IPLએ ઈન્ડિયન ક્રિકેટનો જીર્ણોદ્ધાર કર્યો:ભારતીય ટીમે 2008 પછી 22% વધુ મેચ જીતી, BCCIની આવકમાં 273%ની વૃદ્ધિ નોંધાઈ; ખેલાડીઓની ફી પણ 12 ગણી વધી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • IPLને પરિણામે ત્રણેય ફોર્મેટમાં ભારતીય ટીમનું પ્રદર્શન સુધર્યું, વિનિંગ રેટમાં વધારો નોંધાયો
  • ઈન્ડિયન ટીમનો ટેસ્ટમાં 29%, વનડેમાં 15% અને T20માં 2%નો વિનિંગ રેટમાં વધારો નોંધાયો છે
  • IPLમાં આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ સાથે રમવાથી યુવા ક્રિકેટરોમાં ફિયર ફેક્ટર નાબૂદ થયું

IPL એટલે કે ઈન્ડિયન પ્રીમિયર લીગને 13 વર્ષ પૂરાં થવા જઈ રહ્યાં છે, જેને દુનિયાભરમાં ક્રિકેટ, ક્રિકેટર્સ અને ક્રિકેટબોર્ડ ઉપર મોટી અસર ઊપજાવી છે. અત્યારે લગભગ વિવિધ દેશોના ક્રિકેટ બોર્ડ પણ IPLના કાર્યક્રમના આધારે તેમના મેચની સૂચિ તૈયાર કરે છે, કારણ કે તેમના દેશના ખેલાડીઓ IPLને પ્રથમ પ્રાધાન્ય આપે છે. કેટલાક વૈશ્વિક સ્તરના ખેલાડીઓએ જણાવ્યું હતું કે અમારી નેશનલ ટીમની મેચની તારીખો અગર IPLના માળખા સાથે ક્લેશ થશે તો અમે પ્રથમ IPLમાં રમવાનું પસંદ કરીશું.

ધારણા અનુસાર, IPLનો સૌથી વધુ ફાયદો ભારતીય ક્રિકેટ, ક્રિકેટર્સ અને BCCIને થયો હતો. આ એક સકારાત્મક બદલાવ છે, જેને પરિણામે ભારતના ખેલાડીઓને એક અલગ ઓળખ અને માન-સન્માન મળ્યું છે. IPLથી તેમની આવકની સાથે ક્રિકેટનું પ્રદર્શન અને ગેમ પ્લાનમાં પણ સકારાત્મક બદલાવ જોવા મળ્યો હતો.

તો ચલો, આજે આ તમામ માહિતીનું વિગતવાર વિશ્લેષણ કરીએ... દુનિયાની સૌથી મોટી અને પ્રખ્યાત ક્રિકેટ લીગ IPLના પરિણામે 13 વર્ષમાં ભારતીય ક્રિકેટમાં કેટલો બદલાવ આવ્યો....

ત્રણેય ફોર્મેટમાં ભારતીય ટીમનું પ્રદર્શન સુધર્યું
IPLના આગમન પૂર્વે ભારતીય ટીમનો ત્રણેય ફોર્મેટમાં જીત મેળવવાનો સરેરાશ આંક 38% હતો. ત્યાર પછી પહેલા સીઝન પછી એટલે કે 2008 બાદ ભારતનો વિનિંગ રેટ 22% વધી ગયો હતો. ત્યારથી લઈને અત્યારસુધી ભારતે 60% મેચ જીતી છે. ચલો, હવે આને ત્રણેય ફોર્મેટમાં તારવીને વિશ્લેષણ કરીએ...

ટેસ્ટમાં ભારતનો વિનિંગ રેટ 22%થી 51% પર પહોંચ્યો
ભારતીય ટીમે ટેસ્ટ ક્રિકેટમાં IPL શરૂ થઈ એ પહેલાં 76 વર્ષોમાં 418 મેચ રમી હતી, જેમાંથી લગભગ 22%ના વિનિંગ રેટથી 94 મેચ પર ભારતીય ટીમે વિજળ મેળવ્યો હતો. લીગની શરૂઆતથી લઈને અત્યારસુધી, એટલે 13 વર્ષમાં ભારતીય ટીમે 132 ટેસ્ટમેચ રમી છે, જેમાંથી 51% વિનિંગ રેટની સાથે ભારતે 68 મેચ પર જીત પ્રાપ્ત કરી છે.

વનડેમાં જીત પ્રતિશત 47%થી વધીને 62% થઈ
હવે વનડેની વાત કરીએ તો IPL પહેલાં ભારતીય ટીમે 34 વર્ષમાં 682 મેચ રમી હતી, જેમાં 47% વિનિંગ રેટ સાથે ભારતે 323 વનડેમાં જીત પ્રાપ્ત કરી હતી. IPLની શરૂઆત પછી 13 વર્ષમાં ભારતે 311 વનડે મેચ રમી છે, જેમાં ભારતે 62% વિનિંગ રેટ સાથે 193 મેચ પર વિજય મેળવ્યો હતો.

T20માં ભારતની જીત પ્રતિશત 60%થી 62% થઈ
IPLની શરૂઆત થઈ એ પહેલા ભારતે માત્ર 10 T20મેચ રમી હતી, જેમાંથી 6માં જીત પ્રાપ્ત કરી હતી, એટલે કે આંકડાઓના હિસાબે ભારતનો વિનિંગ રેટ 60% હતો. IPL લીગની શરૂઆત પછી ભારતે 132 T20 મેચ રમી છે, જેમાં 62%ના વિનિંગ રેટ સાથે ભારતે 82 મેચ પર વિજય મેળવ્યો હતો.

આમ, IPL લીગને કારણે ભારતીય ક્રિકેટ ટીમનું પ્રદર્શન પણ આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ સારું થયું હતું.

આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ સાથે રમવાથી ફિયર ફેક્ટર નાબૂદ થયું
IPLમાં દુનિયાભરના ટેલન્ટેડ ક્રિકેટરો ભાગ લેતા હોય છે. ભારતીય ટીમના ખેલાડીઓને લગભગ 2 મહિના સુધી તેમની સાથે રહેવાનો અને નેટ્સમાં પ્રેક્ટિસ કરવાનો સમય મળે છે. આ પ્રમાણેના માહોલથી દેશના યુવા ખેલાડીઓને સૌથી વધારે ફાયદો થાય છે, કારણ કે આંતરરાષ્ટ્રીય ખેલાડીઓની સાથે નેટ્સમાં અને ફિલ્ડમાં ગેમ રમવાની તક મળવાથી તેમને પણ નવી શીખ અને અનુભવો મળતા રહે છે.

આગળ જતા જ્યારે તેઓ ભારતની ટીમમાં આંતરરાષ્ટ્રીય સ્તરે રમવા માટે ઊતરે છે, ત્યારે તેમને પ્રતિસ્પર્ધી ખેલાડીઓથી ભય લાગતો નથી. તેની સાથે IPLમાં વિદેશી ખેલાડીઓની ગેમને સમજીને આંતરરાષ્ટીય ટૂર્નામેન્ટ્સમાં પણ ભારતીય ગેમ પ્લાનર્સને રણનીતિ બનાવવામાં ઘણી સહાયતા રહે છે.

BCCIની 67% આવક IPLથી થાય છે
IPLના આરંભ પહેલાં BCCI દુનિયાનું સૌથી અમીર ક્રિકેટ બોર્ડ હતું, પરંતુ આ લીગના આગમનની સાથે BCCIનું અને અન્ય બોર્ડના આર્થિક સ્તરે સધ્ધરતામાં અંતર ઘણુંબધું વધી ગયું છે. અત્યારની વાત કરીએ તો ભારતીય ક્રિકેટ બોર્ડની કુલ આવકના 67% ધનરાશિ તો માત્ર IPLથી જ પ્રાપ્ત થાય છે.

BCCIએ તેના વાર્ષિક અહેવાલમાં જણાવ્યું હતું કે 2019-20માં તેને કુલ 3730 કરોડ રૂપિયાની આવક થઈ હતી, જેમાંથી 2500 કરોડ રૂપિયાની કમાણી તો માત્ર IPLથી થઈ હતી. IPLની શરૂઆત પૂર્વે એટલે કે 2007માં BCCIની આવક 1 હજાર કરોડ રૂપિયા નોંધાઈ હતી, એટલે કમાણીની તુલના કરીએ IPLના આગમન પછી BCCIની આવકમાં 273%નો વધારો થયો છે. ત્યાં IPLમાંથી થતી અન્ય કમાણીમાં 13 વર્ષની અંદર 23%ની વૃદ્ધિ થઈ છે.

2020-21ની રિપોર્ટ હજુ સુધી આવ્યો નથી. વિશેષજ્ઞોના આધારે જોવા જઈએ તો આ વર્ષની કમાણી ગત વર્ષોની તુલનામાં થોડી ઓછી જણાશે. 2020ની IPL કોરોના મહામારીને કારણે દુબઈમાં યોજાઈ હતી.

IPL આવ્યા પછી ખેલાડીઓની આવક 1000% વધી
IPLને કારણે બોર્ડની કમાણીમાં પણ વૃદ્ધિ થતાં BCCIએ પણ નેશનલ કોન્ટ્રેક્ટ પ્રાપ્ત કરનાર ખેલાડીઓની ફીને 12 ગણી વધારી દેવામાં આવી હતી. 2007માં ટોપ લેવલના કોન્ટ્રેક્ટ મેળવનાર ખેલાડીઓને 60 લાખની ફી અપાતી હતી, હવે આ રાશિ 7 કરોડ રૂપિયા કરાઈ છે.

ઘરેલું ક્રિકેટમાં પણ ક્રિકેટરોની ફીમાં વધારો કરાયો છે. 2006માં રણજી ટ્રોફીની મેચ ફી 16 હજાર રૂપિયા હતી. અત્યારસુધી તમામ આવકનાં ભથ્થાંનો સરવાળો કરીએ તો રણજી મેચની ફી 2 લાખ રૂપિયા સુધી પ્રાપ્ત થાય છે. આના સિવાય BCCIએ 2012માં 100 અથવા તેથી વધુ મેચ રમનાર તમામ ખેલાડીઓને 30-30 લાખ રૂપિયા આપ્યા હતા. 75થી 99 મેચ રમી ચૂકેલા ખેલાડીઓને 25 લાખ અને એનાથી ઓછી મેચ રમનારા ખેલાડીઓને 20 લાખ રૂપિયા અપાયા હતા.