IPL 15માં અત્યારસુધીમાં 40થી વધુ મેચ રમાઈ છે. આ મેચમાં ઘણા ખેલાડીઓએ હીરો બનીને ઊભર્યા છે. આજે અમે તમને એવા પાંચ ખેલાડીની સ્ટોરી જાણાવીશું, જેમણે આ સીઝનમાં પોતાની રમતથી તરખાટ મચાવ્યો છે.
કુલદીપનો શાનદાર દેખાવ
2021ની IPL સીઝનમાં દિલ્હીના કુલદીપ યાદવ કોલકાતા ટીમનો હિસ્સો હતો. તેને આખી સીઝનમાં એકપણ મેચ રમવાની તક મળી નહોતી. 2020માં કોલકાતાએ આ ખેલાડીને 5 મેચ અને 2019ની સીઝનમાં માત્ર 9 મેચમાં રમવાની તક આપી હતી. ટીમ ઈન્ડિયામાંથી પણ કુલદીપને બહાર કરવામાં આવ્યો હતો.
એક સમયે એવું પણ લાગ્યું હતું કે સારા-સારા બેટ્સમેનને માત આપનારો આ બોલરનું કરિયર સમાપ્ત થઈ જશે, જોકે IPL 2022માં કુલદીપ પર દિલ્હીની ટીમે ભરોસો મૂક્યો અને ઓક્શનમાં 2 કરોડ આપીને ટીમમાં જોડ્યો હતો.
ટીમ મેનેજમેન્ટ અને કેપ્ટન રિષભ પંતે કુલદીપને ખૂબ જ તકો આપી અને પરિણામ બધાની સામે છે. આ સીઝનમાં તે સતત સારો દેખાવ કરી રહ્યો છે. અત્યારસુધીમાં રમાયેલી 9 મેચમાં કુલદીપ 15.82ની સરેરાશથી કુલ 17 વિકેટ લઈ ચૂક્યા છે.
આ દરમિયાન આ બોલરે એક જ ઈનિંગમાં 4 વિકેટ પણ લીધી છે. તેની ઈકોનોમી 9થી પણ ઓછી છે. તેના શાનદાર પ્રદર્શનને જોતાં ટીમ ઈન્ડિયામાં સ્થાન આપવાની વાત કહેવામાં આવી રહી છે.
ઉમરાનની ઉડાન
સનરાઈઝર્સ હૈદરાબાદે IPL 2022 માટે જ્યારે ઉમરાન મલિકને રિટેન કર્યો તો બધાને નવાઈ લાગી હતી. કહેવામાં આવ્યું કે રાશિદ ખાનને ટીમ રોકવાની કોશિશ કરી શકતી હતી. ઉમરાન જેવા યુવા ખેલાડીઓને રિટેન કરવાનો નિર્ણય યોગ્ય નથી. હવે 22 વર્ષના ઉમરાને પોતાની ઘાતક બોલિંગથી બધાનું મોઢું બંધ કરી દીધું છે.
આ સીઝનમાં તે 9 મેચમાં 19.13ની સરેરાશની સાથે કુલ 15 વિકેટ લઈ ચૂક્યા છે. આ દરમિયાન તેની ઈકોનોમી માત્ર 8.44ની રહી છે. ગુજરાત વિરુદ્ધની મેચમાં તેણે માત્ર 25 રન આપીને 5 વિકેટ પણ લીધી હતી. આ ખેલાડીએ પોતાની ગતિથી ક્રિકેટજગતના મહાનુભવોને પોતાના બનાવ્યા છે.
ઉમરાન આ સીઝનમાં સૌથ વધુ ઝડપી બોલ નાખવાનો રેકોર્ડ પણ તોડી ચૂક્યા છે. ગુજરાત ટાઈટન્સના ઝડપી બોલર લોકી ફર્ગ્યુસને 153.9 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી બોલ નાખ્યો હતો. ચેન્નઈ સામેની મેચમાં ઉમરાને બે વખત 154 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી બોલ નાખ્યો અને ફર્ગ્યસને રેકોર્ડ તોડ્યો હતો. ઉમરાન આ સીઝનમાં સૌથી ઝડપી બોલ ફેંકવા માટે સતત 9 અવોર્ડ જીતી ચૂક્યો છે.
બડોનીના વિસ્ફોટમાં ઊડી નિરાશા
દિલ્હીના વસંતકુંજના રહેવાસી આયુષ બડોની છેલ્લાં ત્રણ વર્ષથી IPLની અલગ-અલગ ટીમોની ટ્રાયલમાં સામેલ થયો હતો. તેને ટ્રાયલ માટે ફ્રેન્ચાઈઝીમાંથી બોલાવવામાં આવતો હતો, જોકે તક મળી શકી નહોતી. IPL 2022માં લખનઉની ટીમે આ ખેલાડીને 20 લાખમાં પોતાની ટીમની સાથે જોડ્યો હતો.
લખનઉની ટીમે ગુજરાતની સામેની મેચમાં આ ખેલાડીને તક આપી અને પોતાની ડેબ્યુ મેચમાં જ આયુષે 41 બોલમાં 54 રનની ઈનિંગ રમી હતી. બડોનીને લખનઉ ટીમના મેન્ટર ગૌતમ ગંભીરે ખૂબ જ સપોર્ટ કર્યો. પ્રથમ મેચ પછી આયુષ વધુ લાંબી ઈનિંગ તો રમી શક્યો નહિ, જોકે તેણે જોયું કે તેને સતત તક મળશે તો આ ખેલાડી મોટો પ્લેયર બને એવી શક્યતા છે.
હાર્દિકની કેપ્ટનશિપથી ગુજરાત પોઇન્ટ ટેબલમાં નંબર 1 પર
IPL 2022માં બે નવી ટીમને જોડવામાં આવી. લખનઉ અને ગુજરાત. બંને ટીમે આ સીઝનમાં જોરદાર દેખાવ કર્યો છે. જોકે ગુજરાતે તો કમાલ કરી છે. હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપવાળી આ ટીમે અત્યારસુધીમાં 9 મેચ રમી છે અને ટીમ અત્યારસુધીમાં 8 મેચ જીતી છે. ગુજરાત માત્ર એક જ મેચ હારી છે અને પોઈન્ટ્સ ટેબલમાં નંબર-1 પર છે.
કાગળ પર આ ટીમ કઈ ખાસ લાગતી નહોતી, જોકે શાનદાર દેખાવથી તેણે એ વાત તમામ ટીમને કહી કે તેને હળવાશથી લેવા જેવી નથી. રાહુલ તેવતિયા, રાશિદ ખાન, હાર્દિક પંડ્યા, ડેવિડ મિલર, ઋદ્ધિમાન સાહા, યશ દયાલ જેવા ખેલાડીઓએ ટીમ માટે અંતિમ સમયમાં હારેલી બાજીને પલટી નાખી છે. હૈદરાબાદ સામેની મેચમા રાશિદ અને તેવતિયાએ તો છેલ્લી ઓવરમાં 4 સિક્સ મારીને ટીમને જીત અપાવી હતી.
રાહુલ તેવતિયાનો મૈં હૂં..નો અંદાજ
રાહુલ તેવતિયાને આઈપીએલ ઓક્શનમાં ગુજરાતની ટીમે 9 કરોડમાં પોતાની ટીમમાં જોડ્યો હતો. આ ખેલાડીની બેઝ પ્રાઈસ 40 લાખ રૂપિયાની હતી. જ્યારે ગુજરાતની ટીમે એટલા જ પૈસા આપીને તેને પોતાની સાથે જોડ્યો તો એમ કહેવામાં આવતું હતું કે આ નિર્ણય યોગ્ય સાબિત નહિ થાય. તેને ખૂબ જ વધુ પૈસા આપવામાં આવ્યા છે. જોકે રાહુલે તેની બેટિંગથી ગુજરાતને ઘણી મેચમાં જીત અપાવી હતી. લખનઉની સામેની પ્રથમ મેચમાં રાહુલે 40 રન કરતાં ટીમ જીતી હતી.
પંજાબની સામેની મેચમાં તો તેવતિયાએ માત્ર 3 બોલમાં 13 રન કરીને ગુજરાતને જીત અપાવી હતી. હૈદરાબાદની સામેની મેચમાં રાહુલે 40 રન કર્યા હતા અને બેંગલુરુની સામેની મેચમાં રાહુલે શાનદાર 43 રનની ઇનિંગ રમીને છેલ્લી ઓવરમાં જીત અપાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.