શનિવારે દિલ્હી અને ગુજરાત વચ્ચે રમાયેલી મેચમાં ગુજરાતની ટીમે શાનદાર રમત દાખવી 14 રનથી મેચ જીતી લીધી હતી. જ્યારે દિલ્હીની ટીમ ગુજરાતે આપેલા ટાર્ગેટને ચેઝ કરી રહી હતી ત્યારે રન આઉટને લઈને વિવાદ થયો હતો.
દિલ્હી કેપિટલ્સની ઈનિંગની 12મી ઓવરમાં ઋષભ પંત અને લલિત યાદવ મેદાન પર બેટિંગ કરી રહ્યા હતા. ત્યારબાદ વિજય શંકરની ઓવરના ચોથા બોલ પર બંને બેટ્સમેન રન લેવા દોડ્યા હતા. બંને વચ્ચેના તાલમેલમાં ખલેલ પડી હતી અને લલિત યાદવ રનઆઉટ થયો હતો. આ પછી મોટો ડ્રામા જોવા મળ્યો.
રિપ્લેમાં જોવા મળ્યું હતું કે થ્રો મળ્યા બાદ વિજય શંકરનો પગ વિકેટ સાથે અથડાયો અને એક બેઈલ પડી ગઈ. આ પછી વિજયે બોલ કલેક્ટ કર્યો અને બીજી બેઈલ ઉડાવી. દિલ્હીના કેપ્ટન પંત આના પર ગુસ્સે થયા અને અમ્પાયરને કહ્યું કે શંકરે સ્ટમ્પ ઉખાડવો જોઈએ, આ કયા પ્રકારે આઉટ છે?
અમ્પાયર્સે પંતને સમજાવ્યો
વધતા વિવાદને જોઈને અમ્પાયરોએ પંતને સમજાવ્યું કે જ્યારે શંકરનો પગ વિકેટ સાથે અથડાયો ત્યારે માત્ર એક બેઈલ પડી હતી અને બીજી બેઈલ વિકેટ પર જ હતી. સ્ટમ્પને ઉખાડી નાખવાની જરૂર નથી અને તેને આઉટ ગણવામાં આવશે. લલિત યાદવ 22 બોલમાં 25 રન બનાવીને રમી રહ્યો હતો.
(જણાવી દઈએ કે ક્રિકેટના નિયમો અનુસાર, જો રન આઉટ કરતી વખતે સ્ટમ્પ્સ પર એક પણ બેઈલ્સ ન હોય, તો બોલને સ્ટમ્પને સ્પર્શ કરીને ઉખાડી નાખવા પડે છે. જો સ્ટમ્પ પર કોઈ એક બેઈલ્સ હોય, તો તમે આરામથી રન આઉટ કરી શકો છો.)
ગુજરાતની સતત બીજી જીત
IPL 2022માં ગુજરાતની ટીમે શાનદાર શરૂઆત કરી છે. તેઓએ પ્રથમ મેચમાં લખનઉ અને બીજી મેચમાં દિલ્હીને હરાવ્યું છે. મેચમાં પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે દિલ્હીને 172 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ગુજરાત તરફથી શુભમન ગિલે 84 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. ટાર્ગેટ ચેઝ કરતા DC તરફથી કેપ્ટન ઋષભ પંતે સૌથી વધુ 43 રન બનાવ્યા હતા. તેના સિવાય કોઈ બેટર ટકી ન શક્યો. લલિત યાદવના રન આઉટ થયા બાદ કોઈપણ બેટ્સમેન મોટી ઈનિંગ રમી શક્યો નહોતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.