MIના મેજિક સ્પિનરની કહાની:છેલ્લા 1 વર્ષથી બપોરે ભૂખ્યો રહેતા કુમાર કાર્તિકેયને લંચ મળતાં રડી પડ્યો; મુંબઈમાં એન્ટ્રી ફળી

17 દિવસ પહેલા
  • કૉપી લિંક

મુંબઈ ઈન્ડિયન્સના લેફ્ટ આર્મ સ્પિનર કુમાર કાર્તિકેયે ક્રિકેટર બનવા ઘણી મહેનત કરી છે. તેણે રાજસ્થાન રોયલ્સ સામે શાનદાર બોલિંગ કરી પોતાની આગવી છાપ છોડી દીધી હતી. એવામાં કાર્તિકેયના કોચે ESPN ક્રિકઈન્ફોને જણાવ્યું હતું કે એક સમયે તેને બપોરે જમવાનું પણ મળતું નહોતું. બીજી બાજુ, કાર્તિકેય આખી રાત ફેક્ટરીમાં નોકરી કરતો અને સવારે ક્રિકેટ કોચિંગમાં જતો હતો. ચલો, આપણે તેની સંઘર્ષભરી સફર પર નજર ફેરવીએ....

ક્રિકેટર બનવા દિલ્હી આવ્યો
કાર્તિકેયને ભારદ્વાજ એકેડમીમાંથી ખાસ તાલીમ મળી છે. તમને જણાવી દઈએ કે આમાંથી ગૌતમ ગંભીર, અમિત મિશ્રા જેવા ખેલાડીને કોચિંગ આપી ચૂકેલા કોચ ભારદ્વાજે કાર્તિકેયને ખાસ તાલીમ આપી હતી. તે અત્યારે રણજી ટ્રોફી અને IPLમાં રમી રહ્યો છે. જોકે શરૂઆતના સમયમાં કાર્તિકેય કાનુપરથી દિલ્હી આવી પહોંચ્યો હતો, જ્યાં પોતાના મિત્ર સાથે રહ્યો અને ઘણી એકેડમીમાં તાલીમ લેવા માટે પહોંચ્યો હતો, પરંતુ વધારે ફી હોવાને કારણે તે ત્યાં જોડાઈ શક્યો નહોતો.

ફેક્ટરીમાં નોકરી કરતો, જમવામાં માત્ર બિસ્કિટ ખાતો
ત્યાર પછી કાર્તિકેય અને તેનો મિત્ર ભારદ્વાજ એકેડમી પહોંચ્યા હતા. ત્યાં કોચે બંને ખેલાડીને તાલીમ આપવાની અનુમતિ આપી દીધી હતી. જોકે આ દરમિયાન કાર્તિકેય ગાઝિયાબાદ પાસે આવેલી એક ફેક્ટરીમાં નોકરી કરતો હતો. ત્યાં તે આખી રાત કામ કરતો અને ત્યાર પછી સવારે કોચિંગ માટે જતો હતો.
તમને જણાવી દઈએ કે કોચિંગ એકેડમીથી તેની ફેક્ટરી 80 કિલોમીટર દૂર હતી, ત્યારે કાર્તિકેય દરરોજ 10 રૂપિયા બચાવવા માટે ઘણાબધા કિલોમીટર ચાલતો જતો હતો. આવું કરવાથી એના 10 રૂપિયા બચી જતા અને તેથી કાર્તિકેય એક બિસ્કિટનું પેકેટ ખરીદી ભૂખ સંતોષતો હતો.

કોચે રહેવા માટે ખાસ વ્યવસ્થા કરી
કોચ ભારદ્વાજે કહ્યું હતું કે કાર્તિકેયની બોલિંગ એક્શન સ્મૂધ હતી અને તેની ફિંગર ટિપ્સથી બોલ પર પકડ પણ પ્રશંસનીય હતી. આવી ટેલન્ટ જોઈને તથા આટલી દૂરથી દરરોજ કાર્તિકેયને આવતો જોઈને મેં અહીં એકેડમીના કૂક સાથે રહેવાની વ્યવસ્થા કરવાનું મન બનાવી લીધું હતું.

લંચ મળતાં રડી પડ્યો- કોચ
ભારદ્વાજે જણાવ્યું હતું કે કાર્તિકેયને જ્યારે મેં એકેડમીમાં પસંદ કર્યો ત્યારે તે ઘણો ભાવુક થઈ ગયો હતો. એવામાં જ્યારે પહેલીવાર જ્યારે કાર્તિકેયને લંચ આપવામાં આવ્યું ત્યારે તેની આંખમાં પાણી આવી ગયાં અને તે ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યો હતો. ત્યારે અમે આનું કારણ પૂછ્યું ત્યારે કાર્તિકેયે કહ્યું કે હું એક વર્ષથી બપોરે જમ્યો નથી, આને કારણે ભાવુક થઈ ગયો છું.

ભારદ્વાજે મધ્યપ્રદેશ મોકલ્યો
અહીંથી કાર્તિકેયની સફર શરૂ થઈ અને દિલ્હીની ઘણી સ્થાનિક ટૂર્નામેન્ટ રમ્યા પછી કોચ ભારદ્વાજે તેને મધ્યપ્રદેશ મોકલ્યો હતો. અગાઉ ભારદ્વાજે જેવી રીતે અમિત મિશ્રાને હરિયાણા મોકલ્યો હતો તેમ કાર્તિકેયને પણ મધ્યપ્રદેશ જવા સહાય કરી હતી. આની પાછળનું કારણ એ હતું કે તેમને જાણ હતી કે અહીં તેને વધુ તક મળી શકે એમ નથી. ત્યાર પછી કાર્તિકેય ત્યાં 2 વર્ષ સુધી ડિવિઝન ક્રિકેટ રમ્યો હતો.

સ્પિન બોલિંગ સુધારી
કાર્તિકેયે 2018માં મધ્યપ્રદેશની રણજી ટ્રોફી ડેબ્યુ કર્યું હતું. તે હવે ભોપાલમાં ભારદ્વાજ હોસ્ટેલમાં જ રહે છે. અહીં તેણે રિસ્ટ સ્પિન પર કામ શરૂ કર્યું હતું. કોચે વધુમાં જણાવ્યું હતું કે કાર્તિકેય ઘણીવાર રાત્રે ગ્રાઉન્ડમાં લાઈટ્સ ઓન કરી પ્રેક્ટિસ કરતો જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...