IPL 2022ની 14મી મેચમાં દર્શકોને હાઈવોલ્ટેજ એન્ટરટેઈનમેન્ટ જોવા મળ્યું. KKRના પેટ કમિન્સે મુંબઈના બોલરો સામે ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કરી નાખ્યો. મેચ પૂરી થયા બાદ કમિન્સની આ ઈનિંગથી રસેલ એટલો બધો ખુશ થઈ ગયો કે તેની પાસે કમિન્સની ચારેબાજૂ ફરી ડાન્સ કરવા લાગ્યો. ફેન્સ રસેલનો આ ડાન્સ જોઈને ખૂબ જ ખુશ થયા હતા અને સોશિયલ મીડિયામાં આ વીડિયો શેર કરી રહ્યા છે.
શાહરુખ ખાનને પણ કમિન્સની ઈનિંગ એટલી બધી પસંદ આવી કે કિંગ ખાન પણ પોતાની જાતને ટ્વિટ કરતા રોકી ન શક્યો. શાહરુખ ખાને રસેલના ડાન્સને ટાંકીને ટ્વિટ કર્યું કે- હું પણ રસેલના જેમ નાચવા માંગુ છું અને જેમ ટીમ તને ભેટી હું પણ કમિન્સને ભેટવા માગું છું.
કમિન્સે રમી તોફાની ઈનિંગ
આ સીઝનની પોતાની પ્રથમ મેચ રમતાં પેટ કમિન્સે તરખાટ મચાવી દીધો હતો. તેણે 15 બોલમાં 56 રન બનાવ્યા હતા. 16મી ઓવરમાં તો તેણે 35 રન બનાવ્યા હતા. તેનો સ્ટ્રાઈક રેટ 373.33નો હતો. ઓસ્ટ્રેલિયાના આ બેટ્સમેને મેચમાં 4 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા. આ મેચ KKRએ 5 વિકેટે જીતી લીધી હતી.
કમિન્સે પોતાની ફિફ્ટી 14 બોલમાં પૂરી કરી હતી. આ સાથે જ તેણે કેએલ રાહુલના 4 વર્ષ જૂના રેકોર્ડની બરોબરી કરી હતી. રાહુલે 2018ની IPLની સીઝનમાં પંજાબ તરફથી રમતાં દિલ્હી સામે 14 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. એ IPLમાં સૌથી ઝડપી ફિફ્ટી હતી.
પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચ્યું KKR
મુંબઈ વિરુદ્ધ મળેલી જીત બાદ KKR પોઈન્ટ ટેબલમાં નંબર એક પર પહોંચી ગઈ છે. KKRએ IP-2022માં 4 મેચ રમી છે અને 3માં જીત મળી છે. મુંબઈ હાલ 0 પોઈન્ટ સાથે ટેબલમાં 9માં નંબરે છે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.