ટેબલ ટોપર્સ ગુજરાતે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023માં 6 વિકેટની જીત સાથે તેમના લીગ તબક્કાની દોડ પૂરી કરી છે. આ જીતથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનું પ્લેઓફમાં સ્થાન બનાવવાનું સપનું ચકનાચૂર થઈ ગયું છે. મુંબઈએ ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાતની જીતની ઉજવણી કરી હતી, કારણ કે મુંબઈ બેંગ્લોરની હાર સાથે પ્લેઓફ માટે ક્વોલિફાય થયું હતું.
એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ગુજરાતે ટૉસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા બેંગ્લોરે 20 ઓવરમાં 5 વિકેટે 197 રન બનાવ્યા હતા. ગુજરાતે 198 રનનો ટાર્ગેટ 19.1 ઓવરમાં 4 વિકેટે ચેઝ કરી લીધો હતો.
એક મેચમાં બે સદી આવી, પહેલા કોહલી પછી ગિલે સદી ફટકારી
લીગ તબક્કાની છેલ્લી મેચમાં, વિરાટ કોહલી (61 બોલમાં અણનમ 101) એ સિઝનની બીજી સદી ફટકારી હતી. કાઉન્ટર ઇનિંગ્સમાં ગુજરાતના ઓપનર શુભમન ગિલે સદી ફટકારી અને બેંગ્લોરને તેના હોમ ગ્રાઉન્ડ પર હરાવ્યું હતું.
વિજય શંકરના 34 બોલમાં ફિફ્ટી
વિજય શંકરે આ સિઝનની ત્રીજી ફિફ્ટી ફટકારી હતી. તેણે 34 બોલમાં અડધી સદી પૂરી કરી હતી. વિજય શંકરની કારકિર્દીની આ છઠ્ઠી IPL ફિફ્ટી છે. તેણે 151.43ની સ્ટ્રાઈક રેટથી 35 બોલમાં 53 રન બનાવ્યા હતા.
વિજય-ગિલની સદીની ભાગીદારી
25 રનમાં પ્રથમ વિકેટ ગુમાવ્યા બાદ વિજય શંકર અને શુભમન ગિલે ગુજરાતની ઇનિંગ્સને સંભાળી હતી. બંનેએ બીજી વિકેટ માટે 71 બોલમાં 123 રનની સદીની ભાગીદારી કરી હતી. આ ભાગીદારી વિજયકુમાર વૈશાકે વિજય શંકરને આઉટ કરીને તોડી હતી.
પાવરપ્લેમાં ગુજરાતે પ્રથમ વિકેટ ગુમાવી હતી
198 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી ગુજરાતે પાવરપ્લેમાં પ્રથમ વિકેટ ગુમાવી હતી. ટીમે 6 ઓવરમાં એક વિકેટે 51 રન બનાવ્યા હતા. ઓપનર રિદ્ધિમાન સાહા 12 રન બનાવીને આઉટ થયો હતો. સિરાજે તેને પેવેલિયનમાં મોકલી દીધો હતો.
કોહલીની 7મી સદી, બેંગ્લોરે 197 રન બનાવ્યા
ભારતીય ક્રિકેટના રન મશીન વિરાટ કોહલીએ IPL-2023માં સતત બીજી સદી ફટકારી છે. જેના કારણે સિઝનની છેલ્લી લીગ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 197 રન બનાવ્યા હતા. વિરાટે 101 રનની અણનમ ઇનિંગમાં 61 બોલનો સામનો કર્યો અને 13 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યા હતા. તેણે 60 બોલમાં સદી ફટકારી હતી.
વિરાટે ચાર દિવસ પહેલા જ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે પણ સદી ફટકારી હતી. વિરાટની આ સાતમી IPL સદી છે અને તે આ લીગના ઈતિહાસમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટર બની ગયો છે. તેણે વેસ્ટ ઈન્ડિઝના ક્રિસ ગેલને પાછળ છોડી દીધો છે. ગેલના નામે 6 સદી છે.
ફાફ-કોહલી વચ્ચે 67 રનની ભાગીદારી
ઓપનરોએ બેંગ્લોરને શાનદાર શરૂઆત અપાવી હતી. કેપ્ટન ફાફ ડુ પ્લેસીસ અને વિરાટ કોહલીની જોડીએ 43 બોલમાં 67 રન બનાવ્યા હતા. આ ભાગીદારીને નૂર અહેમદે ડુ પ્લેસીસને આઉટ કરીને તોડી હતી. બંનેએ સિઝનમાં 8મી વખત 50+ની ભાગીદારી કરી છે.
બન્ને ટીમની પ્લેઇંગ-11 અને ઇમ્પેક્ટ પ્લેયર્સ
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB): ફાફ ડુ પ્લેસીસ (કેપ્ટન), વિરાટ કોહલી, માઇકલ બ્રેસવેલ, ગ્લેન મેક્સવેલ, મહિપાલ લોમર, અનુજ રાવત, દિનેશ કાર્તિક (વિકેટકીપર), હર્ષલ પટેલ, વેઇન પાર્નેલ, મોહમ્મદ સિરાજ અને વિજયકુમાર વૈશાક.
ઇમ્પેક્ટ પ્લેયર્સ: હિમાંશુ શર્મા, એસ પ્રભુદેસાઈ, ફિન એલન, સોનુ યાદવ, આકાશ દીપ.
ગુજરાત ટાઇઠન્સ (GT): હાર્દિક પંડ્યા (કેપ્ટન), શુભમન ગિલ, રિદ્ધિમાન સાહા(વિકેટકીપર), દાસુન શનાકા, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, મોહિત શર્મા, નૂર અહમદ, મોહમ્મદ શમી અને યશ દયાલ.
ઇમ્પેક્ટ પ્લેયર્સ: વિજય શંકર, કેએસ ભરત, શિવમ માવી, સાંઈ કિશોર, અભિનવ મનોહર.
પ્રી-મેચ રિપોર્ટ્સ વાંચો...
બેંગ્લોરને ક્વોલિફાય થવા માટે મેચ જીતવી જરૂરી
આ સિઝનમાં પ્રથમ વખત બંને ટીમ આમને-સામને થશે. ગુજરાત પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ચૂક્યું છે. તે જ સમયે, બેંગ્લોર આ મેચ જીતીને પ્લેઓફમાં ક્વોલિફાય કરી શકે છે.
બેંગ્લોરે 13માંથી સાત મેચ જીતી હતી
બેંગ્લોરે આ સિઝનમાં અત્યાર સુધીમાં 13 મેચ રમી છે. જેમાં તેણે સાતમાં જીત અને છ મેચ હારી હતી. ટીમના 14 પોઇન્ટ્સ છે. ટીમ આજે જીતીને પ્લેઓફમાં જગ્યા બનાવી શકે છે, સાથે જ તેણે મુંબઈ કરતા વધુ રનરેટ જાળવી રાખવાનો રહેશે. મેચ હારવા પર ટીમ ઈચ્છશે કે મુંબઈ પણ પોતાની મેચ હારી જાય.
ફાફ ડુ પ્લેસીસ, ગ્લેન મેક્સવેલ, માઈકલ બ્રેસવેલ અને વેઈન પાર્નેલ ગુજરાત સામેની ટીમના 4 વિદેશી ખેલાડી બની શકે છે. આ સિવાય વિરાટ કોહલી, મોહમ્મદ સિરાજ અને હર્ષલ પટેલ જેવા ખેલાડીઓ શાનદાર ફોર્મમાં છે.
ગુજરાતે 13માંથી 9 મેચ જીતી
ગુજરાતે આ સિઝનમાં અત્યાર સુધીમાં 13 મેચ રમી છે. જેમાં તેણે નવમાં જીત મેળવી હતી અને માત્ર ચાર મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ 18 પોઇન્ટ્સ સાથે 10 ટીમના પોઇન્ટ્સ ટેબલમાં ટોચ પર છે. આજની મેચ હાર્યા બાદ પણ ટીમ નંબર-1 પર જ રહેશે. આવી સ્થિતિમાં ટીમ આજે પ્રયોગ કરી શકે છે.
ડેવિડ મિલર, દાસુન શનાકા, રાશિદ ખાન અને નૂર અહેમદ બેંગ્લોર સામેની ટીમના 4 વિદેશી ખેલાડી બની શકે છે. આ સિવાય શુભમન ગિલ, મોહમ્મદ શમી અને રિદ્ધિમાન સાહા જેવા ખેલાડીઓ પણ ટીમને મજબૂત બનાવી રહ્યા છે.
બન્ને ટીમના હેડ ટુ હેડ રેકોર્ડ સમાન
લીગમાં હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સની આ માત્ર બીજી સિઝન છે. હેડ ટુ હેડ રેકોર્ડની વાત કરીએ તો બંને ટીમ બે વખત સામસામે આવી ચુકી છે. બંને એક-એક વખત જીત્યા છે.
પિચ રિપોર્ટ
ચિન્નાસ્વામી સ્ટેડિયમની પિચ તેના ઉચ્ચ સ્કોરિંગ મેચ માટે જાણીતી છે. આ મેદાન પર બેટર્સ બેટિંગનો આનંદ માણે છે. એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમની પિચ પર બોલરો મુશ્કેલીમાં જોવા મળી રહ્યા છે.
હવામાન સ્થિતિ
બેંગલુરુમાં રવિવારે વાદળછાયું વાતાવરણ રહેશે. વરસાદની સાથે વાવાઝોડાની પણ શક્યતા છે. રાત્રિનું તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.