સોમવારે હૈદરાબાદ અને ગુજરાત વચ્ચે મેચ રમાઈ હતી. હૈદરાબાદની ઈનિંગની 14મી ઓવરમાં રાહુલ ત્રિપાઠીને મેદાન છોડવું પડ્યું હતું. બન્યું કંઈક એવું કે રાહુલ તેવટિયાની ઓવરના પ્રથમ બોલ પર ઘૂંટણ પર બેસીને રાહુલ ત્રિપાઠીએ કવર પરથી છગ્ગો ફટકાર્યો હતો. આ શોટ ફટકર્યા બાદ તે મેદાન પર ઢળી પડ્યો હતો અને દર્દથી કણસવા લાગ્યો હતો. ત્રિપાઠીને શોટ લગાવ્યા બાદ પગમાં ક્રેમ્પ પડી ગયા હતા.
તરત સ્ટ્રેટેજિક ટાઈમ-આઉટ લેવાયો
રાહુલ જેવો મેદાન પર ઢળી પડ્યો કે ખેલાડીઓ તેની તબિયત પૂછવા માટે તેની પાસે ગયા. મેડિકલ ટીમને બોલાવાઈ અને સ્ટ્રેટેજિક ટાઈમ આઉટ લેવાયો. મેડિકલ અને ફિઝિયોની તમામ કોશિશો છતાં તે રમી ન શક્યો અને તેને પેવિલિયન જવું પડ્યું. જોકે જ્યારે બે વિકેટ પડી ત્યારે રાહુલ બેટિંગ કરવા માટે તૈયાર હતો, પરંતુ તેની જરૂર ન પડી અને 2 વિકેટના નુકસાને હૈદરાબાદે મેચને પોતાના નામે કરી લીધી. હૈદરાબાદની આ સતત બીજી જીત છે. ગુજરાતની ટીમ IPL 2022માં પ્રથમ વખત હારી છે.
અંતે, કેનનું બેટ બોલ્યું
હૈદરાબાદના કેપ્ટન કેન વિલિયમ્સને ગુજરાત સામેની મેચ પહેલાંની ત્રણ મેચમાં માત્ર 50 રન બનાવ્યા હતા, પરંતુ આ મેચમાં તેણે સારું પ્રદર્શન કર્યું હતું. કેને 42 બોલમાં IPLમાં પોતાની 18મી ફિફ્ટી પૂરી કરી હતી. તે 57 રન બનાવી હાર્દિક પંડ્યાની બોલિંગમાં આઉટ થયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.