IPLમાં ખરાબ શરૂઆત પછી ચેન્નઈ સુપર કિંગ્સે RCBને હરાવીને જીત તરફ ડગલું માંડ્યું છે. હવે ધોની આ લય જાળવા રાખવા માગે છે. તેવામાં આજે સાંજે ગુજરાત અને ચેન્નઈ વચ્ચેની મેચ પહેલી ધોનીએ નેટ્સમાં ખાસ સેશનમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તે સ્પિન બોલિંગ કરતો જોવા મળ્યો. ધોનીના વાઈરલ વીડિયો પછી ફેન્સ કહી રહ્યા છે હાર્દિક પંડ્યા સામે આજની મેચમાં અગ્નિપરીક્ષા સમાન પડકાર રહેશે. કારણ કે ધોની અલગ ગેમપ્લાન સાથે ચેન્નઈને મેદાનમાં ઉતારી શકે છે.
ધોની મેચ પહેલા નેટ્સમાં બોલિંગ કરતો જોવા મળ્યો
CSK અને BCCI બંનેએ શનિવારે ધોનીની એક વીડિયો ક્લિપ પોસ્ટ કરી હતી. આ ક્લિપમાં ધોની નેટ પ્રેક્ટિસ કરતો જોવા મળે છે, પરંતુ આ વખતે મહેન્દ્ર સિંહ ધોની સ્પિન બોલર બનીને નેટમાં મહેનત કરવા લાગ્યો હતો. ધોનીના હાથમાં બોલ જોતા જ સોશિયલ મીડિયામાં યૂઝર્સે કહેવાનું શરૂ કરી દીધું કે ધોની ગુજરાત સામે નવો ગેમ પ્લાન ઘડી રહ્યો છે. તમને જણાવી દઈએ કે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન નેટ સેશન દરમિયાન તેના સાથી ખેલાડીઓ સાથે લેગ સ્પિન બોલિંગ કરતા કેમેરામાં કેદ થયો હતો.
યૂઝર્સે કહ્યું- મુરલીધરન ધોની
ધોનીનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા યૂઝર્સ કહેવા લાગ્યા કે ધોની તો પહેલાથી જ ઓલરાઉન્ડર છે. માહીનું નામ હવે રવિચંદ્રન ધોની અથવા મુરલીધરન ધોની હોવું જોઈએ. જ્યારે અન્ય યૂઝર્સે કહ્યું કે હેલિકોપ્ટર શોટ ધોની ક્યારે મારશે, હું ઘણા સમયથી રાહ જોઈ રહ્યો છું.
આજે બંને કેપ્ટનની અગ્નિપરીક્ષા
ગુજરાતના કેપ્ટન હાર્દિક અને ચેન્નઈના કેપ્ટન રવીન્દ્ર જાડેજાની મેચ હોવાથી રસાકસી ભર્યો જંગ જોવા મળશે. આ બંને ખેલાડી ભારતીય ટીમ સાથે લાંબા સમયસુધી જોડાયેલા છે અને બંને હાર્ડ હિટરની સાથે બોલર્સ પણ છે. તેવામાં આજની મેચમાં ચેન્નઈ જીતની લય મેળવવા મેદાનમાં ઉતરશે તો હાર્દિક પોઈન્ટ ટેબલ પર ટોપમાં રહેવા સજ્જ રહેશે.
ચેન્નઈની ટીમે 5માંથી એક જ મેચ જીતી
ચેન્નઈ સુપર કિંગ્સે આ સિઝનમાં અત્યારસુધી 5 મેચ રમી છે અને એમાંથી માત્ર એક જ જીતી શકી છે. જ્યારે 4મા ટીમને હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે ગુજરાત ટાઈટન્સે અત્યારસુધી કુલ 5 મેચ રમી છે જેમાંથી 4 મેચ જીતી લીધી છે અને અત્યારે પોઈન્ટ ટેબલમાં નંબર-1 પર છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.