IPL 2022માં ગુજરાત ટાઈટન્સનું શાનદાર પ્રદર્શન જારી છે. શુક્રવારે રમાયેલી મેચમાં ગુજરાતે પંજાબ કિંગ્સને 6 વિકેટે હરાવી દીધું. મેચ દરમિયાન છેલ્લી ઓવરોમાં હાઈવોલ્ટેજ ડ્રામા પણ જોવા મળ્યો હતો. છેલ્લી ઓવરના પહેલા બોલમાં હાર્દિક પંડ્યા રન આઉટ થયા બાદ કેપ્ટન સામે છેડે ઉભેલા ડેવિડ મિલર પર રોષે ભરાયો હતો. બાદમાં રાહુલ તેવટિયાએ આવીને આક્રમક ઈનિંગ રમતા મેચ જીતાડી દીધી હતી.
તેણે ડેવિડ મિલરને હાથથી ઈશારો કરી કહ્યું હતું કે રન લેવાની કોઈ જરુર ન હતી. ડેવિડ મિલરે વિકેટકીપરના હાથમાં બોલ હોવા છતા હાર્દિકની સામે જોયા વગર રન માટે દોડી ગયો હતો જેથી હાર્દિક પણ ક્રિઝ છોડી દોડવા લાગ્યો પણ પંજાબના વિકેટકીપર બેયરસ્ટોએ થ્રો કર્યો તો બોલ સીધો સ્ટંપ્સને જઈને વાગ્યો હતો અને કેપ્ટન હાર્દિક પંડ્યા આઉટ થઈ ગયો હતો. ત્યાર બાદ હાર્દિક ગુસ્સે થયો હતો તેની આ પ્રતિક્રિયા સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહી છે. હાર્દિકના આઉટ થયા બાદ પંજાબને લાગતું હતું કે તેમણે મેચ જીતી લીધી છે પણ રાહુલ તેવટિયા આઉટ ઓફ સિલેબસ નીકળ્યો અને આવીને ઝંઝાવતી બે છગ્ગા ફટકારી મેચ જીતાડી દીધી હતી.
ગુજરાતની જીતની હેટ્રિક
આ સિઝનમાં ગુજરાતની 3 મેચમાં સતત ત્રીજી જીત છે અને ટીમ હાલમાં 6 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાન પર છે. ગુજરાતની જીતમાં તેવટિયાના સિક્સર ઉપરાંત શુભમન ગિલે પણ 96 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ પહેલા ટોસ હાર્યા બાદ બેટિંગ કરવા ઉતરેલી પંજાબ કિંગ્સે 9 વિકેટે 189 રન બનાવ્યા હતા. લિયામ લિવિંગસ્ટોન 64 રન સાથે સૌથી વધુ રન સ્કોરર રહ્યો હતો. તે જ સમયે શિખર ધવને 35 રન બનાવ્યા હતા. GT તરફથી રાશિદ ખાને 3 વિકેટ લીધી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.