IPL 2022ની 67મી મેચમાં ગુજરાત ટાઈટન્સનો બેટર મેથ્યુ વેડ આઉટ થયા પછી ગુસ્સે થઈ ગયો હતો. RCB સામે LBW આઉટ થતાં વેડ નિરાશ જોવા મળ્યો હતો. તે ડ્રેસિંગ રૂમ જઈ રહ્યો હતો ત્યારે વિરાટે પણ તેને કંઈક કહ્યું હતું, જેનું અનુમાન લગાવાઈ રહ્યું છે કે DRS અને ટેક્નોલોજીના એરર વિશે વાત થઈ હશે. બસ, ત્યાર પછી વેડ ગુસ્સે થઈ ગયો અને ડ્રેસિંગમાં હેલ્મેટનો છૂટ્ટો ઘા કર્યો તથા બેટ વડે બધું તોડવા લાગ્યો હતો. ચાલો, સમગ્ર ઘટના પર નજર ફેરવીએ...
વિરાટે વેડને કંઈ કહ્યું અને ગુસ્સામાં ડ્રેસિંગ રૂમ ભાગ્યો
મેથ્યુ વેડ જેવો આઉટ થયો ત્યારે તે ગુસ્સામાં ડ્રેસિંગ રૂમ તરફ ભાગ્યો હતો. જોકે આ દરમિયાન વચ્ચે વિરાટ કોહલીએ તેની પાસે આવીને કંઈક કહ્યું હતું. એવામાં અનુમાન લગાવાઈ રહ્યું છે કે એડ્જ અડી છે કે નહીં એમાં ટેક્નોલોજીની નિષ્ફળતા અંગે પણ ટિપ્પણી થઈ હોઈ શકે છે. ત્યાર પછી તો વેડ વધુ ગુસ્સામાં આવી ગયો અને તે ડ્રેસિંગ રૂમ તરફ ભાગ્યો હતો.
ડ્રેસિંગ રૂમમાં તોડફોડ કરી
વેડ જેવો અંદર પહોંચ્યો તેણે ગુસ્સામાં પહેલા પોતાના હેલ્મેટનો છૂટ્ટો ઘા કર્યો. ત્યાર પછી થોડો આગળ આવીને તેણે બેટ વડે એ જ હેલ્મેટને ફટકા માર્યા. જોકે આ દરમિયાન વેડ અટક્યો નહીં અને સતત ગુસ્સામાં બેટને કોફી મશીન પાસે પછાડતો રહ્યો હતો.
તસવીરો જુઓ... સૌજન્ય - IPL
સાથી ખેલાડીઓ ગભરાઈ ગયા
વેડ જેવી રીતે બેટ અને હેલ્મેટના ઘા કરી રહ્યો હતો તેની સાથે ડ્રેસિંગ રૂમમાં રહેલા અન્ય ખેલાડી પણ ડઘાઈ ગયા હતા. તે અચાનક જ એક ખેલાડી જે શૂઝ પહેરી રહ્યો હતો તેની પાસે આવીને બેટ વડે આસપાસની વસ્તુઓને ફટકારવા લાગ્યો હતો. આ જોઈને બે ઘડી તો સામે ઊભેલો ખેલાડી પણ ગભરાઈ ગયો હોય એમ લાગ્યું હતું.
મેથ્યુ વેડની વિકેટ, DRS પણ બચાવી ન શક્યો
મેક્સવેલે ઈનિંગની છઠ્ઠી ઓવરના બીજા બોલ પર વેડ સામે LBWની અપીલ કરી હતી, જેને ફિલ્ડ અમ્પાયરે આઉટ આપતાં વેડે તાત્કાલિક DRS લઈ લીધો હતો. વેડની પ્રતિક્રિયાથી સ્પષ્ટપણે લાગી રહ્યું હતું કે બોલ પહેલા ગ્લવ્ઝ અથવા બેટ સાથે સંપર્ક થયા પછી પેડ પર વાગ્યો હતો, પરંતુ રિપ્લેમાં સ્નિકો મીટરમાં કોઈ સ્પાઈક જોવા નહોતો મળ્યો અને અમ્પાયરે ત્યાર પછી LBW અપીલમાં હિટિંગ વિકેટ હોવાથી તેને આઉટ આપ્યો હતો. જોકે વેડ નિરાશ હતો, તેની પ્રતિક્રિયાથી જણાઈ રહ્યું હતું કે બેટ અથવા ગ્લવ્ઝનો સંપર્ક થયો હશે. આ દરમિયાન તેણે 13 બોલમાં 16 રન કર્યા હતા તથા 2 ચોગ્ગા અને 1 છગ્ગો પણ ફટકાર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.