ખોવાઈ ગયું ગિલનું ફોર્મ:પંજાબ વિરુદ્ધ 9 રન બનાવી આઉટ થયો, છેલ્લી 5 ઇનિંગમાં બનાવ્યા માત્ર 69 રન

23 દિવસ પહેલા
  • કૉપી લિંક

IPL 2022ની 48મી મેચમાં પંજાબ કિંગ્સે ગુજરાત ટાઇટન્સને એકતરફી મેચમાં 8 વિકેટે હરાવ્યું હતું. વિજયના રથ પર સવાર ગુજરાતની 10 મેચમાં આ માત્ર બીજી હાર છે. ટીમની આ હારનો સૌથી મોટો દોષી ઓપનર શુભમન ગિલ હતો.

ગિલ IPLમાં સાતમી વખત રન આઉટ થયો.
ગિલ IPLમાં સાતમી વખત રન આઉટ થયો.

9 રન બનાવી આઉટ થયો ગિલ
ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ મેચમાં ગિલ પાસેથી મોટી ઇનિંગ્સની અપેક્ષા હતી, પરંતુ તે 6 બોલમાં માત્ર 9 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. ગિલ ત્રીજી ઓવરના પહેલા બોલ પર રન આઉટ થયો હતો. શુભમન પ્રથમ બોલ ઓફ-સ્ટમ્પની બહાર કવર તરફ રમે છે અને સિંગલ લેવા દોડે છે, પરંતુ કવર પર ફિલ્ડિંગ કરી રહેલા ઋષિ ધવને બોલને પકડી ઝડપથી થ્રો કરી દીધો.

બોલ ડાયરેક્ટ થ્રો સાથે નોન-સ્ટ્રાઈકની વિકેટ પર ગયો અને ગિલ રન આઉટ થયો. તેની વિકેટ બાદ તે ગુસ્સામાં પણ જોવા મળ્યો હતો. શુભમન ગિલનું માનવું હતું કે બોલર સંદીપ શર્મા તેના રસ્તામાં આવ્યો હતો.

શરૂઆતની મેચોમાં લગાવી સતત 2 ફિફ્ટી
ટૂર્નામેન્ટમાં ગુજરાતની પ્રથમ મેચમાં ગિલ પ્રથમ મેચમાં શૂન્ય પર આઉટ થયો હતો, પરંતુ એ પછી બીજી અને ત્રીજી મેચમાં તેણે સતત બે ફિફ્ટી ફટકારી હતી. ગિલે દિલ્હી સામે 46 બોલમાં 84 રન બનાવ્યા હતા, જ્યારે પંજાબ સામે તેણે 59 બોલમાં 96 રન ફટકાર્યા હતા.

આ પછી તે એકપણ મેચમાં સારું પ્રદર્શન કરી શક્યો નથી. સતત 5 ઇનિંગ્સમાં ફ્લોપ થયા પછી શુભમને રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) માટે 31 રન બનાવ્યા, પરંતુ એમાં પણ તેણે 28 બોલનો સામનો કર્યો. તે ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) સામે ગોલ્ડન ડક પર આઉટ થયો હતો.

અત્યારસુધી 27ની એવરેજથી રન બનાવ્યા
IPL 2O22માં શુભમન ગિલે 10 ઇનિંગ્સમાં 26.90ની એવરેજથી 269 રન બનાવ્યા છે. તેના નામે માત્ર 2 અડધી સદી છે. ગુજરાત ટાઇટન્સની ટીમે 10માંથી 8 મેચ જીતી છે અને પ્લેઓફમાં ટીમનું સ્થાન લગભગ નિશ્ચિત છે. જો હાર્દિક એન્ડ કંપનીએ ટૂર્નામેન્ટ જીતવી હોય તો ગિલને ખૂબ જ ઝડપથી લયમાં પાછા આવવું પડશે.

ગુજરાત 8 વિકેટે હાર્યું
48મી મેચમાં પંજાબ કિંગ્સે ગુજરાતને 8 વિકેટે હરાવ્યું. પંજાબને 144 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જેને ટીમે 16 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. શિખર ધવને અણનમ 62 રન બનાવ્યા હતા અને તે ટોપ સ્કોરર રહ્યો હતો. એ જ સમયે લિયામ લિવિંગસ્ટોને બેટિંગ કરતાં માત્ર 10 બોલમાં અણનમ 30 રન બનાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...