તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

RCBએ RRને 10 વિકેટે માત આપી:પડિક્કલની લીગમાં પહેલી સદી, કોહલી IPLમાં 6 હજાર રન કરનાર પ્રથમ બેટ્સમેન, બેંગલોર પોઈન્ટ્સ ટેબલમાં ટોપ પર

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

રોયલ ચેલેન્જર્સ બેંગલોરે IPL 2021ની 16મી મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે મુંબઈ ખાતે 178 રનનો પીછો કરતાં 16.3 ઓવરમાં વિના વિકેટે ટાર્ગેટ ચેઝ કર્યો છે. દેવદત્ત પડિક્કલે લીગમાં પોતાની પ્રથમ સદી ફટકારતાં 101* રન કર્યા. જ્યારે કોહલીએ લીગમાં પોતાની 40મી ફિફટી ફટકારતાં 72* રન બનાવ્યા. આ મેચ જીતીને બેંગલોરે જીતનો ચોક્કો માર્યો છે. કોહલીની ટીમ ટૂર્નામેન્ટમાં હજી સુધી એકપણ મેચ હારી નથી અને 8 પોઈન્ટ્સ સાથે પોઈન્ટ્સ ટેબલમાં ટોપ પર છે. મેચનું સ્કોરકાર્ડ જોવા અહીં ક્લિક કરો...

કોહલી લીગમાં 6 હજાર રન કરનાર પ્રથમ બેટ્સમેન બન્યો
વિરાટ કોહલી ઇન્ડિયન પ્રીમિયર લીગમાં 6 હજાર રન કરનાર પ્રથમ બેટ્સમેન બન્યો છે. તેણે 188 ઇનિંગ્સમાં સિદ્ધિ મેળવી છે. લીગમાં હાઈએસ્ટ રન સ્કોરરની સૂચિમાં ચેન્નઈ સુપરકિંગ્સનો સુરેશ રૈના બીજા સ્થાને છે. તેણે 192 ઇનિંગ્સમાં 5448 રન બનાવ્યા છે. જ્યારે 179 ઇનિંગ્સમાં 5428 રન સાથે શિખર ધવન આ સૂચિમાં ત્રીજા સ્થાને છે.

IPLમાં સૌથી પહેલા:

  • 1000 રન- એડમ ગિલક્રિસ્ટ
  • 2000 રન - સુરેશ રૈના
  • 3000 રન- સુરેશ રૈના
  • 4000 રન - વિરાટ કોહલી
  • 5000 રન- સુરેશ રૈના
  • 6000 રન- વિરાટ કોહલી

આ સીઝનમાં પાવરપ્લેમાં બેંગલોરનું પ્રદર્શન:
મેચ- 1 : 46/2
મેચ- 2 : 47/1
મેચ- 3 : 45/2
મેચ- 4 : 59/0

રાજસ્થાને 178 રનનો ટાર્ગેટ આપ્યો
રાજસ્થાન રોયલ્સે IPL 2021ની 16મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે મુંબઈ ખાતે 20 ઓવરમાં 9 વિકેટે 177 રન કર્યા છે. તેમના માટે શિવમ દુબેએ સર્વાધિક 46 રન કર્યા હતા. તે સિવાય રાહુલ તેવટિયાએ 40 અને રિયાન પરાગે 25 રનનું યોગદાન આપ્યું. RCB માટે હર્ષલ પટેલ અને મોહમ્મદ સિરાજે 3-3 વિકેટ લીધી છે.

શિવમ અને પરાગે બાજી સંભાળી
શિવમ દુબેએ 32 બોલમાં 5 ફોર અને 2 સિક્સની મદદથી 46 રન કર્યા હતા. તે રિચાર્ડસનની બોલિંગમાં મેક્સવેલ દ્વારા કેચ આઉટ થયો હતો. તે પહેલાં રિયાન પરાગે 16 બોલમાં 4 ફોરની મદદથી 25 રન કર્યા હતા. તે હર્ષલ પટેલની બોલિંગમાં થર્ડ મેન પર યૂઝવેન્દ્ર ચહલના હાથે કેચ આઉટ થયો હતો. તેણે અને શિવમે પાંચમી વિકેટ માટે 66 રનની ભાગીદારી કરી હતી.

ચહલની ઓવરમાં 17 રન આવ્યા
યૂઝવેન્દ્ર ચહલે નાખેલી 9મી ઓવરમાં 17 રન આવ્યા હતા. શિવમ દુબેએ બીજા અને ચોથા બોલે સિક્સ મારી હતી. જ્યારે ત્રીજા બોલે બાયનો ચોક્કો આવ્યો હતો. તો ચહલે ઓવરમાં એક વાઈડ પણ નાખ્યો હતો.

સેમસન શરૂઆતને મોટા સ્કોરમાં કન્વર્ટ કરી શક્યો નહીં
સંજુ સેમસન વધુ એક વખત શરૂઆતને મોટા સ્કોરમાં કન્વર્ટ કરી શક્યો નહોતો. તેણે 18 બોલમાં 2 ફોર અને 1 સિક્સની મદદથી 21 રન કર્યા હતા. તે સુંદરની બોલિંગમાં મેક્સવેલ દ્વારા કેચ આઉટ થયો હતો.

મિલર ખાતું ન ખોલાવી શક્યો
સાઉથ આફ્રિકન ડેવિડ મિલર પોતાનું ખાતું ખોલાવી શક્યો નહોતો. તે મોહમ્મદ સિરાજની બોલિંગમાં LBW થયો હતો. અમ્પાયરે નોટઆઉટ આપતા બેંગલોરે રિવ્યૂ લઈને તેને પેવેલિયન ભેગો કર્યો હતો.

રોયલ્સના બંને ઓપનર્સ સિંગલ ડિજિટમાં આઉટ
રાજસ્થાન રોયલ્સની શરૂઆત ખરાબ રહી હતી. તેમણે 14 રનના સ્કોરે પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. જોસ બટલરે 8 બોલમાં 8 રન કર્યા હતા. તે મોહમ્મદ સિરાજની બોલિંગમાં બોલ્ડ થયો હતો. તે પછી 16 રનના સ્કોરે મનન વોહરા આઉટ થયો હતો. તે જેમિસનની બોલિંગમાં રિચાર્ડસન દ્વારા કેચ આઉટ થયો હતો.

બેંગલોરે ટોસ જીતીને બોલિંગ લીધી
રોયલ ચેલેન્જર્સ બેંગલોરના કેપ્ટન વિરાટ કોહલીએ IPL 2021ની 16મી મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે મુંબઈ ખાતે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. બેંગલોરે પોતાની પ્લેઈંગ-11માં એક ફેરફાર કર્યો છે. રજત પાટીદારની જગ્યાએ કેન રિચાર્ડસન રમી રહ્યો છે. જ્યારે રોયલ્સની ટીમમાં પણ એક બદલાવ થયો છે. જયદેવ ઉનડકટની જગ્યાએ શ્રેયસ ગોપાલને સ્થાન આપવામાં આવ્યું છે.

રાજસ્થાન રોયલ્સની પ્લેઈંગ-11: જોસ બટલર (વિકેટકીપર), મનન વોહરા, ડેવિડ મિલર, સંજુ સેમસન (કેપ્ટન), રિયાન પરાગ, શિવમ દુબે, રાહુલ તેવટિયા, ક્રિસ મોરિસ, શ્રેયસ ગોપાલ, ચેતન સાકરિયા અને મુસ્તફિઝુર રહેમાન

રોયલ ચેલેન્જર્સ બેંગલોરની પ્લેઈંગ-11: વિરાટ કોહલી (કેપ્ટન), દેવદત્ત પડિક્કલ, શાહબાઝ અહેમદ, ગ્લેન મેક્સવેલ, એબી ડિવિલિયર્સ (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, કાઈલ જેમિસન, કેન રિચાર્ડસન, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ, યૂઝવેન્દ્ર ચહલ

હેડ-ટુ-હેડ
બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 23 મેચ રમાઈ છે. તેમાંથી બંનેનો 50-50 સક્સેસ રેટ રહ્યો છે. એટલે કે રાજસ્થાન અને બેંગલોરે તેમાંથી 10-10 મેચ જીતી છે. જ્યારે 3 મેચમાં પરિણામ આવ્યું નહોતું. ગઈ સીઝનમાં RCBએ બંને મેચમાં રોયલ્સને માત આપી હતી.

અન્ય સમાચારો પણ છે...