IPLમાં પ્લેઓફમાં પહોંચવા માટે સંઘર્ષ કરી રહેલી ટીમ ચેન્નઈ સુપર કિંગ્સને ઝાટકો લાગ્યો છે. ટીમનો ઓલરાઉન્ડર ખેલાડી રવીન્દ્ર જાડેજા ઈજાને કારણે IPLમાંથી બહાર થઈ ગયો છે. રિપોર્ટ મુજબ રોયલ ચેલેન્જર્સ બેંગલોરની સાથે મેચ દરમિયાન ફિલ્ડિંગ સમયે તેને ઈજા થઈ હતી. ઈજાને કારણે તે દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ પ્લેઈંગ ઈલેવનમાંથી પણ બહાર હતો.
ચેન્નઈની 3 મેચ બાકી છે
ચેન્નઈના હાલ 8 પોઈન્ટ છે, જ્યારે 3 મેચ બાકી છે. ચેન્નઈ એવી સ્થિતિમાં છે કે તેને બાકીની તમામ મેચ જીતીને14 પોઈન્ટ મેળવવાના છે અને બાકી ટીમનાં પરિણામ પર પણ નિર્ભર રહેવાનું છે. જોકે 4 ટીમના 14 પોઈન્ટ છે, એવામાં રનરેટ પણ મહત્ત્વનો રહેશે.
8 મેચ પછી કેપ્ટનશિપ છોડી હતી
IPL સીઝન શરૂ થયા બાદ 2 દિવસ પહેલાં મહેન્દ્રસિંહ ધોનીએ CSKની કેપ્ટનશિપ રવીન્દ્ર જાડેજાને સોંપી હતી, પણ 8 મેચ પછી જ જાડેજાએ ફરીથી મહેન્દ્રસિંહ ધોનીને કેપ્ટનશિપ સોંપી દીધી. જાડેજાની કેપ્ટનશિપમાં ટીમને બે મેચમાં જ જીત મળી હતી.
આ સીઝનમાં જાડેજાનું પ્રદર્શન ખાસ ન રહ્યું
જાડેજા લીગની હાલની સીઝનમાં CSK માટે ઘણો મોંઘો સાબિત થયો છે. ફ્રેન્ચાઈઝીએ તેને 16 કરોડ રૂપિયાની મોટી રકમ આપીને રિટેન કર્યો હતો. એટલું જ નહીં, તેમને ટીમની કેપ્ટનશિપ પણ સોંપી હતી, પરંતુ જાડેજા ફ્રેન્ચાઈઝી અને ફેન્સની આશા પર યોગ્ય પુરવાર ન થયા. જાડેજાની કેપ્ટનશિપમાં CSKએ આઠમાંથી 6 મેચ ગુમાવી હતી. એટલું જ નહીં, જાડેજાનું પ્રદર્શન પણ ઠીકઠાક જ રહ્યું હતું. તેમને 10 મેચમાં માત્ર 116 રન જ બનાવ્યા છે, જેમાં નોટઆઉટ 26 રન સીઝનના બેસ્ટ છે. જ્યારે બોલિંગની વાત કરવામાં આવે તો આ મેચમાં જાડેજાએ પાંચ જ વિકેટ લીધી છે. તેના લીગના આંકડા પર નજર કરીએ તો આ ખેલાડીએ 210 મેચની 161 ઈનિંગમાં 2502 રન બનાવ્યા છે, જેમાં બે હાફ સેન્ચુરી પણ સામેલ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.