ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 69મી લીગ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 8 વિકેટે હરાવ્યું હતું. ટીમે 18 ઓવરમાં 201 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો. કેમરૂન ગ્રીને IPL કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી. આકાશ મેધવાલે પહેલી ઈનિંગમાં 4 વિકેટ ઝડપી હતી.
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા SRHએ વાનખેડે સ્ટેડિયમ ખાતે 20 ઓવરમાં 5 વિકેટે 200 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈએ 18 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કર્યો હતો.
પ્લેઓફમાં કેવી રીતે પહોંચશે મુંબઈ?
SRH પરની જીત બાદ, MI 16 પોઈન્ટ સાથે નંબર-4 પર પહોંચી ગયું છે. પરંતુ પ્લેઓફ માટે ક્વોલિફાય થવા માટે લીગ તબક્કાની છેલ્લી મેચમાં RCB તેમને હરાવવાની રાહ જોવી પડશે. અથવા વરસાદને કારણે મેચ રદ્દ થઈ જાય તો પણ મુંબઈ ક્વોલિફાય થશે. બેંગ્લોર જીતશે તો મુંબઈ બહાર થઈ જશે.
ગ્રીનની 20 બોલમાં ફિફ્ટી
પાવરપ્લેમાં કિશનની વિકેટ પડી ગયા બાદ કેમરન ગ્રીન મુંબઈ તરફથી નંબર-3 પર બેટિંગ કરવા આવ્યો હતો. તેણે શરૂઆતની ઓવરોમાં મોટા શોટ લગાવ્યા અને કેપ્ટન રોહિત શર્મા સાથે ભાગીદારી કરી હતી. ત્યાર બાદ તેણે માત્ર 20 બોલમાં સિઝનમાં તેની ત્રીજી અડધી સદી પણ ફટકારી હતી.
રોહિતે મુંબઈ માટે 5000 રન પૂરા કર્યા
મુંબઈના કેપ્ટન રોહિત શર્માએ બીજી ઇનિંગમાં પોતાના 34મા રન સાથે મુંબઈ ઈન્ડિયન્સ માટે 5000 રન પૂરા કર્યા હતા. IPLમાં તેના 6100થી વધુ રન છે. પરંતુ બાકીના રન તેણે ડેક્કન ચાર્જર્સ ફ્રેન્ચાઈઝી માટે બનાવ્યા છે. રોહિતે પણ 33 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી, જે આ સિઝનમાં તેની બીજી ફિફ્ટી છે.
પાવરપ્લેમાં ઈશાનની વિકેટ પડી
201 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી મુંબઈએ ત્રીજી ઓવરમાં જ ઈશાન કિશનની વિકેટ ગુમાવી દીધી હતી. તેના પછી ઉતરેલા કેમરન ગ્રીને કેપ્ટન રોહિત શર્મા સાથે ઇનિંગ્સને સંભાળી હતી. બંનેએ 6 ઓવરમાં ટીમનો સ્કોર 60 સુધી પહોંચાડ્યો હતો.
મયંક અને વિવ્રાંત સિવાય SRHના બાકીના બેટર્સ ચાલ્યા જ નહીં
SRH ઓપનર મયંક અગ્રવાલ અને વિવ્રાંત શર્માએ 140 રનની ભાગીદારી કરી હતી. મયંકે 83 અને વિવંતે 69 રન બનાવ્યા હતા. SRH તરફથી હેનરિક ક્લાસેને 13 બોલમાં 18 રન, ગ્લેન ફિલિપ્સે 4 બોલમાં 1 રન, સનવીર સિંહે 3 બોલમાં 4 અને એડન માર્કરમે 7 બોલમાં 13 રન બનાવ્યા હતા. હેરી બ્રુક ગોલ્ડન ડક આઉટ થયો હતો. મુંબઈ તરફથી મેઢવાલે 4 વિકેટ ઝડપી હતી જ્યારે ક્રિસ જોર્ડનને એક વિકેટ મળી હતી.
મયંક સદી ચૂકી ગયો
મયંક અગ્રવાલે 32 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. આ તેની IPL કારકિર્દીની 13મી અને આ સિઝનની પ્રથમ ફિફ્ટી હતી. તે 46 બોલમાં 83 રન બનાવીને આઉટ થયો હતો, આ ઇનિંગમાં તેણે 8 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. મયંક અગ્રવાલ 17મી ઓવરમાં જ આઉટ થઈ ગયો, જો તે થોડી વધુ ઓવર બચી ગયો હોત તો IPLમાં તેની બીજી સદી પૂરી કરી લેત.
વિવ્રાંત ફિફ્ટી બનાવીને આઉટ થયો
SRH તરફથી સિઝનની માત્ર ચોથી મેચ રમી રહેલા વિવ્રાંત શર્માએ 36 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. આ તેની IPL કારકિર્દીની પ્રથમ ફિફ્ટી છે.
વિવ્રાંત અને મયંક વચ્ચે સદીની ભાગીદારી
તેણે પાવરપ્લેમાં મયંક અગ્રવાલ સાથે શાનદાર શરૂઆત કર્યા પછી બન્ને વચ્ચે પહેલી વિકેટ માટે 140 રનની પાર્ટનરશિપ પણ થઈ હતી. મયંક અગ્રવાલે પણ 32 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. આ તેની IPL કારકિર્દીની 13મી અને આ સિઝનની પ્રથમ ફિફ્ટી છે.
પાવરપ્લેમાં SRHએ વિકેટ ગુમાવી નહોતી
ટોસ હાર્યા બાદ સનરાઇઝર્સ હૈદરાબાદે નવા ઓપનિંગ કોમ્બિનેશનનો પ્રયાસ કર્યો હતો. ટીમે મયંક અગ્રવાલને વિવ્રાંત શર્માની સાથે ઇનિંગ્સની શરૂઆત કરવા મોકલ્યો હતો. બંનેએ ટીમને મજબૂત શરૂઆત અપાવી અને 6 ઓવરમાં વિકેટ ગુમાવ્યા વિના 53 રન જોડ્યા હતા.
બન્ને ટીમની પ્લેઇંગ-11 અને ઇમ્પેક્ટ પ્લેયર્સ
મુંબઈ ઈન્ડિયન્સ (MI): રોહિત શર્મા(કેપ્ટન), ઈશાન કિશન(વિકેટકીપર), કેમરૂન ગ્રીન, સૂર્યકુમાર યાદવ, ટિમ ડેવિડ, નેહલ વાઢેરા, ક્રિસ જોર્ડન, પીયુષ ચાવલા, જેસન બેહરેનડોર્ફ, કુમાર કાર્તિકેય અને આકાશ મેઢવાલ.
ઇમ્પેક્ટ પ્લેયર્સ: મયંક માર્કન્ડે, અભિષેક શર્મા, રાહુલ ત્રિપાઠી, અકેલ હોસેન, અબ્દુલ સમાદ.
સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH): એડન માર્કરમ (કેપ્ટન), મયંક અગ્રવાલ, વિવ્રાંત શર્મા, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), હેરી બ્રુક, નીતીશ રેડ્ડી, ગ્લેન ફિલિપ્સ, સનવીર સિંહ, મયંક ડાગર, ભુવનેશ્વર કુમાર અને ઉમરાન મલિક.
ઇમ્પેક્ટ પ્લેયર્સ: રમણદીપ સિંહ, વિષ્ણુ વિનોદ. ટ્રિસ્ટન સ્ટબ્સ, તિલક વર્મા, સંદીપ વોરિયર.
પ્રી-મેચ રિપોર્ટ્સ વાંચો...
મુંબઈને મોટી જીતની જરૂર
મુંબઈએ આ સિઝનમાં અત્યાર સુધીમાં 13 મેચ રમી છે. જેમાં તેણે સાતમાં જીત અને છ મેચ હારી હતી. ટીમના 14 પોઇન્ટ્સ છે. ટીમને પ્લેઓફની રેસમાં ટકી રહેવા માટે 80થી વધુ રનની જીતની જરૂર છે. તે જ સમયે, તેઓ ઈચ્છે છે કે જો તેઓ સાંજની મેચ જીતી જાય તો પણ બેંગ્લોરના રન રેટ તેમનાથી વધુ ન હોવો જોઈએ.
હૈદરાબાદ સામેની ટીમના 4 વિદેશી ખેલાડીઓ કેમરૂન ગ્રીન, ટિમ ડેવિડ, ક્રિસ જોર્ડન અને જેસન બેહરનડોર્ફ હોઈ શકે છે. આ સિવાય સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન અને પીયુષ ચાવલા જેવા ખેલાડીઓ શાનદાર ફોર્મમાં છે.
હૈદરાબાદ 13માંથી માત્ર ચાર મેચ જીતી શક્યું
હૈદરાબાદે આ સિઝનમાં અત્યાર સુધી 13 મેચ રમી છે. જેમાં તે માત્ર ચાર જ જીતી હતી અને નવ મેચ હારી ગઈ હતઈ. ટીમના આઠ પોઇન્ટ્સ છે અને તે પોઇન્ટ્સ ટેબલમાં તળિયે રહીને પ્લેઓફની રેસમાંથી બહાર છે.
મુંબઈ સામેની ટીમના 4 વિદેશી ખેલાડીઓ એડન માર્કરમ, હેનરિક ક્લાસેન, હેરી બ્રુક અને ગ્લેન ફિલિપ્સ હોઈ શકે છે.
હૈદરાબાદ પર મુંબઈ ભારે
હેડ ટુ હેડની વાત કરીએ તો મુંબઈ અને હૈદરાબાદ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 20 મેચ રમાઈ છે. જેમાં મુંબઈએ 11 મેચ અને હૈદરાબાદે 9 મેચ જીતી છે.
પિચ રિપોર્ટ
વાનખેડે સ્ટેડિયમની પિચ હંમેશા બેટર્સના પક્ષમાં રહી છે. અને આ મેદાન પર બોલરોએ ઘણી મહેનત કરવી પડશે.
હવામાન સ્થિતિ
રવિવારે મુંબઈનું વાતાવરણ ગરમ રહેવાનું છે. આ દિવસનું તાપમાન 28થી 34 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેશે. વાદળછાયું વાતાવરણ રહેશે, વરસાદની કોઈ શક્યતા નથી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.