અયાઝ મેમણની કલમે...:મુંબઈ જેના માટે ઓળખાય છે, તે કોલકાતાએ કર્યું

મુંબઈ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોલકાતાનું પ્લેઓફમાં પહોંચવું આઈપીએલના બીજા ચરણની સૌથી રોચક કથની છે. પહેલા ચરણમાં ટીમ 2 જીત સાથે ટેબલમાં 7માં સ્થાને હતી. પણ આક્રમક રમત અને મજબૂત માનસિકતાના દમ પર ટીમે પંજાબ, રાજસ્થાન અને મુંબઈને પછાડી દીધી. કોલકાતાના પ્રદર્શનના કારણે બેવારની ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ પ્લેઓફમાં પહોંચી શકી નહીં.

બીજા ચરણની શરૂઆતમાં મુંબઈ ચોથા નંબર પર હતું અને બધા ફરી એકવાર તેને દાવેદાર માની રહ્યા હતા. પાંચવારની વિજેતા મુંબઈ હંમેશા ધીમી શરૂઆત કરે છે અને એકવાર લય મેળવ્યા બાદ તેને રોકવું શક્ય બનતું નથી. પણ આ વખતે આવું ન થયું. મુંબઈને એક પણ બેટ્સમેનો સતત રમ્યા નહીં. રોહિત બીજા ચરણમાં ખાસ રમી શક્યો નહીં.

પોલાર્ડ-હાર્દિક મેચ ફિનિશર તરીકે રમ્યા નહીં. સુર્યકુમાર અને ઇશાને જ્યારે રન બનાવ્યા, ત્યારે ઘણું મોડું થઇ ગયું હતું. ખરાબ બેટિંગે બોલરોનું કામ અઘરું કરી દીધું. બુમરાહે હંમેશાની જેમ જબરદસ્ત બોલિંગ કરી. પણ સ્પિનરો રાહુલ ચાહર અને કૃણાલ પંડ્યાએ તેનો સાથ આપ્યો નહીં.

કોલકાતાએ જેવી રમત દાખવી, મુંબઈ તેની રમત માટે ઓળખાય છે. વેંકટેશ અય્યર પર દાવ લગાવવાનો નિર્ણય સાચો સાબિત થયો. તેણે ગિલ, રાણા અને ત્રિપાઠીની સાથે મળીને ટોપ ઓર્ડરમાં ઝડપથી રન બનાવ્યા.

પ્લેઓફમાં કોલકાતા સહિત દિલ્હી, ચેન્નઈ અને બેંગલુરુની ટીમ પહોંચી છે. દિલ્હીના સ્થાનિક અને વિદેશી ખેલાડીઓ ફોર્મમાં છે. તો પ્લેઓફથી પહેલા ચેન્નઇનું પ્રદર્શન નબળું પડ્યું હતું. રુતુરાજ અને ડુપ્લેસિસને બાદ કરતા બેટ્સમેનો ફોર્મમાં જોવા મળ્યા ન હતા. રૈના ઇજાગ્રસ્ત છે, ધોનીનું પણ ફોર્મ ખાસ સારૂ રહ્યું નથી. પણ ટીમ પાસે અનુભવ છે.

કોલકાતા સામે 92 રનમાં આઉટ થવું અને હૈદરાબાદ સામે 4 રનથી હારતા બેંગલુરુ ટીમ ટોપ-2માં પહોંચી ન શકી. મેક્સવેલ, હર્ષલ, ચહલ અને સિરાજ જેવા ખેલાડીઓ ફોર્મમાં છે. દિલ્હીની સાથે બેંગલુરુ પણ પોતાના પહેલા ટાઇટલની આશા સેવી રહ્યું છે.

સુકાની તરીકે આ લીગ કોહલી માટે અંતિમ સિઝન છે. કોલકાતા ચોથા સ્થાને રહી પણ યુએઈ લીગમાં ટીમનું પ્રદર્શન સૌથી સારૂ રહ્યું. વિજેતાનું અનુમાન લગાવવું જોખમ ભર્યું છે, કારણ કે ટી20માં કઇ પણ થઇ શકે છે.