IPL 2022ની 27મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 16 રનથી દિલ્હી કેપિટલ્સને હરાવી દીધું છે. દિલ્હી સામે 190 રનનો ટાર્ગેટ હતો અને ટીમની શરૂઆત પણ શાનદાર રહી હતી. DCની બીજી વિકેટ 94ના સ્કોર પર પડી હતી અને એટલું જ નહીં ટીમ આ મેચ જીતવા માટે પણ ફેવરિટ હતી. મેચનો લાઈવ સ્કોર જોવા અહીં ક્લિક કરો....
જોકે, ત્યારપછી દિલ્હીએ બેક ટુ બેક વિકેટ ગુમાવી દીધી હતી અને જેના પરિણામે તે 20 ઓવરમાં 7 વિકેટના નુકસાને 173 રન જ કરી શકી હતી. આ ઈનિંગમાં ડેવિડ વોર્નર (66) સૌથી વધુ સ્કોરર રહ્યો હતો. આની સાથે જ RCB તરફથી જોશ હેઝલવુડને 3 વિકેટ મળી હતી. RCBની 6 મેચમાં આ ચોથી જીત છે, જ્યારે દિલ્હી કેપિટલ્સની 5 મેચમાં ત્રીજી હાર છે.
આની પહેલા ટોસ હાર્યા પછી પહેલા બેટિંગ કરતા RCBએ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 189 રન કર્યા હતા. દિનેશ કાર્તિકે 34 બોલમાં અણનમ 66 રન કર્યા હતા, જ્યારે શાહબાઝ અહેમદે અણનમ 32 રન કર્યા હતા. DC તરફથી શાર્દુલ, કુલદીપ, અક્ષર અને ખલીલે 1-1 વિકેટ લીધી હતી.
વોર્નરની 52મી ફિફ્ટી
ડેવિડ વોર્નરે પોતાનું શાનદાર ફોર્મ જાળવી રાખતા તેની IPL કારકિર્દીની 52મી ફિફ્ટી 29 બોલમાં પૂરી કરી હતી.
કાર્તિક અને શાહબાઝે ઈનિંગ સંભાળી
92 રનમાં 5 વિકેટ ગુમાવ્યા પછી RCBની ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. પરંતુ ત્યારપછી દિનેશ કાર્તિક અને શાહબાઝ અહેમદે ઈનિંગ સંભાળી લીધી હતી. તેવામાં બંને ખેલાડીએ 52 બોલમાં 97* રનની પાર્ટનરશિપ નોંધાવી હતી. આ દરમિયાન દિનેશ કાર્તિકે 66 અને શાહબાઝે 21 બોલમાં 32 રન કર્યા હતા.
દિનેશ કાર્તિકની શાનદાર ઈનિંગ
કાર્તિકે મેચની 18મી ઓવરમાં આક્રમક બેટિંગ કરી હતી. તેણે મુસ્તફિઝુર રહેમાનની ઓવરના પહેલા ત્રણ બોલમાં 3 ચોગ્ગા ફટકાર્યા હતા. ત્યારપછી છેલ્લા ત્રણ બોલમાંથી 2માં છગ્ગા અને 1મા ચોગ્ગો માર્યો હતો. આ ઓવરમાં કાર્તિકે 28 રન કર્યા હતા. એટલું જ નહીં દિનેશે 26 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી લીધી હતી.
મેક્સવેલની 13મી ફિફ્ટી
ગ્લેન મેક્સવેલે મુશ્કેલ પરિસ્થિતિમાં શાનદાર બેટિંગ કરી 30 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. આ તેની IPL કારકિર્દીની 13મી અર્ધસદી છે. જોકે તે આગળ વધારે લાંબી ઈનિંગ નહોતો રમી શક્યો અને 55 રન કરી આઉટ થઈ ગયો હતો. ગ્લેન મેક્સવેલને કુલદીપ યાદવે પેવેલિયન ભેગો કર્યો હતો.
કોહલીએ ફરીથી નિરાશ કર્યા
13 રનમાં પહેલી 2 વિકેટ ગુમાવી દેતા RCBએ પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી પાસેથી મુશ્કેલ સ્થિતિમાં સારી ઈનિંગની આશા હતી. પરંતુ તેણે બધાને નિરાશ કર્યા. વિરાટ 14 બોલમાં માત્ર 12 રનનો સ્કોર કરી રનઆઉટ થઈ ગયો હતો. ઈનિંગની 7મી ઓવરના બીજા બોલ પર કોહલીએ પોઈન્ટ પર શોટ રમ્યો અને રન લેવા દોડી ગયો હતો. પરંતુ મેક્સવેલે ના પાડી હોવા છતા વિરાટ આગળ આવતો ગયો. તેવામાં લલિત યાદવે તક ગુમાવ્યા વિના ડાયરેક્ટ થ્રો કરીને વિરાટને પેવેલિયન ભેગો કર્યો હતો.
બંને ટીમની પ્લેઇંગ-11
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.