IPL 2022ની 33મી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સે 3 વિકેટથી મુંબઈ ઈન્ડિયન્સને હરાવી દીધું છે. CSKને 156 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જેને ટીમે છેલ્લા બોલે ચેઝ કરી લીધો હતો. CSKને છેલ્લી ઓવરમાં 17 રનની જરૂર હતી, જેમાં ધોનીએ છેલ્લા 4 બોલમાં 16 રન કરીને ચેન્નઈને મેચ જિતાડી દીધી હતી. તેણે 13 બોલમાં અણનમ 28 રન કર્યા હતા. આ દરમિયાન કોમેન્ટેટરે પણ કહ્યું કે શેર બુઢ્ઢા હુઆ હૈ મગર શિકાર કરના નહીં ભૂલા હૈ તો બીજી બાજુ સર જાડેજા તાત્કાલિક મેદાનમાં દોડી ધોનીને પગે લાગ્યા હતા.
છેલ્લી ઓવરનો રોમાંચ
ચેન્નઈને છેલ્લી ઓવરમાં 17 રનની જરૂર હતી. આ દરમિયાન એમએસ ધોની અને ડ્વેન પ્રિટોરિયસ ક્રીઝ પર બેટિંગ કરી રહ્યા હતા. જ્યારે આ ઓવર મુંબઈનો જયદેવ ઉનટકટ કરી રહ્યો હતો.
સર જાડેજા ધોનીને પગે લાગ્યા
મહેન્દ્ર સિંહ ધોનીની શાનદાર ઈનિંગ જોઈને સર જાડેજા તાત્કાલિક મેદાનમાં દોડી આવ્યા હતા. એટલું જ નહીં જાડેજા મુંબઈના પ્લેયર વચ્ચે જ ધોનીને પગે લાગ્યો હતો. અત્યારે સોશિયલ મીડિયામાં ધોનીને પગે લાગતો વીડિયો ઘણો વાઈરલ થઈ રહ્યો છે. આની સાથે જ ચેન્નઈની ટીમે ફરીથી વિનિંગ ટ્રેકમાં સ્થાન મેળવ્યું છે.
એટલું જ નહીં ધોનીની બેટિંગ જોઈને કોમેન્ટેટર્સે પણ ધોનીની ઈનિંગ જોઈને કહ્યું કે શેર અભી બુઢા હુઆ હૈ લેકીન શિકાર કરના નહીં ભૂલા. એટલે કે સિંહ ભલે ઘરડો થયો છે પરંતુ શિકાર કરવાનું નથી ભૂલ્યો.
ધોનીની ફિનિશર ઈનિંગ
મહેન્દ્ર સિંહ ધોનીએ 13 બોલમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકારી કુલ 28 રન કર્યા હતા. આ દરમિયાન તેણે છેલ્લા બોલ સુધી ક્રીઝ પર બેટિંગ કરી ચેન્નઈને રોમાંચક મેચમાં જિતાડી દીધી હતી. આની સાથે જ ચેન્નઈની 7 મેચમાં આ બીજી જીત છે. જ્યારે ટીમને 5 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. અત્યારે પોઈન્ટ ટેબલમાં CSK 4 પોઈન્ટ સાથે 9મા સ્થાને છે. આની સાથે જ મુંબઈની આ સતત 7મી હાર છે. આ સિઝનમાં MIની ટીમ અત્યારસુધી એક પણ મેચ જીતી શકી નથી. મુંબઈ ઈન્ડિયન્સે જો પ્લેઓફ રમવાની રેસમાં રહેવું હોય તો બાકીની સાત મેચ જીતવી જ પડશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.