ગુજરાત ટાઈટન્સ અને લખનઉની મેચ દરમિયાન શુભમન ગિલે સુપરમેનની જેમ ડાઈવ મારી શાનદાર કેચ પકડ્યો હતો. ઉલ્લેખનીય છે કે GTના કેપ્ટન હાર્દિકે ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. તેવામાં 20 રનના સ્કોરમાં ત્રીજી વિકેટ પડતાં લખનઉ મુશ્કેલીમાં મુકાઈ ગયું હતું. જોકે આનો શ્રેય બોલર કરતાં વધારે શુભમન ગિલના ફ્લાઇંગ કેચને જાય છે. એટલું જ નહીં બોલર સહિત બેટરને પણ આશા નહોતી કે આટલા લોન્ગ રન પછી આ કેચ પકડવો સંભવ થશે પરંતુ ગિલના આ કેચે 1983 વર્લ્ડ કપ દરમિયાન કપિલ દેવના શાનદાર કેચની યાદ અપાવી દીધી છે.
કપિલ દેવના વિન્ટેજ કેચનો રિપ્લે
શુભમન ગિલે લખનઉની ઈનિંગની ચોથી ઓવરના ત્રીજા બોલ પર એવિન લુઈસ (10)નો શાનદાર કેચ પકડ્યો હતો. આ દરમિયાન તે ફાઈન લેગ પર ફિલ્ડિંગ કરી રહ્યો હતો, તેવામાં લુઈએ આ દિશામાં લોફ્ટેડ શોટ મારતા શુભમને લોન્ગ રન લઈને શાનદાર ડાઈવ મારી હતી. એટલું જ નહીં શુભમને બોલને ચેઝ કરી જેવી રીતે કેચ પકડ્યો એને જોતા 1983ના વર્લ્ડ કપમાં ભારતીય કેપ્ટન કપિલ દેવના વિન્ટેજ સુપરમેન કેચની યાદ આવી ગઈ છે. તમને જણાવી દઈએ કે કપિલ દેવે બાઉન્ડરી લાઇન તરફ દોડતી વખતે સર વિવિયન રિચર્ડ્સનો શાનદાર કેચ પકડ્યો હતો.
પાવરપ્લેમાં ગુજરાતની ગર્જના
હાર્દિક પંડ્યાએ ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યાર પછી તમામ જવાબદારી ગુજરાતના અનુભવી પેસર મોહમ્મદ શમીએ સંભાળી લીધી હતી. તેણે પહેલી ઓવરના પહેલા બોલ પર જ લખનઉના કેપ્ટનને આઉટ કરી ટીમને મજબૂત શરૂઆત અપાવી દીધી હતી. ત્યાર પછી તો જોતજોતાંમાં 29 રનની અંદર લખનઉએ 4 વિકેટ ગુમાવી દીધી હતી. જેમાં ટાઈટનના શમીએ પહેલા 3 ઓવરના સ્પેલમાં 10 રન આપી 3 વિકેટ લીધી હતી, જ્યારે વરુણ એરોને 1 વિકેટ લીધી હતી.
શુભમન બેટિંગમાં ફ્લોપ રહ્યો
ગુજરાતને જીતવા માટે 159 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જેના જવાબમાં ઓપનિંગ કરવા ઉતરેલા શુભમન ગિલ કંઈ ખાસ કરી શક્યો નહોતો. લખનઉએ પહેલી ઓવર કરવા માટે ચમિરાને પસંદ કર્યો હતો. જેમાં શુભમન ઓફ સ્ટમ્પના બેક ઓફ ગુડલેન્થ બોલ પર લોફ્ટેડ શોટ મારવા જતા કેચ આઉટ થયો હતો. ઉલ્લેખનીય છે કે શાનદાર ફિલ્ડિંગ કર્યા પછી શુભમન 0 રન કરી પેવેલિયન ભેગો થયો હતો.
ગુજરાત ટાઈટન્સનો જીતથી 'શુભારંભ'
IPL-15માં સોમવારે રમાયેલી મેચમાં ગુજરાત ટાઈટન્સે (GT) 5 વિકેટથી લખનઉ સુપર જાયન્ટ્સ(LSG)ને હરાવી દીધું છે. ટોસ હાર્યા પછી પહેલા બેટિંગ કરતા LSGએ 20 ઓવરમાં 6 વિકેટના નુકસાને 158 રન કર્યા હતા. જેને ગુજરાતની ટીમે 19.4 ઓવરમાં ચેઝ કરી મેચ જીતી લીધી છે. આ દરમિયાન GTના બેટર રાહુલ તેવટિયા અને ડેવિડ મિલર વચ્ચે 34 બોલમાં 60 રનની મેચ વિનિંગ પાર્ટનરશિપ થઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.