મુંબઈએ RCBને પ્લેઓફની ભેટ આપી:MIએ 5 વિકેટથી દિલ્હીને હરાવ્યું, 25 મેના દિવસે એલિમિનેટરમાં લખનઉ સામે RCBની મેચ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુંબઈ તરફથી ઈશાન કિશને સૌથી વધુ 48 રન કર્યા

IPL 2022ની 69મી મેચમાં મુંબઈએ 5 વિકેટથી દિલ્હીને હરાવી દીધું છે. તેવામાં આ હારની સાથે DC ટૂર્નામેન્ટથી બહાર થઈ ગઈ છે તો બીજી બાજુ RCBને પ્લેઓફની ટિકિટ મળી ગઈ છે. હવે 25 મેના દિવસે રમાનારી એલિમિનેટર મેચમાં RCBની ટીમ લખનઉ સામે રમતી જોવા મળશે.

પ્લેઓફમાં ક્વોલિફાય થયેલી ટોપ-4 ટીમ

આ મેચમાં પહેલા બેટિંગ કરતા DCએ મુંબઈને 160 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેને MIએ છેલ્લી ઓવરમાં ચેઝ કરી મેચ જીતી લીધી છે. મુંબઈ તરફથી ઈશાન કિશને સૌથી વધુ રન કર્યા હતા. તેણે માત્ર 35 બોલમાં 48 રન ફટકાર્યા હતા. તે જ સમયે, MIના ટિમ ડેવિડે વિસ્ફોટક બેટિંગ કરતા માત્ર 11 બોલમાં 34 રન કરી જીતમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. દિલ્હી તરફથી શાર્દુલ ઠાકુર અને એનરિક નોર્ત્યાએ 2-2 વિકેટ લીધી હતી.

પંતની મોટી ભૂલ

મુંબઈની ઈનિંગની 12મી ઓવરમાં રિષભ પંતે મોટી ભૂલ કરી દીધી હતી. તેણે ડેવાલ્ડ બ્રેવિસનો એક સરળ કેચ છોડી દેતા જોવાજેવી થઈ હતી. કુલદીપે એક શાનદાર ગુગલી બોલ ફેંક્યો જેને બ્રેવિસ સ્લોગ સ્વીપ કરવા માંગતો હતો, પરંતુ બોલ મિસ ટાઈમ થઈ ગયો હતો. ત્યારપછી પંત દોડતો આવ્યો અને કુલદીપને કહ્યું કે હું કેચ કરીશ, પરંતુ તેણે એક સરળ કેચ છોડી દીધો હતો. કેચ છોડ્યા પછી દિલ્હીના ખેલાડીઓ અને ફેન્સ ખૂબ જ નિરાશ થઈ ગયા હતા.

રોહિતનો ફ્લોપ શો યથાવત

IPL 2022ની છેલ્લી મેચમાં મુંબઈનો કેપ્ટન રોહિત શર્મા કંઈ ખાસ કરી શક્યો નહોતો. તેણે મેચમાં 12 બોલનો સામનો કર્યો અને આ દરમિયાન હિટમેને માત્ર 2 રન જ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે તેની વિકેટ પડી જતા આ સિઝન હિટમેન માટે સૌથી ખરાબ રહી છે. તે એક પણ ફિફ્ટી ફટકારી શક્યો નથી અને આ સિઝનમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 48 રન હતો.

DCની ખરાબ શરૂઆત

દિલ્હી માટે કરો અથવા મરો મેચની શરૂઆત ખૂબ જ નબળી રહી હતી. આ મેચમાં ડેવિડ વોર્નર અને મિશેલ માર્શ સંપૂર્ણપણે ફ્લોપ રહ્યા હતા. વોર્નરે 5 રન કર્યા તો માર્શ 0 રન કરી પેવેલિયન ભેગો થઈ ગયો હતો. વોર્નરને ડેનિયલ સેમ્સ અને મિશેલ માર્શને જસપ્રિત બુમરાહે આઉટ કર્યા હતા.

આ બંનેના આઉટ થયા પછી પૃથ્વી શૉ પણ મોટી ઇનિંગ રમી શક્યો નહોતો અને 23 બોલમાં 24 રન કરીને આઉટ થયો હતો. બુમરાહે શોની વિકેટ પણ લીધી હતી. તેવામાં ત્રણ વિકેટ ઝડપથી પડી ગયા પછી રિષભ પંત અને સરફરાઝ ખાન દિલ્હીની ઇનિંગ્સને સંભાળી રહ્યા હતા. જોકે ત્યારપછી સરફરાઝ પેવેલિયન ભેગો થઈ ગયો હતો.

ટોસ દરમિયાન રોહિતનું વેધર પ્રિડિક્શન

ટોસ જીત્યા પછી રોહિત શર્માએ આકાશ તરફ જોઈને કહ્યું કે અત્યારે વરસાદ પડે એવી સંભાવના છે, તેથી અમે બોલિંગ પસંદ કરીશું. આવું કહ્યું અને ટોસ પછી તાત્કાલિક વરસાદી ઝાપટું પડ્યું હતું. આ દરમિયાન મેદાનને કવરથી ઢાંકવામાં આવ્યું હતું. જોકે ત્યારપછી વરસાદ બંધ થઈ ગયો અને મેચ શરૂ થઈ હતી.

બંને ટીમોની પ્લેઈંગ-11

  • MI- રોહિત શર્મા, ઈશાન કિશન, ડેનિયલ સેમ્સ, તિલક વર્મા, ડેવોલ્ડ બ્રેવિસ, ટિમ ડેવિડ, રમનદીપ સિંહ, રિતિક શોકીન, જસપ્રિત બુમરાહ, રિલે મેરેડિથ, મયંક માર્કંડે
  • DC- પૃથ્વી શો, ડેવિડ વોર્નર, મિશેલ માર્શ, રિષભ પંત, સરફરાઝ ખાન, રોવમેન પોવેલ, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, એનરિક નોર્ત્યા, ખલીલ અહેમદ
અન્ય સમાચારો પણ છે...