• Gujarati News
  • Sports
  • Cricket
  • Ipl
  • The Toss Has Been So Important In The IPL So Far, Learn About The Shocking Statistics, Including The Decision Of The Last 7 Matches.

મહેનત સામે નસીબનું પલડું ભારે?:IPLમાં અત્યારસુધી ટોસનું મહત્ત્વ વધારે રહ્યું, છેલ્લી 6 સીઝનના ચોંકાવનારા આંકડા વિશે જાણો

19 દિવસ પહેલાલેખક: પાર્થ વ્યાસ
  • કૉપી લિંક

IPL હવે સમય જતા મહેનત કરતા વધારે નસીબના જોરે જીત દાખવી શકો એવી લીગ બનતી જાય છે. 'ટોસ જીતો મેચ જીતો'ની નીતિ ભલે કોઈપણ ખેલાડીના હાથમાં ન હોય પરંતુ છેલ્લી 6 સીઝનના આંકડા જોઈએ તો ટોસનું નસીબ ખેલાડીની મહેનત પર ભારે પડી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ તથા IPLના છેલ્લા કેટલાક આંકડાઓ પર નજર ફેરવીએ તો ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરનારી ટીમના કેપ્ટને 80%થી વધુ મેચ પોતાને નામ કરી છે. આ 2022ની સીઝનમાં પણ જેટલી મેચો રમાઈ છે તેના આંકડા હોય કે પછી છેલ્લી 6થી વધુ સીઝન ટોસ જ ગેમનો બોસ બનીને રહ્યો છે. તો ચલો, આપણે આ આંકડા પર નજર ફેરવીએ....

2016થી 2021 સુધીના ચોંકાવનારા રેકોર્ડ
IPL 2016થી લઈને 2021ની સીઝનના રેકોર્ડ પર નજર ફેરવીએ તો ટોસ જીત્યા પછી બોલિંગ પસંદ કરનારી ટીમના જીતની ટકાવારી વધારે જોવા મળી છે. તમને જણાવી દઈએ કે આ સમયમાં કુલ 364 મેચ રમાઈ છે, જેમાંથી પહેલા બોલિંગ કરતી ટીમે 214 મેચ જીતી છે, જ્યારે પહેલા બેટિંગ કરતી ટીમે 150 મેચ જીતી છે. તેવામાં હવે IPLની દરેક ટીમને જાણ થઈ જાય છે કે જે કેપ્ટન ટોસ જીતશે એ પહેલા બોલિંગ કરવાનું જ પસંદ કરશે.

શુક્રવારે રમાયેલી કોલકાતા અને પંજાબની મેચમાં KKRના કેપ્ટન શ્રેયસે પણ ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરી હતી. તો 2022ના ટોસ અપડેટ પર નજર ફેરવીએ તો મોટાભાગની મેચમાં કેપ્ટન પહેલા બોલિંગ પસંદ કરે છે.

દિગ્ગજો પણ આ ટ્રેન્ડથી સ્તબ્ધ
પૂર્વ ભારતીય ક્રિકેટર સબા કરીમે કહ્યું કે આ ટ્રેન્ડ ઘણો ચોંકાવનારો છે. પાવર હિટર્સની હાજરીએ તમામ ટીમોને તેમની વ્યૂહરચના પર ફરીથી કામ કરવા માટે પ્રેરિત કર્યા છે. તે મેચ પહેલા વિચારે છે કે તેની ટીમ પાસે નંબર 5 કે નંબર 6 પર કોઈ પાવર હિટર છે કે કેમ. આવી સ્થિતિમાં ટીમ માટે રન ચેઝ કરવો સરળ બની જાય છે અને તે પહેલા બોલિંગ કરવાનું પસંદ કરે છે. વળી આ ફોર્મેટમાં છેલ્લા કેટલાક વર્ષોના આંકડા પર નજર કરીએ તો રનચેઝ કરવા ઉતરેલી ટીમ પાસે જીત નોંધાવવાની વધુ તકો રહેલી છે.

બીજી બેટિંગ કરવાનો ફાયદો
તમને જણાવી દઈએ કે જો કોઈ ટીમ ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરે છે એની પાછળનું બીજુ કારણ ડ્યૂ (ઝાકળ) પણ છે. જો આપણે છેલ્લી 2019થી 2021ની સિઝન પર નજર ફેરવીએ તો પહેલા બોલિંગ કરનારી ટીમોની મેચમાં પકડ વધુ મજબૂત રહે છે. સૌથી પહેલા તો રનચેઝ દરમિયાન તેમની પાસે ખાસ પ્લાન હોય છે અને પહેલા બેટિંગ કરી કેટલા રનનો સ્કોર સેટ કરવો એનું પ્રેશર પણ બેટર પર રહેલું હોતું નથી. જેથી કરીને ટીમો હવે પહેલા બોલિંગ પસંદ કરવાના ટ્રેન્ડને વધુ પસંદ કરી રહી છે.

વળી પહેલા બોલિંગ કરતા સમયે ઝાકળ હોતી નથી જેથી પાવરપ્લે સહિત લગભગ 10 ઓવરમાં ટીમના બોલર પાસે લાઈન અને લેન્થ પકડી રાખી બોલિંગ કરવામાં સરળતા રહે છે. જો બીજી ઈનિંગમાં ઝાકળના કારણે બોલ ભીનો થાય તો બોલર્સ પોતાની લય ગુમાવી બેઠતો પણ જોવા મળે છે અને એક લાઈન લેન્થ પકડી રાખવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

મેચ પ્રિડિક્શનમાં પણ ટોસનું મહત્ત્વ
IPL મેચ પહેલા ટીમના ફોર્મ અને કોમ્બિનેશનના આધારે ખાસ પ્રિડિક્શન કરવામાં આવે છે. જેમાં પણ ટોસ મહત્ત્વપૂર્ણ ભાગ ભજવે છે. ચલો તમને એક ઉદાહરણ દ્વારા સમજાવીએ. માની લો કે જો ટોસ પહેલા 'TEAM-A'અને 'TEAM-B' વચ્ચે જીતની ટકાવારી 55%-45% છે અને 'TEAM-B'ટોસ જીતશે તો ફેન્સ અને અન્ય દિગ્ગજોના પ્રિડિક્શનમાં ફેરફાર થઈ જશે. આ સમીકરણો પહેલાથી બદલાઈને 45%-55% થઈ જાય છે. અને જો 'TEAM-A'ટોસ જીતે તો આ ટકાવારી 65%-35% થઈ જાય છે. (જોકે આમાં નજીવા ફેરફાર તથા ટીમની પ્લેઇંગ-11 પણ મહત્ત્વપૂર્ણ ભાગ ભજવે છે. પરંતુ ટોસનો રોલ મહત્ત્વપૂર્ણ રહે છે)

ટીમો સામે 200+ ટાર્ગેટ ડિફેન્ડ કરવાનો પડકાર
આના પરથી અનુમાન લગાવી શકાય છે કે ટોસનું મહત્ત્વ અત્યારે કેટલું વધી ગયું છે. IPLની છેલ્લી 6 સિઝનના આંકડા પર નજર કરીએ તો મીડિયા રિપોર્ટ્સ અને અન્ય માહિતીને જોતા 75% કેપ્ટન પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કરે છે. જેથી પહેલા બેટિંગ કરનારી ટીમ જો 170-180 રનનો ટાર્ગેટ સેટ કરે તો પણ રનચેઝ લગભગ સરળ રહે છે. આના કારણે પહેલી ઓવરથી જ પહેલા બેટિંગ કરનારી ટીમ સામે 200+ રનનો ટાર્ગેટ સેટ કરવાનો પ્રેશર પણ રહે છે.

2022 સિઝનની એક મેચ જ ઉદાહરણ પેઠે લઈ લો. ગુરુવારે ચેન્નઈએ લખનઉ સામે 200+નો ટાર્ગેટ સેટ કર્યો હતો. જેમાં લખનઉએ ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરી હતી અને રનચેઝ દરમિયાન શાનદાર બેટિંગ અને સારા ગેમ પ્લાન સાથે છેલ્લી ઓવરમાં આ સ્કોર ચેઝ કરી લીધો હતો.

2022ની સાતેય મેચમાં કેપ્ટને ટોસ જીતી બોલિંગ લીધી
2022ની 7માંથી 6 મેચ પહેલા બોલિંગ કરતી ટીમે જીતી છે. આમાંથી ચોંકવનારો આંકડો એ છે કે સાતેય મેચમાં કેપ્ટને ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરી છે. જેમાંથી માત્ર રાજસ્થાન અને હૈદરાબાદ વચ્ચે રમાયેલી મેચમાં પહેલા બેટિંગ કરનારી RRએ જીત દાખવી હતી.

આ તમામ આંકડા પર નજર ફેરવીએ તો IPL જ નહીં આ શોર્ટ ફોર્મેટમાં હવે ટોસનો રોલ પહેલા કરતા પણ વધુ મહત્ત્વપૂર્ણ બની ગયો છે.

અન્ય સમાચારો પણ છે...