રાહુલનું રિએક્શન વાઈરલ:સ્ટોઈનિસ અડધી પિચ પર પહોંચી હુડાના કારણે રનઆઉટ થયો, કેપ્ટને નાખુશ થઈ માથુ પકડી લીધું

9 દિવસ પહેલા

ગુજરાત ટાઇટન્સે મંગળવારે રમાયેલી IPL મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સને 62 રને હરાવ્યું અને IPLની પ્લેઓફમાં પહોંચી ગઈ. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ગુજરાત ટાઇટન્સની ટીમે લખનઉ સુપર જાયન્ટ્સ સામે જીત માટે 145 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં લખનઉ સુપર જાયન્ટ્સની ટીમ 82 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

આ મેચમાં લખનઉના બેટ્સમેનો ગુજરાત ટાઇટન્સના બોલરો સામે ધ્વસ્ત થઈ ગયા હતા. આ મેચમાં એક ક્ષણ એવી આવી જ્યારે લખનઉના બેટ્સમેન દીપક હુડ્ડા બેટિંગ દરમિયાન પોતાની જ ટીમના સાથી માર્કસ સ્ટોઈનિસ માટે વિલન સાબિત થયો. દીપક હુડાના કારણે માર્કસ સ્ટોઈનિસને રન આઉટ થઈને પોતાની વિકેટ ગુમાવવી પડી હતી. આ જોઈને ડગઆઉટમાં બેસેલો કેપ્ટન કેએલ રાહુલ નાખુશ નજરે આવ્યો હતો.

માર્કસ સ્ટોઈનિસ અડધી પીચે જ રહી ગયો
બન્યું એવું કે લખનઉ સુપર જાયન્ટ્સની ઇનિંગ્સની 12મી ઓવરમાં ગુજરાત ટાઇટન્સનો લેગ-સ્પિનર ​​રાશિદ ખાન બોલિંગ કરવા આવ્યો. રાશિદ ખાનની આ ઓવરના બીજા બોલ પર લખનઉના બેટ્સમેન દીપક હુડ્ડાએ સ્વીપ શોટ રમ્યો અને બે રન લેવા દોડવા લાગ્યો. પરંતુ, દીપક હુડ્ડા બીજો રન લેતી વખતે લપસી ગયો હતો. તે જ સમયે, બીજા છેડે રહેલો માર્કસ સ્ટોઇનિસ બીજા રન માટે ક્રિઝથી ઘણો આગળ નીકળી ગયો હતો.

સોશિયલ મીડિયામાં વીડિયો વાઈરલ
આ સમયે, ગુજરાતના ફિલ્ડર ડેવિડ મિલરે વિકેટકીપર રિદ્ધિમાન સાહા તરફ બોલ ફેંક્યો અને સાહાએ માર્કસ સ્ટોઇનિસને રનઆઉટ કર્યો. માર્કસ સ્ટોઇનિસ 2 રન બનાવીને આઉટ થયો હતો. માર્કસ સ્ટોઈનિસના રન આઉટ બાદ દીપક હુડ્ડા પણ ખાસ કંઈ કરી શક્યો ન હતો અને રાશિદ ખાનના બોલ પર મોહમ્મદ શમીના હાથે કેચ આઉટ થયો હતો. દીપક હુડ્ડા 27 રન બનાવીને આઉટ થયો હતો. માર્કસ સ્ટોઈનિસના રન આઉટનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...