• Gujarati News
  • Sports
  • Cricket
  • Ipl
  • Kohli's Dream Of RCB Winning The Trophy As Captain Remained Unfulfilled, He Said My Team Beat Kolkata Till The Last Moment

IPLમાં કેપ્ટન તરીકે 'વિરાટ' સફરનો અંત!:RCBને કેપ્ટન તરીકે ટ્રોફી જિતાડવાનું કોહલીનું સપનું અધૂરું રહ્યું, કહ્યું- છેલ્લી ક્ષણ સુધી મારી ટીમે કોલકાતાને ટક્કર આપી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • KKRએ 4 વિકેટથી RCBને હરાવ્યું, કોલકાતા રોમાંચક જીત સાથે ક્વોલિફાયર-2માં પહોંચી

IPL 2021ની એલિમિનેટર મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે રોયલ ચેલેન્જર બેંગ્લોરને 4 વિકેટથી હરાવ્યું હતું. આ હારની સાથે જ વિરાટ કોહલીની RCB કેપ્ટન તરીકે આ છેલ્લી મેચ રહી હતી. તેવામાં કિંગ કોહલી પોતાની ટીમને કેપ્ટન તરીકે એકપણ ટાઈટલ જિતાડી ન શક્યો હોવાથી મેદાનમાં જ રડવા લાગ્યો હતો. ઉલ્લેખનીય છે કે વિરાટની IPL સફર તો આક્રમક બેટિંગ સાથે ચાલુ રહેશે પરંતુ આ તેની કેપ્ટન તરીકે છેલ્લી મેચ હોવાથી તે ભાવુક થઈ ગયો હતો. તેને મેચ પછી આ મેચ અંગે વિવિધ ઘટસ્ફોટ પણ કર્યા હતા.

વિરાટે કહ્યું- અમે છેલ્લી ઓવર સુધી લડતા રહ્યા
મેચ પછી વિરાટ કોહલીએ કહ્યું હતું કે અમે છેલ્લી ઓવર સુધી કોલકાતાને ટક્કર આપી હતી. મેં છેલ્લા રન સુધી જીતવાની આશા છોડી નહોતી. જોકે આ મેચમાં કોલકાતાની ટીમે સારી રમત દાખવીને મેચ જીતી લીધી હતી. તે ક્વોલિફાયર-2માં પહોંચવાની હકદાર પણ છે.

તેવામાં કોહલીને કેપ્ટનશિપ છોડવા અંગે સવાલ કરવામાં આવતા તેણે કહ્યું હતું કે હું હંમેશા પ્રયત્ન કરતો આવ્યો છું કે મારી ટીમમાં યુવા ખેલાડી આવી શકે. હું તેમને સંપૂર્ણ છૂટ આપું છું અને તેમના પર વિશ્વાસ રાખી આગળ રમવા માટે પ્રેરણા પણ આપું છું. મે આ મેચમાં પણ મારુ બેસ્ટ આપ્યું હતું, પરંતુ આ સિઝનમાં મેં RCBને મારું 120% આપ્યું છે.

હવે હું ખેલાડી તરીકે મેદાનમાં ઊતરીશ- કિંગ કોહલી
કોહલીએ વધુમાં જણાવ્યું હતું કે હું હવે કેપ્ટન તરીકે નહીં પરંતુ એક ખેલાડી તરીકે આ ટીમ માટે સારું પ્રદર્શન કરીશ. હવે અમારી પાસે આગામી ત્રણ વર્ષ માટે એવા લોકો સાથે ફરીથી સંગઠિત થવાની તક છે જે આ ટીમને મજબૂત બનાવી શકે છે.

ભવિષ્યમાં પણ હું ચોક્કસપણે આ ફ્રેન્ચાઇઝી સાથે રમીશ. મારા માટે RCB માટે વફાદારી પર્સનલ લાઈફ કરતાં પણ વધારે મહત્વની છે. IPLમાં રમવાના છેલ્લા દિવસ સુધી હું RCBમાં જ રહીશ.

2011માં પહેલીવાર કેપ્ટન બન્યો
વર્ષ 2011માં વિરાટે પહેલી વાર RCBની કેપ્ટનશિપ કરી હતી. જોકે, 2013માં ડેનિયલ વિટ્ટોરીએ કેપ્ટનશિપ છોડ્યા બાદ વિરાટ RCBનો નિયમિત કેપ્ટન બન્યો હતો. ત્યારથી તેણે 9 સીઝનમાં ટીમનું નેતૃત્વ કર્યું છે, પરંતુ એકપણ ટાઇટલ જીત્યું નથી. તે જ સમયે ટ્રોફી સાથે કેપ્ટન તરીકે વિદાય લેવાની તેની ઇચ્છા પણ અધૂરી રહી ગઈ છે.

કેપ્ટન તરીકે કોહલીનો રેકોર્ડ
વિરાટે IPLમાં અત્યાર સુધી 140 મેચોમાં ટીમનું નેતૃત્વ કર્યું છે. આમાંથી RCBએ 64 મેચ જીતી છે જ્યારે 69 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. તેવામાં વિરાટ સેનાની ત્રણ મેચ ટાઈ રહી તથા ચાર મેચોમાં કોઈપણ પરિણામ સામે આવ્યું નહોતું.

કોહલીએ કેપ્ટન તરીકે પાંચ સદી ફટકારી
વિરાટે અત્યાર સુધી RCB માટે 207 મેચમાં 6823 રન કર્યા છે. તેણે આ લીગમાં 5 સદી અને 42 અર્ધસદી પણ ફટકારી છે. વિરાટે કેપ્ટન તરીકે આ તમામ સદીઓ નોંધાવી હતી. RCB માટે કેપ્ટન તરીકે તેણે 140 મેચમાં 44ની સરેરાશ અને 135ના સ્ટ્રાઇક રેટથી 4881 રન કર્યા છે.

કેપ્ટન તરીકે વિરાટ માત્ર 2016ની ફાઈનલમાં પોતાની ટીમને લઈ જઈ શક્યો હતો. તે જ સમયે, 9 સીઝનમાં 2 વખત (2017 અને 2019) ટીમ પોઇન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને રહી હતી.

કિંગ કોહલીએ કેપ્ટનશિપ છોડવાની જાહેરાત કરી હતી
વિરાટે RCBની કેપ્ટનશિપ છોડવાની જાહેરાત કરતા કહ્યું હતું કે મારા માટે આ શાનદાર સફર રહી છે. RCBમાં કેટલાક પ્રતિભાશાળી ખેલાડીની કેપ્ટનશિપ કરવાનો મારો અનુભવ ઘણો સારો રહ્યો છે. હું ટીમ મેનેજમેન્ટ, કોચ, સપોર્ટ સ્ટાફ, ખેલાડીઓ અને સમગ્ર RCB પરિવારનો આભાર માનવા માટે આ તક લેવા માગુ છું. આ બધાએ ટીમ અને ફ્રેન્ચાઇઝીને આગળ વધારવામાં મદદ કરી છે.

વિરાટે કહ્યું- આ સરળ નિર્ણય નહોતો, પરંતુ ફ્રેન્ચાઇઝીના સારા ભવિષ્યને ધ્યાનમાં રાખીને મેં આ નિર્ણય લીધો છે. RCB પરિવાર મારા દિલની નજીક છે અને ટીમ વધુ સારી અને સારી બનતી જ રહેશે. મેં આની પહેલા પણ કહ્યું છે અને પછી પણ હું કહીશ કે જ્યાં સુધી હું ક્રિકેટમાંથી નિવૃત્તિ નથી લેતો ત્યાં સુધી RCB સાથે જ રમતો રહીશ.