IPL 2022માં રોયલ ચેલેન્જર બેંગ્લોર ટીમે ગુજરાતને હરાવી પ્લેઓફ રેસની આશા જીવંત રાખી છે. પરંતુ તેની એન્ટ્રી હવે મુંબઈ ઈન્ડિયન્સની જીત પર જ નિર્ભર રહેશે. તેવામાં વિરાટ કોહલી 21 મે શનિવારે રમાનારી MI અને DCની મેચમાં ટીમને ચિયર કરવા માટે સ્ટેડિયમમાં હાજર રહી શકે છે. આ અંગે તેણે ફાફ ડુપ્લેસિસ સાથે ચર્ચા દરમિયાન હિન્ટ આપી હતી. ત્યારપછી સોશિયલ મીડિયા સહિતના માધ્યમોમાં વિરાટ કોહલી MIને ચિયર કરવા પહોંચી શકે એવી અટકળો લગાવાઈ રહી છે. તેવામાં જો હવે વિરાટ મુંબઈ ઈન્ડિયન્સને સપોર્ટ કરવા સ્ટેડિયમ પહોંચશે તો હિટમેન અને વિરાટની યારી અંગે પણ આ સારા સંકેતો હોઈ શકે છે.
મુંબઈની જીત જ RCBને પ્લેઓફ પહોંચાડશે
અત્યારે પ્લેઓફમાં ક્વોલિફાય થવા માટે ચોથા નંબરની રેસમાં દિલ્હી અને બેંગ્લોર વચ્ચે રસાકસી ભર્યો જંગ ચાલી રહ્યો છે. તેવામાં 21 મે એટલે શનિવારે મુંબઈ અને દિલ્હીની મેચ પ્લેઓફનું સમીકરણ સ્પષ્ટ કરી દેશે. અત્યારે RCBના 16 પોઈન્ટ છે જ્યારે DCના 14 પોઈન્ટ છે. તેવામાં જો મુંબઈ ઈન્ડિયન્સ મેચ જીતી જશે તો દિલ્હી બહાર થઈ જશે. તેથી વિરાટ કોહલી હિટમેનની MIને ચિયર કરવા માટે સ્ટેડિયમમાં આવશે.
કોહલીએ મુંબઈને સપોર્ટ કરવા પહોંચવાની હિન્ટ આપી!
RCBએ ગુરુવારે ગુજરાત ટાઈટન્સને 8 વિકેટથી હરાવી દીધું છે. તેવામાં મેચ પછી બેંગ્લોરના કેપ્ટન ફાફ અને વિરાટ વચ્ચે ખાસ વાતચીત થઈ હતી. આ દરમિયાન કોહલીએ કહ્યું કે હું છેલ્લા 2 દિવસથી મારા પગને શાંત રાખવાનો પ્રયત્ન કરી રહ્યો છું. અમારી પાસે મુંબઈ માટે વધુ 2 સમર્થકો છે. મારા મત મૂજબ માત્ર 2 નહીં, 25 સમર્થકો છે. તમે હું બધા સ્ટેડિયમમાં જઈને મુંબઈને ચિયર કરવાનો પ્લાન પણ બનાવી શકીએ છીએ. જોકે વિરાટે સ્પષ્ટપણે નહોતું જણાવ્યું કે તે સ્ટેડિયમમાં હાજરી આપશે પરંતુ આ અંગે સંકેત આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે વિરાટના નિવેદન પછી સોશિયલ મીડિયામાં ફેન્સ ઉત્સુક થઈ ગયા અને કિંગ કોહલીને MIને સપોર્ટ કરતો જોવા માટે પણ આતુર થઈ ગયા છે.
RCBએ 8 વિકેટથી GTને હરાવ્યું
IPLની 67મી મેચમાં RCBએ 8 વિકેટથી ગુજરાતને હરાવી દીધું છે. GTએ RCBને જીતવા માટે 169 રનનો ટાર્ગેટ આપ્યો હતો. તેવામાં બેંગ્લોર તરફથી વિરાટ કોહલીએ સૌથી વધુ રન કરીને બાજી પલટી દીધી હતી. તેણે 54 બોલમાં 73 રનની ઈનિંગ રમી હતી. આની સાથે જ કેપ્ટન ફાફ ડુપ્લેસિસે 44 રનની ઇનિંગ રમી હતી. તો બીજી બાજુ ગુજરાતના રાશિદ ખાને બંને વિકેટ લીધી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.