5 વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સે ઈન્ડિયન પ્રીમિયર લીગ-2023ની એલિમિનેટર મેચમાં લખનઉ સુપરજાયન્ટ્સને 81 રનથી હરાવ્યું છે. આ જીત સાથે રોહિત શર્માની ટીમ ક્વોલિફાયર-2માં પહોંચી ગઈ છે. ક્વોલિફાયર-2માં મુંબઈનો મુકાબલો 26 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ સામે થશે.
ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ 20 ઓવરમાં 8 વિકેટે 182 રન બનાવ્યા હતા. જવાબમાં લખનઉની ટીમ 16.3 ઓવરમાં 101 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. મુંબઈ તરફથી આકાશ મેધવાલે 3.3 ઓવરમાં માત્ર 5 રનમાં 5 વિકેટ ઝડપી હતી, તેની ઇકોનોમી 1.40ની રહી હતી. LSGના 3 બેટર્સ રન આઉટ થયા હતા. પહેલી ઇનિંગમાં કેમરોન ગ્રીને 41 અને સૂર્યકુમાર યાદવે 33 રન બનાવ્યા હતા.
LSGએ 31 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી
પાવરપ્લેમાં મક્કમ શરૂઆત બાદ પીયુષ ચાવલાએ નવમી ઓવરમાં કૃણાલ પંડ્યાને કેચઆઉટ કરાવ્યો હતો. આગલી જ ઓવરમાં આકાશ મેધવાલે આયુષ બદોની અને નિકોલસ પૂરનને આઉટ કર્યા હતા. ચાવલા અને મેધવાલ પછી માર્કસ સ્ટોઇનિસ અને કૃષ્ણપ્પા ગૌતમ આગામી બે ઓવરમાં રનઆઉટ થયા હતા. ટીમનો સ્કોર 69 રને 2 વિકેટેથી સીધો 92 રને 7 પર પહોંચ્યો હતો. મેધવાલે રવિ બિશ્નોઈને પણ 100 રનના ટીમના સ્કોર પર પેવેલિયન મોકલ્યો હતો. આ જ ઓવરમાં દીપક હુડા પણ રનઆઉટ થયો હતો. આ રીતે એ 31 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી.
પાવરપ્લેમાં LSGએ 2 વિકેટ ગુમાવી દીધી હતી
183 રનના ટાર્ગેટને ચેઝ કરતા લખનઉની શરૂઆત ખરાબ રહી હતી. ટીમે બીજી જ ઓવરમાં પ્રેરક માંકડની વિકેટ ગુમાવી દીધી હતી. કાઇલ મેયર્સ પણ ચોથી ઓવરમાં આઉટ થયો હતો. પરંતુ માર્કસ સ્ટોઇનિસની ઇનિંગની મદદથી ટીમે 6 ઓવરમાં 54 રન બનાવ્યા હતા.
મુંબઈ ઈન્ડિયન્સની ઇનિંગ...
ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ટીમે 20 ઓવરમાં 8 વિકેટે 182 રન બનાવ્યા હતા. ચેપોક મેદાન પર કેમરૂન ગ્રીને 23 બોલમાં 41 રનની ઇનિંગ રમી હતી, જ્યારે સૂર્યકુમાર યાદવે 33 રન બનાવ્યા હતા. છેલ્લે નેહલ વાઢેરાએ 12 બોલમાં 23 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. નવીન ઉલ હકે 38 રનમાં 4 વિકેટ લીધી હતી, જ્યારે યશ ઠાકુરને બે સફળતા મળી હતી.
સૂર્યા-ગ્રીન વચ્ચે 66 રનની ભાગીદારી
પાવરપ્લેમાં 2 વિકેટ ગુમાવ્યા બાદ સૂર્યકુમાર યાદવ અને કેમરૂન ગ્રીને 26 બોલમાં ફિફ્ટી પાર્ટનરશિપ કરી હતી. બંનેએ 38 બોલમાં 66 રન જોડ્યા હતા. સૂર્યા 20 બોલમાં 33 રન બનાવીને આઉટ થયો અને આ ભાગીદારી તૂટી ગઈ હતી. સૂર્યા બાદ કેમરૂન ગ્રીન પણ નવીન ઉલ હકનો શિકાર બન્યો હતો. ગ્રીને 41 રન બનાવ્યા હતા.
મુંબઈને 2 ફટકા પડ્યા, છતાં 62 રન બનાવ્યા
પાવરપ્લેમાં મુંબઈનું પ્રદર્શન ઠીકઠાક રહ્યું હતું. ટીમે કેપ્ટન રોહિત શર્મા (11 રન) અને ઈશાન કિશન (15 રન)ની વિકેટ ગુમાવ્યા બાદ પણ 6 ઓવરમાં 62 રન બનાવ્યા હતા. નવીન ઉલ હક અને યશ ઠાકુરે લખનઉને શરૂઆતી સફળતા અપાવી હતી.
મુંબઈએ રિતિકને પ્લેઇંગ-11માં સામેલ કર્યો
મુંબઈની ટીમે પ્લેઇંગ-11માં એક ફેરફાર કર્યો છે. કુમાર કાર્તિકેયની જગ્યાએ રિતિક શોકીનને સ્થાન મળ્યું છે, તો તિલક વર્મા ટીમમાં પરત ફર્યો છે. જ્યારે લખનઉ તરફથી ક્વિન્ટન ડી કોક રમતો નથી.
બન્ને ટીમની પ્લેઇંગ-11
લખનઉ સુપરજાયન્ટ્સ (LSG): કૃણાલ પંડ્યા (કેપ્ટન), આયુષ બદોની, દીપક હુડા, પ્રેરક માંકડ, માર્કસ સ્ટોઇનિસ, નિકોલસ પૂરન (વિકેટકીપર), કૃષ્ણપ્પા ગૌતમ, રવિ બિશ્નોઈ, નવીન ઉલ હક, યશ ઠાકુર અને મોહસીન ખાન.
ઇમ્પેક્ટ પ્લેયર્સ: કાઇલ મેયર્સ, ડેનિયલ સેમ્સ, યુધવીર સિંહ, સ્વપ્નિલ સિંહ, અમિત મિશ્રા.
મુંબઈ ઈન્ડિયન્સ (MI): રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), કેમરૂન ગ્રીન, સૂર્યકુમાર યાદવ, ટિમ ડેવિડ, નેહલ વાઢેરા, ક્રિસ જોર્ડન, રિતિક શોકીન, પીયુષ ચાવલા, જેસન બેહરનડોર્ફ અને આકાશ મેધવાલ.
ઇમ્પેક્ટ પ્લેયર્સ: રમણદીપ સિંહ, કુમાર કાર્તિકેય, વિષ્ણુ વિનોદ, નેહલ વાઢેરા, સંદીપ વારિયર.
પ્રી-મેચ રિપોર્ટ્સ વાંચો...
જે જીતશે, તે ગુજરાત સામે રમશે; હારશે તે બહાર ફેંકાશે
મેચ રોમાંચક રહેશે કારણ કે બન્ને ટીમમાંથી વિજેતા ટીમને ફાઈનલમાં પહોંચવા માટે વધુ એક મેચ રમવાની રહેશે. જ્યારે હારેલી ટીમની સફર અહીં જ સમાપ્ત થશે.
લખનઉ સતત બીજી વખત પ્લેઓફમાં પહોંચ્યું
LSG સતત બીજી વખત IPL પ્લેઑફ માટે ક્વોલિફાય થયું છે. લખનઉ ગત સિઝનમાં પણ ક્વોલિફાય થયું હતું. ટીમ છેલ્લે એલિમિનેટરમાં બેંગ્લોર સામે હારી હતી.
લખનઉની ટીમ પાસે તમામ બેટર્સ પાસે વિવિધ પ્રકારના શોટ્સ છે. નિકોલસ પૂરન 174ના પ્રભાવશાળી સ્ટ્રાઈક રેટ સાથે જબરદસ્ત હિટિંગ ફોર્મમાં છે. તે જ સમયે, બિશ્નોઈ બોલિંગમાં શાનદાર ફોર્મમાં છે.
મુંબઈની ટીમમાં સિઝનના બે બેટર્સે સદી મારી
ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચમાં હૈદરાબાદ સામે મુંબઈ ઈન્ડિયન્સે શાનદાર બેટિંગ કરી હતી અને મેચ જીતવા માટે 200 રનના ટાર્ગેટને ચેઝ કર્યો હતો. તેમની બેટિંગ લાઇનઅપ શાનદાર ફોર્મમાં છે.
આ સિઝનમાં મુંબઈની ટીમમાં સૂર્યકુમાર યાદવ અને કેમરૂન ગ્રીન બન્નેએ સદી ફટકારી હતી. સાથે જ ટીમની બોલિંગ પણ શાનદાર રહી છે. છેલ્લી મેચમાં આકાશ મેધવાલે શાનદાર બોલિંગ કરી હતી અને 4 વિકેટ પણ લીધી હતી.
લખનઉનો હેડ ટુ હેડ રેકોર્ડમાં હાથ ઉપર
બન્ને ટીમના હેડ ટુ હેડમાં મુંબઈ પર લખનઉ ભારે રહ્યું છે. IPLના ઈતિહાસમાં અત્યાર સુધી મુંબઈ ઈન્ડિયન્સ લખનઉ સુપરજાયન્ટ્સને હરાવી શક્યું નથી.
પિચ રિપોર્ટ
ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમની પિચમાં સંતુલન રહેશે. ફાસ્ટ બોલરોની સાથે સ્પિનરોને પણ આમાં મદદ મળશે. શરૂઆતમાં ઝડપી બોલરોને થોડો સ્વિંગ મળશે જ્યારે મેચના પછીના તબક્કામાં સ્પિનરો પણ રમતમાં આવશે. પહેલી ઇનિંગનો એવરેજ સ્કોર 160-170 રન છે.
હવામાન સ્થિતિ
બુધવારે ચેન્નાઈમાં સ્થિતિ અનુકૂળ રહેશે. હવામાન સ્વચ્છ રહેશે. તાપમાન 29થી 36 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની ધારણા છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.