કેપ્ટન કૂલ CSKમાં જ રહેશે:ફ્રેન્ચાઈઝીએ કહ્યું- જહાજને તેના બેસ્ટ કેપ્ટનની જરૂર છે, મેગા ઓક્શનમાં સૌથી પહેલા અમે ધોનીને રિટેન કરીશું

2 મહિનો પહેલા

છેલ્લા ઘણા સમયથી ક્રિકેટના કોરિડોરમાં સતત ચર્ચા ચાલી રહી છે કે શું આગામી આઈપીએલમાં એમએસ ધોની ચેન્નઈ સુપર કિંગ્સમાં રહેશે કે નહીં! પરંતુ હવે CSKના અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે આગામી સિઝનમાં પણ કેપ્ટન કૂલ માત્ર ચેન્નઈ માટે રમતા જોવા મળશે. તેવામાં એક ફ્રેન્ચાઇઝ અધિકારીએ જણાવ્યું હતું કે હરાજીમાં પ્રથમ રિટેન્શન કાર્ડનો ઉપયોગ ટીમના કેપ્ટનને રિટેન કરવા માટે વપરાશે.

ફ્રેન્ચાઇઝીનું નિવેદન સામે આવ્યું
CSKના અધિકારીએ ANIને કહ્યું હતું કે- આ સાચું છે કે રીટેન્શન થશે, પરંતુ કેટલું રિટેન્શન કરવામાં આવશે તે અત્યારે નક્કી નથી. પરંતુ સાચું કહું તો એમએસ ધોની માટે રિટેન્શનની પ્રક્રિયામાં કોઈ ફરક પડતો નથી. તેમના કિસ્સામાં તે ગૌણ બાબત હશે. અમે તેમના માટે અમારા પ્રથમ રીટેન્શન કાર્ડનો ઉપયોગ કરીશું. વહાણને તેના કેપ્ટનની જરૂર છે અને આ એ વાતનો પણ પુરાવો છે કે તે આવતા વર્ષે રમશે.

ધોનીએ ફાઇનલમાં સંકેતો આપ્યા હતા
ધોનીની કેપ્ટનશીપ હેઠળ ચેન્નઈએ આઈપીએલ 2021ની ફાઇનલમાં કોલકાતા નાઈટ રાઈડર્સને 27 રનથી હરાવ્યું હતું. મેચ બાદ જ્યારે કોમેન્ટેટર હર્ષ ભોગલેએ ધોનીને પૂછ્યું કે તમે તમારી પાછળ વારસો છોડી રહ્યા છો. તેના પર ધોનીએ એક રમુજી જવાબ આપ્યો અને કહ્યું કે તેણે હજુ સુધી ચેન્નઈની ટીમ છોડી નથી.

આગામી 10 વર્ષ માટેની તૈયારી
ચોથી વખત આઈપીએલ ટ્રોફી જીત્યા બાદ તેના ભવિષ્ય વિશે વાત કરતા ધોનીએ કહ્યું હતું કે- મેં આની પહેલા પણ કહ્યું છે કે, આ BCCIના નિર્ણય પર નિર્ભર કરે છે. બે નવી ટીમો આવવાથી અમારે નક્કી કરવું પડશે કે CSK માટે શું સારું છે. તે મારા ટોચના ત્રણ કે ચારમાં હોવા વિશે નથી. ફ્રેન્ચાઇઝીને તકલીફ ન પડે તેની ખાતરી કરવી પડશે. આપણે જોવાનું છે કે આગામી 10 વર્ષ માટે કોણ યોગદાન આપી શકે છે.

ધોનીએ નિવૃત્તિ અંગે કર્યો ઘટસ્ફોટ
હર્ષા ભોગલેએ પોસ્ટ મેચ સેરેમની પછી છેલ્લો સવાલ પૂછતા ધોનીને કહ્યું હતું કે તમે ચેન્નઈનો વારસો ઘણો સારી રીતે જાળવી રાખ્યો છે. તમે આ વારસાની સાથે એક સારી છાપ છોડીને જઈ રહ્યા છો....જેના જવાબમાં પહેલા તો ધોની શાંત રહ્યો અને કંઈ જ બોલ્યો નહીં. ધોનીની આવી પ્રતિક્રિયાથી હર્ષા ભોગલે પણ જાણે તાત્કાલિક સવાલ બદલીને મુદ્દો ફેરવી દીધો હતો. જોકે ત્યારપછી ધોનીએ કહ્યું કે મેં હજુ સુધી ચેન્નઈની ટીમ છોડી નથી. તેનો આ જવાબ સાંભળતા જ હર્ષા ભોગલે સહિત ફેન્સ ઉત્સાહમાં આવી ગયા હતા.

ઉલ્લેખનીય છે કે વચ્ચે ધોની IPLમાંથી નિવૃત્ત થાય તેવા અણસાર પણ આપી રહ્યો હતો. તેને પંજાબ સામેની મેચમાં પણ ડેની મોરિસનને નિવૃત્તી અંગે જ અણસાર આપ્યા હતા. તેવામાં ફાઇનલ જીત્યા પછી ધોનીની આવી પ્રતિક્રિયાથી ફેન્સ ઘણા ખુશ થઈ ગયા છે.

ચેન્નઈના સમર્થકોનો આભાર- ધોની
મહેન્દ્ર સિંહ ધોનીએ ખાસ કરીને તેના ફેન્સનો આભાર વ્યક્ત કર્યો હતો. તેણે કહ્યું હતું કે અમે ભારતની બહાર પણ મેચ રમી રહ્યો હોવા છતા સ્ટેડિયમમાં ચેન્નઈના ફેન્સ અમને ચિયર કરવા આવતા હતા. મને ક્યારેય લાગ્યું નહોતું કે હું ભારતની બહાર મેચ રમી રહ્યો છું. મને આશા છે કે હું મારા ફેન્સની સામે ચેન્નઈમાં મેચ રમી શકું.

ધોની એન્ડ ટીમનો 27 રનથી ભવ્ય વિજય
ચેન્નઈ સુપર કિંગ્સે IPL 2021ની ફાઇનલમાં કોલકાતા નાઈટ રાઈડર્સને 27 રનથી હરાવીને ચોથી વાર ટ્રોફી જીતી લીધી છે. ટોસ હાર્યા પછી ચેન્નઈએ 192/3નો સ્કોર કર્યો હતો. જેના જવાબમાં કોલકાતા 20 ઓવરમાં 9 વિકેટના નુકસાને 165 રન જ કરી શકી હતી. જેથી ચેન્નઈએ 27 રનથી KKRને હરાવી મેચની સાથે ચોથી IPL ટ્રોફી જીતી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...