BCCIએ UAEમાં આયોજિત IPL ફેઝ-2ની મેચ માટે 46 પાનાંની એક હેલ્થ એડવાઈઝરી જાહેર કરી છે, જેમાં નવા નિયમો સહિત સિક્સ મારવા પર બોલ બદલવાનો ઉલ્લેખ કરાયો છે. એવામાં 19 સપ્ટેમ્બરથી શરૂ થનાર IPL ફેઝ-2ની વાત કરીએ તો એમાં ક્રિસ ગેલ, એબી ડી વિલિયર્સથી લઈને રોહિત શર્મા જેવા આક્રમક બેટ્સમેન બોલને સીધો સ્ટેન્ડમાં ડિલિવર કરવાની ક્ષમતા ધરાવે છે. એવામાં ફોર્થ અમ્પાયરનું કામ જરૂર વધી જશે. વળી, બીજી બાજુ, BCCI પણ ફેઝ-2માં કોઇપણ પ્રકારની બેદરકારી દાખવવા માગતું નથી. તો ચલો, આપણે IPL માટે જાહેર કરાયેલી નવી ગાઇડલાઇન્સ અંગે માહિતી મેળવીએ......
BCCI સુરક્ષાને લઈને કોઈપણ પ્રકારની બાંધછોડ નહીં કરે
IPL 2021ના પહેલા ફેઝમાં કોરોનાએ પગપેસારો કરતાં લીગને સ્થગિત કરવાની ફરજ પડી હતી, જેને કારણે હવે BCCI ખેલાડીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કોઇપણ પ્રકારની બાંધછોડ કરવા માગતું નથી, તેથી જ તેણે 46 પાનાંની હેલ્થ એડવાઈઝરી બહાર પાડીને એક સુરક્ષિત બાયો-બબલનું વાતાવરણ ઊભું કરવાનું પ્લાનિંગ કર્યું છે.
નવા નિયમ પ્રમાણે સિક્સ મારશો તો બોલ બદલવો પડશે
મીડિયા રિપોર્ટના આધારે, જો કોઇ ખેલાડી સિક્સ મારશે તો એ બોલનો ફરીથી ઉપયોગ કરાશે નહીં. BCCIએ હેલ્થ એડવાઇઝરીમાં ઉલ્લેખ કર્યો છે કે બોલ સ્ટેન્ડ્સમાં જશે ત્યાર પછી ફોર્થ અમ્પાયર એ બોલને પોતાની પાસે રાખી લેશે અને નવા બોલ દ્વારા ગેમ શરૂ કરાશે.
બીજી બાજુ, ફોર્થ અમ્પાયર સ્ટેન્ડ્સમાં પહોંચેલા બોલને સેનિટાઈઝ કરીને ફરીથી વપરાશ થઈ શકે એના માટે 'બોલ લાઇબ્રેરી'માં મૂકી દેશે.
IPL ફેઝ-2માં દર્શકોને પ્રવેશ આપવા અંગે વિચારણા
BCCIએ જણાવ્યું હતું કે IPLમાં ભાગ લેનાર તમામ ખેલાડી અને સ્ટાફનું વેક્સિનેશન થયું હોવું જોઇએ. એવામાં અનુમાન લગાવાઈ રહ્યું છે કે UAEમાં આયોજિત ફેઝ-2મા વેક્સિનના બંને ડોઝ લીધા હોય એવા દર્શકોને પ્રવેશ અપાઈ શકે છે. આ વાતને ધ્યાનમાં રાખીને જ BCCIએ સિક્સ માર્યા પછી નવા બોલ સાથે મેચ રમવાના નિયમને લાગુ કર્યો હોય એવી ચર્ચાએ જોર પકડ્યું છે.
BCCIના હેલ્થ એન્ડ સેફટી પ્રોટોકોલ અંતર્ગત જો કોઇ ખેલાડી અથવા અન્ય સ્ટાફ મેમ્બર કોરોના વાઇરસથી સંક્રમિત થાય તો તેને ઓછામાં ઓછા 10 દિવસ સુધી આઇસોલેશનમાં રહેવું પડશે. આ સમયગાળા દરમિયાન સંક્રમિત સભ્યનો 9મા અને 10મા દિવસે RT-PCR ટેસ્ટ કરાશે. જો આ બંને ટેસ્ટના રિપોર્ટ નેગેટિવ આવ્યા તો જ એ ખેલાડી કે સ્ટાફ મેમ્બરને ટીમના બાયો-બબલમાં સામેલ કરાશે.
સંક્રમિત સભ્યે કોઇપણ પ્રકારની દવાનું સેવન કર્યા વિના RT-PCR ટેસ્ટ કરાવવાનો રહેશે
કોરોના નેગેટિવ આવ્યા પછી પણ જો એ સભ્યમાં રોગનાં લક્ષણો જણાશે તો તેને ટીમના બાયોૃબબલમાં સામેલ નહીં કરાય.
IPL ફેઝ-2 માટે 14 બાયો-બબલ તૈયાર કરાશે
IPL ફેઝ-2ની ઓપનિંગ મેચ ધોની અને રોહિતની ટીમ વચ્ચે રમાશે
IPL ફેઝ-1 પોઝિટિવ કેસ આવતાં સ્થગિત, ફેઝ-2 19 સપ્ટેમ્બરથી શરૂ થશે
તમને જણાવી દઇએ કે IPLનો પહેલો ફેઝ 9 એપ્રિલ 2021થી શરૂ થયો હતો, જેની ઓપનિંગ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચે રમાઈ હતી, જેમાં RCBની જીત થઈ હતી. જોકે IPLની 14મી સીઝનમાં 29 મેચ રમાયા પછી અલગ-અલગ ટીમના ખેલાડી કોરોના સંક્રમિત આવતાં લીગને સ્થગિત કરવાની ફરજ પડી હતી. હવે લીગનો સેકન્ડ ફેઝ 19 સપ્ટેમ્બરે UAEમાં રમાશે.
IPL 2022માં BCCI બે નવી ટીમને સામેલ કરી શકે છે
દિલ્હીમાં BCCI અને IPL ઓફિશિયલ્સે એક બેઠક કરી હતી, જેમાં નવી ટીમથી લઇને IPL 2022ના આયોજન અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી. જોકે મીડિયા અહેવાલોના આધારે જાણવા મળ્યું છે કે આના માટે બંને પક્ષે ટેન્ડર પેપર ડોક્યુમેન્ટ્સની પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે.
આના સિવાય 8 ટીમ માત્ર 3 ખેલાડીને રાઈટ ટુ મેચ કાર્ડ (RTM) દ્વારા IPL 2022ના મેગા ઓક્શનમાં રિટેન કરી શકશે એવી ચર્ચા થઈ રહી છે. જોકે હજુ સુધી આ અંગે BCCI અથવા IPL ઓફિશિયલ્સે કોઇ સત્તાવાર નિવેદન આપ્યું નથી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.