ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) તેના છેલ્લા તબક્કામાં પ્રવેશી ગઈ છે. લીગ તબક્કામાં 70માંથી માત્ર 5 મેચ બાકી છે. બધી ટીમે 13-13 મેચ રમી છે. આ દરમિયાન ટૂર્નામેન્ટના 125 કરોડપતિ ખેલાડીઓમાંથી 29 મોટા ભાગની મેચમાં બેન્ચ પર બેઠા હતા. 2 કરોડથી વધુની કિંમતના 5 ખેલાડી એકપણ મેચ રમ્યા નથી. 4 ખેલાડીઓને માત્ર એક જ મેચ, 3 ખેલાડીએ 2 મેચ રમી, જ્યારે 4 ખેલાડીને માત્ર 3 મેચમાં તક મળી છે.
CSKએ બેન સ્ટોક્સ માટે 16.25 કરોડમાં ટીમમાં સામેલ કર્યો અને તે 2 મેચ જ રમ્યો છે, જ્યારે KKRએ લોકી ફર્ગ્યુસનનેટે 10 કરોડમાં લીધો અને માત્ર 3 મેચ રમાડ્યો છે. 6 કરોડની કિંમતનો શિવમ માવી આખી સીઝનમાં એકપણ મેચ રમી શક્યો નહિ. ગુજરાતે તેને માત્ર 12મા ખેલાડી તરીકે મેદાનમાં ઉતાર્યો હતો અને હવે 9 મેચ જીતીને ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાય પણ થઈ ગઈ છે.
આજની સ્ટોરીમાં આપણે 2 કરોડથી વધુની કિંમતના ટૉપ-10 ખેલાડીઓ વિશે વાત કરીશું, જેઓ ખરાબ પ્રદર્શન, ઈજા અથવા અન્ય કારણોસર ટીમ સાથે રહી શક્યા નથી, પરંતુ મોટા ભાગની મેચમાં વધારાના ખેલાડીઓ તરીકે બેન્ચ પર રહ્યા હતા. આમાં ફક્ત તે જ કરોડપતિ ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જેઓ આ સીઝનમાં માત્ર 3 કે તેથી ઓછી મેચ રમી શક્યા છે.
10 ટીમમાં 125 કરોડપતિ, 25ની કિંમત 10 કરોડથી વધુ
IPLની 10 ટીમમાં કુલ 240 ખેલાડી છે, જેમાં 125 ખેલાડીની કિંમત એક કરોડથી વધુ અને 115 ખેલાડીની કિંમત 20થી 90 લાખની વચ્ચે છે. કરોડપતિઓમાં પણ 25 ખેલાડીએ 10 કરોડથી વધુની કમાણી કરી છે. આમાં શ્રેયસ અય્યર, પ્રસિદ્ધ ક્રિષ્ના અને રિષભ પંત જેવા ખેલાડીઓ સામેલ નથી. કારણ કે આ ખેલાડીઓ કરોડપતિ છે, પરંતુ ઈજાના કારણે આખી સીઝનમાં એકપણ મેચ રમી શક્યા નથી, તેમની જગ્યાએ ટીમે રિપ્લેસમેન્ટ ખેલાડીઓને ટીમમાં સામેલ કર્યા છે.
3 કરોડ+ની કિંમતના 86 ખેલાડીએ 3 કરતાં વધુ મેચ રમી
આ સીઝનમાં 10 કરોડથી વધુની કિંમતના 2 ખેલાડીને તેમની ટીમે 3 કે તેથી ઓછી મેચ આપી હતી. 70 ખેલાડીની કિંમત 3થી 9.90 કરોડની વચ્ચે છે, જેમાંથી 7 ખેલાડી 3થી વધુ મેચ રમી શક્યા નથી. એ જ સમયે 3 કરોડથી વધુની કિંમતના 86 ખેલાડીને તેમની ટીમે 3 કરતાં વધુ મેચમાં રમાડ્યા હતા.
12 ખેલાડીની કિંમત 2થી 2.90 કરોડ રૂપિયાની વચ્ચે છે. આમાંથી માત્ર 5 ખેલાડી જ 3થી વધુ મેચ રમી શક્યા હતા. તો 18 ખેલાડીની કિંમત 1થી 1.90 કરોડ રૂપિયાની વચ્ચે હતી, જેમાંથી 13 ખેલાડીઓને તેમની ટીમે 3 અથવા એનાથી ઓછી મેચમાં તક આપી હતી.
હવે IPLમાં બેન્ચ પર બેઠેલા ટૉપ-10 કરોડપતિ ખેલાડી વિશે જાણીએ...
1. બેન સ્ટોક્સ, CSK | 16.25 કરોડ
ચેન્નઈ સુપરકિંગ્સ (CSK)એ IPLના મિની ઓક્શનમાં ઇંગ્લિશ ઓલરાઉન્ડર બેન સ્ટોક્સને 16.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. સ્ટોક્સને તેના ઓલરાઉન્ડ પ્રદર્શન અને કેપ્ટનશિપના કારણે આટલી મોટી રકમ મળી હતી. CSK તેને કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના રિપ્લેસમેન્ટ તરીકે જોઈ રહી હતી, પરંતુ સ્ટોક્સ આ સીઝનમાં માત્ર 2 મેચ જ રમી શક્યો હતો. તેને કોઈ વિકેટ મળી નહોતી અને તે બેટથી માત્ર 15 રન બનાવી શક્યો હતો.
ઈજાના કારણે તે કેટલીક મેચમાંથી બહાર થઈ ગયો હતો, પરંતુ બાદમાં તેની ઈજા ગંભીર બની ગઈ હતી અને તે ટીમ માટે સતત 11 મેચ રમી શક્યો નહિ. તેની ગેરહાજરીની પણ અસર પડી અને ટીમ 5 મેચ હારી ગઈ હતી. CSK અત્યારે 13 મેચમાં 7 જીત, 5 હાર અને એક ડ્રો સાથે 15 પોઇન્ટ્સ સાથે પોઇન્ટ્સ ટેબલમાં બીજા ક્રમે છે. ટીમની હવે દિલ્હી કેપિટલ્સ સામે એક મેચ બાકી છે. અહેવાલો અનુસાર, સ્ટોક્સ આ મેચમાં પણ ટીમનો ભાગ નહીં હોય અને એ પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટની તૈયારી માટે ઇંગ્લેન્ડ પરત ફરશે.
2. લોકી ફર્ગ્યુસન, KKR | 10 કરોડ
ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર લોકી ફર્ગ્યુસનને કોલકાતા નાઈટ રાઈડર્સે રૂ. 10 કરોડમાં ગુજરાત ટાઇટન્સ પાસેથી ટ્રેડ કર્યો હતો. ફર્ગ્યુસન મિડલ ઓવર્સમાં સતત 150થી વધુની ઝડપે બોલિંગ સાથે વિકેટ લેવા માટે જાણીતો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટના કારણે તે ટીમની પ્રથમ 2 મેચ રમી શક્યો નહોતો. તેને ત્રીજી મેચમાં તક મળી હતી, પરંતુ 3 મેચ રમ્યા બાદ જ તેને બેન્ચ પર બેસાડવામાં આવ્યો હતો.
ફર્ગ્યુસનને જે 3 મેચમાં તક મળી એમાં તે માત્ર એક જ વિકેટ લઈ શક્યો હતો. એટલું જ નહીં, તેણે 12.52ની ઇકોનોમી રેટથી રન પણ આપ્યા હતા. KKRએ તેની જગ્યાએ ડેવિડ વીઝ અને ટિમ સાઉધીને સામેલ કર્યા, પરંતુ આ બન્નેમાંથી કોઈ અસર કરી શક્યા નહીં.
ફર્ગ્યુસનની છેલ્લી 2 સીઝન સારી રહી હતી, તેણે 2021માં 8 મેચમાં 13 અને 2022માં 13 મેચમાં 12 વિકેટ લીધી હતી. આ સીઝનમાં કંઈ ખાસ પ્રદર્શન ન કરવાને કારણે તેની ટીમ ઘણી મેચ પણ હારી ગઈ હતી. KKR હાલમાં 13 મેચમાં 6 જીત અને 7 હાર બાદ 12 પોઇન્ટ્સ સાથે પોઇન્ટ્સ ટેબલમાં 7મા નંબર પર છે. તેની છેલ્લી મેચ લખનઉ સામે છે, તેથી આ 10 કરોડના ખેલાડીને આ મેચમાં તક મળશે કે નહીં એ જોવું મહત્ત્વપૂર્ણ રહેશે.
3. જોશ હેઝલવૂડ, RCB | 7.75 કરોડ
રોયલ ચેલેન્જર્સ બેંગલોરે ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર જોશ હેઝલવૂડને મેગા ઓક્શનમાં 7.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તે નવા બોલને સ્વિંગ કરે છે અને વધુમાં ઇકોનોમિકલ રીતે બોલિંગ કરીને બેટર્સ પર દબાણ બનાવે છે. ઈજાના કારણે ટીમની શરૂઆતની મેચ રમી શક્યો નહોતો, પરંતુ તેને 1 મેના રોજ લખનઉ સામે તક મળી હતી. ટીમે તેને 3 મેચ રમાડી હતી, પરંતુ રાજસ્થાન સામેની છેલ્લી મેચમાં તેને બેન્ચ પર બેસાડ્યો હતો.
તેણે સીઝનની 3 મેચમાં 3 વિકેટ લીધી હતી અને 8.44ની ઇકોનોમી રેટથી રન આપ્યા હતા. RCB હાલમાં 12 મેચમાં 6 જીત અને 6 હાર બાદ 12 પોઇન્ટ્સ સાથે નંબર-5 પર છે. તેની ગુજરાત સામે મેચ બાકી છે. તેને આ મેચમાં તક મળવી મુશ્કેલ લાગી રહી છે, કારણ કે તેના સ્થાને રમી રહેલા વેઇન પાર્નેલ રાજસ્થાન સામેની મેચનો પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો. આવી સ્થિતિમાં RCB ભાગ્યે જ પાર્નેલને પ્લેઇંગ-11માંથી બહાર રાખી શકે એમ છે.
4. ક્વિન્ટન ડી કોક, LSG | 6.75 કરોડ
સાઉથ આફ્રિકાના વિસ્ફોટક ઓપનર ક્વિન્ટન ડી કોકને લખનઉ સુપરજાયન્ટ્સે મેગા ઓક્શનમાં રૂ. 6.75 કરોડમાં ખરીદ્યો હતો. ડી કોક IPLનો સુપરસ્ટાર છે, તેણે ટૂર્નામેન્ટમાં બે સદી સાથે 2500થી વધુ રન બનાવ્યા છે. આંતરરાષ્ટ્રીય મેચને કારણે તે પ્રથમ 2 મેચ રમી શક્યો નહોતો. આ દરમિયાન LSGએ વેસ્ટ ઈન્ડીઝના ઓલરાઉન્ડર કાઇલ મેયર્સને કેપ્ટન કેએલ રાહુલ સાથે ઓપનિંગ મોકલતા હતા.
મેયર્સે બન્ને મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું અને ફિફ્ટી ફટકારીને ટીમને મેચ જિતાડી હતી. મેયર્સનાં કારણે ડી કોક ટીમની 10 મેચ માટે બેન્ચ પર બેઠો હતો. ત્યાર બાદ કેપ્ટન રાહુલ ઈજાના કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો. આવી સ્થિતિમાં ટીમે ઓપનિંગ પોઝિશન પર રાહુલની જગ્યાએ ડી કોકને તક આપી હતી. તેણે પહેલી જ મેચમાં 41 બોલમાં 70 રન બનાવ્યા હતા.
ડી કોકે હવે 3 મેચમાં 153થી વધુની સ્ટ્રાઈક રેટથી 115 રન બનાવ્યા છે. ટીમની એક મેચ બાકી છે, પ્લેઓફમાં પહોંચવા માટે ટીમને કોઈપણ સંજોગોમાં જીતવી જરૂરી છે. આવી સ્થિતિમાં ડી કોક પણ આ મેચમાં રમતા જોવા મળશે.
5. શિવમ માવી, GT | 6.00 કરોડ
IPLની મિની ઓક્શનમાં ગુજરાત ટાઇટન્સે 6 કરોડ રૂપિયાની રકમ ચૂકવીને ભારતીય ઓલરાઉન્ડર શિવમ માવીને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. તે 140થી 150 કિમીની સતત ઝડપે બોલિંગ કરવા અને લાંબી સિક્સર મારવા માટે પણ જાણીતો છે. હરાજી બાદ માવીએ ટીમ ઈન્ડિયા માટે ડેબ્યુ કર્યું અને 2 વિકેટ લેવાની સાથે રન પણ બનાવ્યા હતા, પરંતુ જ્યારે IPL શરૂ થઈ ત્યારે ટાઇટન્સે તેને એક પણ મેચમાં રમાડ્યો નથી.
માવીએ 13માંથી કેટલીક મેચમાં 12મો ખેલાડી બનીને ટીમ માટે ફિલ્ડિંગ કરી હતી, પરંતુ તેને પ્લેઇંગ-11માં સામેલ કર્યો નથી. ઇમ્પેક્ટ પ્લેયર તરીકે પણ તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો નહોતો. હવે તેની ટીમ 13 મેચમાં 9 જીત બાદ 18 પોઇન્ટ્સ સાથે પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ગઈ છે. ટીમની બેંગલોર સામે એક મેચ બાકી છે, આવી સ્થિતિમાં તેને મેચ રમવાની તક મળી શકે છે.
6. ચેતન સાકરિયા, DC | 4.20 કરોડ
દિલ્હી કેપિટલ્સે મેગા ઓક્શનમાં ભારતીય લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર ચેતન સાકરિયાને રૂ. 4.20 કરોડમાં ખરીદ્યો હતો. સાકરિયા બોલને બન્ને રીતે સ્વિંગ કરવામાં તેમજ સ્લો બોલિંગ કરવામાં માહેર છે. દિલ્હીએ તેને સીઝનની પહેલી જ મેચમાં તક આપી હતી. તેણે 2 વિકેટ પણ લીધી, પરંતુ સ્પેલની 4 ઓવરમાં 53 રન આપ્યા હતા.
પહેલી જ મેચમાં વધુ રન આપવા બદલ દિલ્હીએ તેને બેન્ચ પર બેસાડ્યો હતો. તેની જગ્યાએ ક્યારેક ખલીલ અહેમદ તો ક્યારેક મુકેશ કુમારને પ્લેઇંગ-11માં સામેલ કરવામાં આવ્યા હતા. ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર છે, પરંતુ CSK સામે તેની 1 મેચ બાકી છે. આવી સ્થિતિમાં દિલ્હી સાકરિયાને પ્રયોગ કરવાની તક આપી શકે છે.
7. કાર્તિક ત્યાગી, SRH | 4 કરોડ
2020ના અંડર-19 વર્લ્ડ કપમાં પોતાની સ્પિડથી છાપ છોડનાર કાર્તિક ત્યાગીને સનરાઇઝર્સ હૈદરાબાદે મેગા ઓક્શનમાં 4 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. કાર્તિક સતત 140થી વધુની ઝડપે બોલિંગ કરે છે અને તેણે તેની ચોક્કસ લાઇન લેન્થ માટે ક્રિકેટ નિષ્ણાતો તરફથી પ્રશંસા મેળવી છે.
ઈજાના કારણે તે શરૂઆતની મેચ રમી શક્યો નહોતો, પરંતુ પ્લેઇંગ-11માં ભુવનેશ્વર કુમાર, થંગારાસુ નટરાજન, માર્કો જેન્સન અને ઉમરાન મલિક જેવા બોલરોને કારણે તેણે પોતાની ટીમની મોટા ભાગની મેચ બેન્ચ પર બેસીને જોવી પડી હતી. કાર્તિકને પણ એક મેચમાં તક મળી હતી, પરંતુ તેણે 2 ઓવરમાં 30 રન આપીને 1 વિકેટ લીધી હતી. SRH હવે 13 મેચમાં 4 જીત અને 9 હારથી 8 પોઇન્ટ્સ સાથે પ્લેઓફની રેસમાંથી બહાર છે. તેમની મુંબઈ સામે મેચ બાકી છે.
8. આર. સાંઈ કિશોર, GT
મેગા ઓક્શનમાં ગુજરાત ટાઇટન્સે અનકેપ્ડ લેફ્ટ આર્મ સ્પિનર આર. સાંઈ કિશોરને 3 કરોડ રૂપિયામાં ખરીદીને બધાને ચોંકાવી દીધા હતા. ટીમે તેને છેલ્લી સીઝનની 5 મેચમાં તક આપી હતી, જેમાં તેણે માત્ર 7.56ની ઈકોનોમી સાથે 6 વિકેટ પણ લીધી હતી, પરંતુ આ સીઝનમાં તેને એકપણ મેચમાં તક મળી નથી.
ટીમ અત્યારે રાશિદ ખાન અને નૂર અહેમદના રૂપમાં 2 સ્પિનરને લઈ રમી રહી છે. આ કારણે સાંઈ કિશોરને પ્લેઇંગ-11માં આવવાની તક મળી નથી. ગુજરાત પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ગયું છે, તેથી ટીમ લીગ તબક્કાની છેલ્લી મેચમાં સાંઈ કિશોર સામે રમાડી શકે છે.
9. ડેવાલ્ડ બ્રેવિસ, MI | 3 કરોડ
મુંબઈ ઈન્ડિયન્સે સાઉથ આફ્રિકાના અંડર-19 સ્ટાર અને બેબી એબી ડી વિલિયર્સ તરીકે પ્રખ્યાત ડેવાલ્ડ બ્રેવિસને રૂ. 3 કરોડમાં ખરીદ્યો હતો. બ્રેવિસ મોટા શોટ મારવા અને ઊંચા સ્ટ્રાઈક રેટ પર બેટિંગ કરવા માટે જાણીતો છે. તેને ગત સીઝનમાં 7 મેચમાં તક મળી હતી, પરંતુ તે આ સીઝનમાં MI માટે એકપણ મેચ રમી શક્યો નહોતો.
બ્રેવિસની જગ્યાએ મુંબઈએ મિડલ ઓર્ડરમાં તિલક વર્મા, નેહલ વાઢેરા અને કેમરુન ગ્રીનને તક આપી હતી. ત્રણેય ખેલાડીઓએ અત્યારસુધી શાનદાર પ્રદર્શન કર્યું છે અને બ્રેવિસને પ્લેઇંગ-11માં પ્રવેશવા દીધો નથી. મુંબઈ અત્યારે 12 મેચમાં 7 જીત અને 5 હાર બાદ 14 પોઇન્ટ્સ સાથે નંબર-3 પર છે. તેમની પાસે 2 મેચ બાકી છે, પ્લેઓફમાં પહોંચવા માટે બન્નેમાં જીત જરૂરી છે. આવી સ્થિતિમાં બ્રેવિસ માટે તક મળવી મુશ્કેલ છે.
10. રોવમેન પોવેલ, DC | 2.80 કરોડ
વેસ્ટ ઈન્ડીઝના રોવમેન પોવેલને દિલ્હી કેપિટલ્સે મેગા ઓક્શનમાં રૂ. 2.80 કરોડમાં ખરીદ્યો હતો. પોવેલ આન્દ્રે રસેલ જેવા લાંબા શોટ રમવાની સાથે તે બોલિંગ પણ કરે છે. છેલ્લી સીઝનમાં તેણે ટીમ માટે આખી 14 મેચ રમી હતી અને લગભગ 150ની સ્ટ્રાઈક રેટથી સ્કોર કર્યો હતો.
આ સીઝનમાં પોવેલ ટીમની પ્રથમ 3 મેચ રમ્યો હતો, પરંતુ 9 બોલમાં માત્ર 7 રન જ બનાવી શક્યો હતો. ત્રણેય વખત તે સ્પિનરનો શિકાર બન્યો, જેના કારણે ટીમે તેને બાકીની મેચમાં બેન્ચ પર બેસાડ્યો છે. આ મેચમાં તે બોલિંગમાં માત્ર એક જ વિકેટ લઈ શક્યો હતો. જોકે દિલ્હી પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે, પરંતુ આગામી સીઝનની તૈયારીઓને ધ્યાનમાં રાખીને તેને છેલ્લી મેચમાં તક મળે એવી શક્યતા છે.
આ ખેલાડીઓ પણ બેન્ચ પર બેસ્યા છે
ટોચના-10 કરોડપતિ ખેલાડીઓ સિવાય, 2થી 3 કરોડ રૂપિયાની કિંમતના 6 ખેલાડી પણ હતા, જે ફક્ત 2 અથવા એનાથી ઓછી મેચમાં ટીમનો ભાગ બની શક્યા છે. મેથ્યુ વેડને રૂ. 2.40 કરોડમાં અને રાજ બાવાને રૂ. 2 કરોડમાં આ સીઝનમાં તેમની ટીમે એકપણ મેચમાં રમાડ્યા નથી.
વિવ્રાંત શર્મા અને નવદીપ સૈની, જેની કિંમત રૂ. 2.60 કરોડ હતી, તેમની ટીમે 1-1 મેચમાં તક આપી હતી. તો, 2-2 કરોડના આદિલ રાશિદ અને મુસ્તફિઝુર રહેમાન માત્ર 2 મેચ રમી શક્યા છે.
રબાડાને પણ પ્લેઇંગ-11માં સ્થાન નહોતું
ટોચના કરોડપતિ ખેલાડીઓ સિવાય 3 ખેલાડી એવા હતા, જેમને હરાજીમાં 7 કરોડથી વધુની રકમ મળી હતી, પરંતુ તેઓ ટીમ માટે પાંચથી વધુ મેચ રમી શક્યા નથી. આમાં સૌથી મોટું નામ સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર કાગીસો રબાડાનું છે. તેના સિવાય ઇંગ્લિશ પેસર માર્ક વૂડ અને જોફ્રા આર્ચર પણ પોતાની ટીમ માટે વધુ મેચ રમી શક્યા નથી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.