T20 સિરીઝ બંધ કરવા ટકોર:રવિ શાસ્ત્રીએ કહ્યું- એક વર્ષમાં 2 વાર IPLનું આયોજન કરો, બંને દેશો વચ્ચેની સિરીઝ કોઈ યાદ નહીં રાખે

એક મહિનો પહેલાલેખક: સ્પોર્ટ્સ ડેસ્ક

ઈન્ડિયન ટીમના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ T20 ક્રિકેટ અંગે ચોંકાવનારુ નિવેદન આપ્યું છે. તેણે જણાવ્યું કે જેવી રીતે IPL એક મોટી લીગ ટૂર્નામેન્ટ બની ગઈ છે એને જોતા હવે લોકોને બંને દેશો વચ્ચે રમાતી T20 સિરીઝમાં રસ રહેશે નહીં. તેથી વર્ષમાં 2 વાર માત્ર IPL જ રમાવી જોઈએ. શાસ્ત્રીએ વધુમાં જણાવ્યું કે T20 ફોર્મેટ માત્ર વર્લ્ડ કપમાં રમાવું જોઈએ અન્ય કોઈ દ્વિપક્ષીય સિરીઝને કોઈ યાદ રાખશે નહીં. તેથી IPL વિન્ડોને વધારી દેવી જોઈએ.

રવિ શાસ્ત્રીએ આ વાત ESPN ક્રિકઈન્ફો સાથે ચર્ચા દરમિયાન જણાવી હતી. આ દરમિયાન તેમની સાથે ડેનિયલ વેટ્ટોરી, ઈયાન બિશપ અને આકાશ ચોપરા હાજર હતા. આકાશે એક વર્ષમાં 2 IPLનું આયોજન કરવાની સંભાવના જણાવી હતી.

મેં આટલી બધી કોચિંગ કરી પરંતુ મને ઈન્ડિયન ટીમની એક પણ T20 મેચ યાદ નથી- રવિ

રવિ શાસ્ત્રીએ કહ્યું, વિશ્વભરમાં દ્વિપક્ષીય T20 સિરીઝ રમાઈ રહી છે પરંતુ એને કોઈ યાદ રાખશે નહીં. મારા 6-7 વર્ષના કોચિંગ અનુભવને યાદ કરું તો એવી એકપણ મેચ મને યાદ નથી જેના પર હું વારંવાર નજર કરવા માગું. જોકે હાં આપણે વર્લ્ડ કપ જીતીએ છીએ તો એ યાદગાર રહે છે, તેથી T20 ફોર્મેટમાં માત્ર વર્લ્ડ કપ જ રમાવવો જોઈએ. દ્વિપક્ષીય સિરીઝ કોઈને યાદ રહેશે નહીં.

ફૂટબોલનું ઉદાહરણ આપતા શાસ્ત્રીએ કહ્યું કે T20 ક્રિકેટ પણ ફૂટબોલ જેવું હોવું જોઈએ. જ્યાં ફ્રેન્ચાઈઝી ક્રિકેટની સાથે ઈન્ટરનેશનલ લેવલ પર માત્ર વર્લ્ડ કપ જ છે. આજે દરેક દેશની પોતાની ડોમેસ્ટિક ફ્રેન્ચાઇઝી T20 ટૂર્નામેન્ટ છે અને એવું હોવું જોઈએ. ત્યારપછી દર બે વર્ષે વર્લ્ડ કપનું આયોજન કરી શકાશે.

ઈયાન બિશપ, આકાશ ચોપરા અને ડેનિયલ વેટ્ટોરી પણ રવિ શાસ્ત્રી સાથે સહમત હતા. દરેક વ્યક્તિનું માનવું હતું કે ભવિષ્યમાં IPL એક મોટી બ્રાન્ડ બનવા જઈ રહી છે અને તે વર્ષમાં બે વાર રમાઈ શકે છે.

IPLમાં 140 મેચોનું આયોજન કરવા સૂચન

આકાશ ચોપરાએ કહ્યું કે જે રીતે IPL એક મોટી બ્રાન્ડ બની ગઈ છે, ત્યારપછી તે દિવસ દૂર નથી જ્યારે વર્ષમાં બે આઈપીએલ પણ રમાઈ શકે. રવિ શાસ્ત્રીએ પણ સ્વીકાર્યું કે આવનારા સમયમાં IPLમાં 140 મેચ રમાઈ શકે છે. જેમાં વર્ષની શરૂઆતમાં 70 મેચ અને બાકીની 70 મેચ વર્ષના અંતે રમી શકાય છે. લોકોના કંટાળી જવાના મુદ્દે રવિ શાસ્ત્રીએ કહ્યું- કોઈને લાગે છે કે આટલું બધું ક્રિકેટ લોકો માટે ઓવરડોઝ બની જશે, પરંતુ દર્શકોને તે ગમે છે. એવું ભાગ્યે જ બને છે કે લોકો IPLથી કંટાળી ગયા હોય.

શાસ્ત્રી અને આકાશ ચોપરા ઉપરાંત ઈયાન બિશપ પણ આઈપીએલ માટે મોટી વિન્ડો સાથે સંમત થયા હતા. બિશપે કહ્યું કે અમેરિકાની NBA લીગમાં એક ટીમ એક સિઝનમાં 70 મેચ રમે છે, પરંતુ લોકો તેને પસંદ કરે છે. તેનો ઈશારો આઈપીએલ વર્ષમાં છ મહિના કરાવવા તરફ હતો.

દરમિયાન, ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફની ઉપલબ્ધતા અંગે ડેનિયલ વેટ્ટોરીએ કહ્યું કે જો લોકોને યોગ્ય પગાર મળે તો લોકોને કોઈ સમસ્યા નહીં થાય અને BCCI પાસે આ કરવાની સંપૂર્ણ ક્ષમતા છે.

અન્ય સમાચારો પણ છે...