લખનઉ સામે ફરી એકવાર વિરાટ કોહલીનું ખરાબ ફોર્મ ચાલુ રહ્યું. આ વખતે કોહલી તેની ઇનિંગ્સના પહેલા જ બોલ પર કેચ આઉટ થયો હતો. IPLના ઈતિહાસમાં કોહલી ચોથી વખત ગોલ્ડન ડકનો શિકાર બન્યો છે. અગાઉ 2008ની IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે, 2014માં પંજાબ કિંગ્સ સામે, 2017માં KKR સામે અને હવે 2022માં લખનઉ સામે કિંગ કોહલી ઇનિંગ્સના પહેલા જ બોલ પર આઉટ થઈને પેવેલિયન પરત ફર્યો હતો, એટલે કે 5 વર્ષ બાદ કોહલી 'ગોલ્ડન ડક'નો શિકાર બન્યો છે. આ સિવાય આ 7મી વખત છે, જ્યારે કોહલી IPLમાં કોઈ રન બનાવ્યા વિના આઉટ થયો છે.
પહેલી જ ઓવરમાં ચમીરાએ 2 વિકેટ ખેરવી હતી
દુષ્મંથા ચમીરાએ લખનઉ તરફથી પ્રથમ ઓવર શરૂ કરી હતી. પ્રથમ ઓવરના પાંચમા બોલ પર ચમીરાએ અનુજ રાવતને કેએલ રાહુલના હાથે કેચ કરાવીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. .
આ પછી કોહલી ક્રીઝ પર બેટિંગ કરવા આવ્યો હતો, પરંતુ બીજા જ બોલ પર વિરાટે ભૂલ કરી અને બેકવર્ડ પોઈન્ટ પર કેચ આપી દીધો. બોલરે કોહલીને ફસાવવા માટે ઓફ-સ્ટમ્પ પર શોર્ટ બોલ ફેંક્યો, જેના પર વિશ્વ ક્રિકેટનો દિગ્ગજ બેટ્સમેન ભૂલ કરી બેઠો અને બોલને બાઉન્ડરી બહાર ફેંકવાના ચક્કરમાં બેકવર્ડ પોઈન્ટ પર દીપક હુડાના હાથે કેચ થઈ ગયો.
કેચ થયા બાદ કોહલી વિશ્વાસ ન કરી શક્યો અને પોતાની જાત પર હસવા લાગ્યો, જાણે કહેતો હોય કે નસીબ જ નથી. કોહલીના આઉટ થયા બાદ ફેન્સ સોશિયલ મીડિયા પર સતત ટ્વીટ કરીને પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.
કોહલી આ સીઝનમાં અત્યારસુધી ફ્લોપ
અત્યારસુધી કોહલી આ સીઝનમાં કંઈ ખાસ કરી શક્યો નથી. તેણે પંજાબ કિંગ્સ સામે પ્રથમ મેચમાં અણનમ 41 રન, KKR સામે 12 રન, રાજસ્થાન સામે 5 રન, મુંબઈ સામે 48 રન, ચેન્નઈ સુપર કિંગ્સ સામે 1, દિલ્હી કેપિટલ્સ સામે 12 અને હવે લખનઉ સામે શૂન્ય રન બનાવ્યા છે. એકંદરે કોહલીની આ સીઝન ખૂબ જ ખરાબ ચાલી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.