IPL 2022 શરૂ થતાંની સાથે જ ત્રીજા દિવસે સીઝનનો પ્રથમ વિવાદ સામે આવ્યો છે. વિવાદ રાજસ્થાન રોયલ્સ અને સનરાઈઝ હૈદરાબાદ વચ્ચે મંગળવારે રમાયેલી મેચમાં કરાયેલા કેચનો છે. હૈદરાબાદની ઈનિંગમાં બીજી ઓવર પ્રસિદ્ધ કૃષ્ણા ફેંકી રહ્યો હતો અને વિલિયમ્સન બેટિંગ કરી રહ્યો હતો. ઓવરના ચોથા બોલ પર બોલ બેટને ટચ કરીને વિકેટકીપર સંજુ સેમસન પાસે ગયો. પરંતુ તે બોલને પકડી શક્યો નહીં અને તેના હાથમાંથી બોલ છટકી ગયો. આ દરમિયાન સ્લિપમાં ઊભેલા દેવદત્ત પડ્ડિકલે આ બોલને પકડી લીધો હતો. મેદાન પર રહેલા અમ્પાયરને સમજાયું નહીં કે બોલ ગ્રાઉન્ડને ટચ થયો છે કે નહીં.
અમ્પાયરે વિલિયમ્સનના આઉટ થવા પર સોફ્ટ સિગ્નલ લીધું, પરંતુ કન્ફર્મેશન માટે થર્ડ અમ્પાયરને ચેક કરવા રિક્વેસ્ટ કરી. થર્ડ અમ્પાયરે પણ દરેક એન્ગલથી રિપ્લે જોઈને વિલિયમ્સનને આઉટ આપી દીધો. પછી વિવાદ શરૂ થઈ ગયો.
પ્રથમ ફ્રેમમાં જ નોટ આઉટ નજરે પડી રહ્યો હતો વિલિયમ્સન
વીડિયોની પ્રથમ ફ્રેમમાં જ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે બોલ ગ્રાઉન્ડને અડ્યો છે. પછી સોશિયલ મીડિયા પર લોકોએ અમ્પાયરના આ નિર્ણયને લઈને કોમેન્ટ શરૂ કરી. હૈદરાબાદ માટે વિલિયમ્સનની વિકેટ મહત્ત્વની હતી. જો નોટ આઉટ હોત તો મેચ બદલાઈ જાત. તેના આઉટ થયા બાદ રાહુલ ત્રિપાઠી, નિકોલસ પૂરન અને અભિષેક વર્મા પણ ઝડપથી આઉટ થઈ ગયા હતા.
ક્લીન કેચનો નિયમ શું છે?
જો કોઈ ફિલ્ડર લો કેચ (જમીનની નજીકનો કેચ) પકડે તો તેની આંગળીઓ બોલની નીચે હોવી જોઈએ. જો કોઈ મામલામાં ફિલ્ડરની બે આંગળી બોલની નીચે છે અને બોલ ગ્રાઉન્ડને ટચ થઈ રહ્યો હશે તો પણ કેચ ક્લીન ગણાશે અને બેટ્સમેન આઉટ ગણાશે. વિલિયમ્સનના કેસમાં બોલ જમીનને અડતો દેખાઈ રહ્યો હતો, પરંતુ એ સ્પષ્ટ દેખાતું નહોતું કે ફિલ્ડરની બે આંગળી બોલની નીચે છે કે નહીં. ગ્રાઉન્ડ અમ્પાયરે આઉટ આપ્યો હતો, તેથી થર્ડ અમ્પાયરે પણ નિર્ણયને યથાવત્ રાખ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.