વોર્નરને ટીમમાં લેવા પડાપડી!:IPL 2022ના ઓક્શન પહેલા ઘણી ફ્રેન્ચાઈઝીએ ડેવિડ સાથે સંપર્ક સાધ્યો, ઈન્ડિયન કોચ અંગે ફોક્સ સ્પોર્ટ્સે કર્યો ઘટસ્ફોટ

10 દિવસ પહેલા
આ તસવીર IPL-2021ની રાજસ્થાન V/S હૈદરાબાદ મેચની છે, જ્યાં વોર્નર ગ્રાઉન્ડ પર ભાવુક થઈ ગયો હતો.
  • IPL 2021માં વોર્નરનું ખરાબ પ્રદર્શન, 8 મેચમાં 24.47ની સરેરાશથી માત્ર 195 રન કર્યા

ડેવિડ વોર્નરને કેપ્ટનશિપ પદેથી હટાવી તેને છેવટે SRHની પ્લેઇંગ-11માંથી પડતો મૂકવાની ઘટનાએ બધાને ચોંકાવી દીધા હતા. વોર્નર આફ્રેન્ચાઈઝી સાથે વફાદાર પણ હતો અને આક્રમક બેટિંગ કરીને ઘણી મેચ પણ જીતાડી હતી. તેવામાં મીડિયા અહેવાલો પ્રમાણે ડેવિડ વોર્નરને પ્લેઇંગ-11માંથી દૂર કરવાની સાથે ટીમના અન્ય ખેલાડી સાથે ટ્રેનિંગ કરવાની તક પણ આપવામાં આવતી નહોતી. ટીમના આવા વલણ હોવા છતાં તેણે SRHને સતત ચિયર કર્યું હતું. તેવામાં હવે IPL 2022માં આગામી ઓક્શન દરમિયાન ડેવિડને પોતાની ટીમમાં સામેલ કરવા માટે ઘણી ટીમો પડાપડી કરી રહી છે.

ફ્રેન્ચાઈઝી વોર્નરને સાઇન કરવાની તકનો લાભ લેવા આતુર
જોકે, લિમિટેડ ઓવરના ફોર્મેટમાં ડેવિડ વોર્નરની છબી એટલી સારી છે કે તેને હજુ પણ આગામી સિઝનમાં મોટી રકમ આપી કોઇપણ ફ્રેન્ચાઈઝ પોતાની સ્ક્વોડમાં સામેલ કરી શકે છે. FoxSports.com.auના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે IPL-2022 પહેલા ઓસ્ટ્રેલિયન ઓપનરને ઘણી ટીમો દ્વારા સંપર્ક કરવામાં આવ્યો છે. એવું માનવામાં આવે છે કે સનરાઇઝર્સ હૈદરાબાદ દ્વારા વોર્નર સાથે કરાયેલા વ્યવહારથી અન્ય ફ્રેન્ચાઇઝીઓને પણ આઘાત લાગ્યો છે અને આ ફ્રેન્ચાઈઝી તેને સાઇન કરવાની તકનો લાભ લેવા માંગે છે.

ઈન્ડિયન કોચ અંગે પણ ઘટસ્ફોટ
આ રિપોર્ટમાં વધુમાં જણાવાયું હતું કે ટોમ મૂડી રવિ શાસ્ત્રી બાદ ઈન્ડિયન ટીમના કોચ બનવા માગે છે. આની સાથે જ ડેવિડ વોર્નરે એક સોશિયલ મીડિયા પોસ્ટથી લગભગ ફ્રેન્ચાઈઝી છોડવાની પુષ્ટી કરી દીધી છે. પોતાના ફેન્સને ધન્યવાદ આપતા હૈદરાબાદના પૂર્વ કેપ્ટને લખ્યું હતું કે તમે આપેલી તમામ યાદો માટે હું આભારી છું. તમે હરહંમેશ અમારી ટીમ માટે 100% સપોર્ટ આપતા રહો છો. આવા જ સમર્થનનો હું આભારી છું. મારા માટે આ પ્રશંસનીય સફર રહી છે. હું અને મારો પરિવાર તમારા બાધાના આભારી છીએ.

IPL 2021માં વોર્નરનું ખરાબ પ્રદર્શન
ડેવિડ વોર્નરની આ પોસ્ટ સાથે, ફેન્સ અનુમાન લગાવી રહ્યા છે કે આ ફ્રેન્ચાઇઝી સાથેની તેની સફર હવે સમાપ્ત થઈ શકે છે. છેલ્લી કેટલીક મેચોમાં વોર્નરને સ્ટેન્ડમાં જોયા પછી, ચાહકોએ સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમ મેનેજમેન્ટને સખત ઠપકો પણ આપ્યો હતો. ડેવિડ વોર્નરની IPL 2021ની સિઝન ખૂબ ખરાબ રહી હતી. તેણે 8 મેચમાં 24.47ની સરેરાશથી માત્ર 195 રન કર્યા હતા.

2014માં સનરાઇઝર્સ હૈદરાબાદમાં જોડાયો ત્યારથી ડેવિડ વોર્નર આ ટૂર્નામેન્ટ પહેલા દરેક સિઝનમાં 500 રનનો આંકડો પાર કરી ચૂક્યો છે અને તે લીગના આક્રમક ખેલાડીની યાદીમાં પણ સામેલ થતો આવ્યો છે. IPLના ઇતિહાસમાં વોર્નર એકમાત્ર ખેલાડી છે જેણે ત્રણ વખત ઓરેન્જ કેપ જીતી છે. તેણે 2016માં સનરાઇઝર્સ હૈદરાબાદને પહેલું IPL ટાઇટલ પણ જીતાડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...