IPL 2022ની 63મી મેચમાં રાજસ્થાન રોયલ્સે ટોસ જીતી LSG સામે પહેલા બેટિંગ પસંદ કરી હતી. તેવામાં ઈનિંગની 18મી ઓવરમાં જિમ્મી નિશમે પોતાની વિકેટ બચાવવા માટે સાથી ખેલાડી અશ્વિનને મુશ્કેલીમાં મૂકી દીધો હતો. ઉલ્લેખનીય છે કે ક્વિક સિંગલ લેવા માટે નિશમે સ્ટ્રાઈકરને પૂછ્યા વિના રન ભાગી લીધો હતો. આ તકનો લાભ ઉઠાવી બિશ્નોઈએ સ્ટમ્પ્સ ઉખાડી ફેંક્યા અને બંને માથી કોઈ એક બેટર પેવેલિયન ભેગો થાય એ નિશ્ચિત હતું. ચલો, આપણે સમગ્ર ઘટનાક્રમ તથા કોની વિકેટ પડી એના પર નજર ફેરવીએ...
18મી ઓવરમાં નિશમે દોટ મૂકી
ઈનિંગની 18મી ઓવરના ચોથા બોલ પર રવિચંદ્રન અશ્વિન સ્ટ્રાઈક પર હતો અને રવિ બિશ્નોઈ બોલિંગ કરી રહ્યો હતો. ત્યારે અશ્વિને એક્સ્ટ્રા કવર પર બોલ પંચ કર્યો હતો. પરંતુ આ દરમિયાન નોન સ્ટ્રાઈક જિમ્મી નિશમ ક્વિક સિંગલ લેવા માટે ક્રીઝની બહાર આવી ગયો અને અશ્વિનને જોયા વિના જ અડધી પિચ પર પહોંચી ગયો હતો.
અશ્વિનની મરજી વિરુદ્ધ નિશમે ક્રીઝ ક્રોસ કરી
રવિચંદ્રન અશ્વિન હજુ બોલને જોતો હતો અને ફિલ્ડરે પકડી લીધો હોવાથી તે ના પાડે એની પહેલા તો નિશમ લગભગ તેની આગળ આવી ગયો હતો. ત્યારે બે ઘડી અશ્વિન પણ સ્તબ્ધ થઈ ગયો અને તે જ્યાં ઉભો હતો ત્યાં જ રહ્યો. પરંતુ આ દરમિયાન રિપ્લે જોતા અનુમાન લગાવાઈ રહ્યું છે કે નિશમે પોતાની વિકેટ બચાવવા માટે અશ્વિન સાથે ક્રીઝ ક્રોસ કરી લીધી હતી.
રનઆઉટનો વીડિયો.... (સૌજન્ય- IPL)
થર્ડ અમ્પયારનો શાનદાર નિર્ણય
ઉલ્લેખનીય છે કે જિમ્મી નિશમે ક્રિઝ ક્રોસ કરી દેતાં અશ્વિનને લાગ્યું કે તે આઉટ થઈ ગયો છે, પરંતુ થર્ડ અમ્પાયરે રિપ્લે જોયો ત્યારે જાણ થઈ કે લખનઉના ફિલ્ડરે જેવો બોલ બિશ્નોઈને પાસ કર્યો અને તેને સ્ટમ્પ ઉખાડી ફેંક્યા ત્યાં સુધી નિશમે ક્રિઝ ક્રોસ કરી નહોતી. આના કારણે અશ્વિન નોટ આઉટ છે અને નિશમ જ ક્રિઝની બહાર હોવાથી આઉટ છે.
અશ્વિન અણનમ રહ્યો, નિશમ આઉટ
નિશમ 12 બોલમાં 14 રન કરી પેવેલિયન ભેગો થયો હતો જ્યારે રવિ અશ્વિન 7 બોલમાં 10 રન કરી અણનમ રહ્યો હતો. આ દરમિયાન રાજસ્થાને 20 ઓવરમાં 6 વિકેટના નુકસાને 178 રન કર્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.