગ કરતી વખતે રાહુલ પડી ગયો. તેને પીઠમાં ગંભીર ઈજા થઈ હતી. જેના કારણે તે 6 મહિના માટે મેદાનની બહાર રહ્યો હતો. આ સમયગાળા દરમિયાન પણ તેની આંખોમાં ક્રિકેટના મેદાનના સપના હતા.
રાહુલના જીવનનું સૌથી મોટું સપનું ટીમ ઈન્ડિયા માટે રમવું અને દેશ માટે મેચ જીતવાનું છે. રાહુલ કહે છે કે મારી પાસે કોઈ મનપસંદ બેટિંગ પોઝિશન નથી.
ઓપનિંગથી લઈને નંબર 6 સુધી હું દરેક જગ્યાએ રમ્યો છું. ટીમ જરૂર મુજબ મારો ઉપયોગ કરી શકે છે. હું આ માટે માનસિક રીતે તૈયાર છું. 2 વખત IPL ફાઈનલ રમી ચુકેલ રાહુલ આજ સુધી ટ્રોફી જીતી શક્યો નથી.
રાહુલના IPL ટ્રોફી જીતવાની સાથે જ તેને ટીમ ઈન્ડિયામાં વહેલી તકે તક મળવાની આશા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.