તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આઈપીએલ:મુંબઈ વિરુદ્ધ 13 સિઝનમાં માત્ર 6 મેચ જ જીતી શક્યું છે કોલકાતા

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુંબઈ અને કોલકાતા વચ્ચે આજે સાંજે ચેન્નઈમાં ટક્કર

આઈપીએલ-2021ની પાંચી મેચમાં મંગળવારે કોલકાતા નાઈટરાઈડર્સ સામે મુંબઈ ઈન્ડિયન્સનો પડકાર રહેશે. આ મેચ ચેન્નઈના ચેપક સ્ટેડિયમમાં રમાશે. સિઝનની પ્રથમ મેચ મુંબઈ બેંગલુરુ સામે 2 વિકેટે હારી ગઈ હતી, જ્યારે કોલકાતાએ હૈદરાબાદને 10 રને હરાવ્યું હતું. કોલકાતાએ નીતીશ રાણા પાસે ઓપનિંગ કરાવ્યું હતું અને રાહુલ ત્રિપાઠીને નંબર-3 પર મોકલ્યો હતો.

આ નિર્ણય માસ્ટર સ્ટ્રોક સાબિત થયો હતો. ટીમ માટે બોલિંગ ચિંતાજનક પાસું છે. હરભજનને માત્ર એક જ ઓવર મળી હતી. આશા છે કે, તેને પોતાની જુની ટીમ સામે વધુ બોલિંગ કરવાની તક મળશે. મુંબઈની ટીમમાં ક્વિન્ટન ડી-કોક પાછો આવી શકે છે. તેનો ક્વોરેન્ટાઈન સમય પૂરો થયો છે.

તે છેલ્લી બે સિઝનથી રોહિત સાથે ઓપનિંગ કરી રહ્યો છે, જેના કારણે પ્રથમ મેચમાં 49 રન બનાવનારો ક્રિસ લિન બહાર થઈ શકે છે. રોહિત કોલકાતા સામે સૌથી વધુ 939 રન બનાવનારો બેટ્સમેન છે. જો તે 61 રન બનાવે છે તો એક ટીમ સામે એક હજાર રન પૂરા કરનારો પ્રથમ બેટ્સમેન બની જશે.

ચાવલા મુંબઈ માટે ડેબ્યુ કરી શકે છે
મુંબઈ માટે લેગ સ્પિનર પિયૂષ ચાવલા ડેબ્યુ કરી શકે છે. પ્રથમ મેચમાં રાહુલ ચાહર મોંઘો સાબિત થયો હતો. ચાવલા એ ખેલાડીઓમાંનો એક છે જેણે ટૂર્નામેન્ટની બધી સિઝન રમી છે. તે 2014થી 2019 સુધી કોલકાતાની ટીમમાં હતો. તેના નામે મલિંગા અને અમિત મિશ્રા પછી સૌથી વધુ 156 વિકેટ છે.

વર્કલોડ મેનેજમેન્ટના કારણે હાર્દિકે બોલિંગ કરી ન હતી : ઝહીર ખાન
બેંગલુરુ વિરુદ્ધ પ્રથમ મેચમાં સ્પિન બોલરોના મોંઘા સાબિત થવા છતાં હાર્દિક પંડ્યાએ બોલિંગ કરી ન હતી. ટીમના ડિરેક્ટર ઓફ ક્રિકેટ ઝહીર ખાનના અનુસાર વર્કલોડ મેનેજમેન્ટના કારણે હાર્દિકને બોલિંગની તક મળી નથી. આ સાથે જ તે મેચમાં અંડર-આર્મ થ્રો પણ કરતો હતો. ઝહીર ખાને કહ્યું કે, તેને ખભામાં થોડી ઈજાના કારણે ફિઝિયો સાથે સલાહ પછી આ નિર્ણય લેવાયો હતો. હાર્દિકે ઈંગ્લેન્ડ સામેની ટી20 સીરિઝમાં 17 ઓવર ફેંકી હતી. જોકે, છેલ્લી સિઝનમાં હાર્દિકે મુંબઈ માટે બોલિંગ કરી ન હતી.

મુંબઈ વિરુદ્ધ કોલકાતાનો રેકોર્ડ સૌથી ખરાબ
આઈપીએલમાં બંને ટીમ વચ્ચે અત્યાર સુધી 27 મેચ રમાઈ છે. મુંબઈ 21, જ્યારે કોલકાતા 6 મેચ જીતી છે. મુંબઈની જીતની ટકાવારી 77.77 છે, જે કોઈ પણ વર્તમાન ટીમનો બીજી ટીમ સામે સૌથી વધુ છે. છેલ્લી 12 મેચમાં કોલકાતા માત્ર એક જ જીતી શક્યું છે.