ધ એડવર્ટાઈઝિંગ સ્ટાન્ડર્ડ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (ASCI)એ IPLના એક પ્રોમો વીડિયોને પાછો ખેંચવા અપીલ કરી છે. આ વીડિયોમાં ધોની બસ ડ્રાઈવરની ભૂમિકા ભજવી રહ્યો હતો અને ટ્રાફિક જામ કરી એક દુકાનમાં લાગેલા ટીવીમાં પેસેન્જરને મેચ જોવા કહેતો હતો. જેના સામે વિવિધ નિયમોના ભંગને પ્રેરણા આપવાના મુદ્દે કાઉન્સિલે રોડ સેફ્ટી ઓર્ગેનાઈઝેશનની ફરિયાદ પછી આ પ્રોમો પાછો ખેંચવાનું કહ્યું છે.
જાણો શું છે વીડિયોનો વિવાદ
IPL 2022ના એક પ્રોમોમાં મહેન્દ્રસિંહ ધોની બસ ડ્રાઈવરની ભૂમિકા ભજવી રહ્યો હતો. જેમાં અચાનક ટ્રાફિકમાં તેણે બસ રોકી દીધી અને રિવર્સ કરવા લાગ્યો હતો. જેમાં ધોનીએ ત્યારપછી પેસેન્જરને કહ્યું કે હવે જે પાગલપન કરવા જઈ રહ્યા છીએ એની મજા માણો. ત્યારપછી કેપ્ટન કૂલ પેસેન્જરને બારીની બહાર જોવા ટકોર કરે છે. અહીં એક ટીવીનો શો રૂમ છે જ્યાં IPLની એક મેચની સુપરઓવર હતી.
ટ્રાફિક પોલીસ ગુસ્સે ભરાયા, ધોનીએ મનાવી લીધા
ત્યારપછી બધા પેસેન્જર સુપર ઓવર જોવા લાગ્યા હતા. આ દરમિયાન ટ્રાફિક જામ થતા પોલીસ પણ ધોની પાસે આવીને કહેવા લાગ્યા હતા કે આ શું કરે છે. ત્યારે વીડિયોમાં ધોનીએ કહ્યું કે અત્યારે સુપર ઓવર ચાલે છે અમને મેચ જોવા દો. ત્યારપછી પોલીસે પણ કહ્યું અરે વાંધો નહીં થાલા, સુપર ઓવર જોઈ લો અને તે નીકળી ગયો.
વીડિયો વાઈરલ થતા વિવાદ
ધોનીનો આ વીડિયો ઘણા સમયથી વાઈરલ થઈ રહ્યો છે જેમાં કેપ્શન એ લખવામાં આવ્યું હતું કે આવું તો હવે સામાન્ય છે.(#YehAbNormalHai!) જેથી આ વીડિયો પ્રોમો મુદ્દે ASCIને ઘણી ફરિયાદો મળી હતી જેમાં ટ્રાફિક પોલીસ અને નિયમોના ભંગને પ્રેરણા આપવાની વાતનો ઉલ્લેખ થયો હતો. આના પરિણામે ASCIએ આદેશ આપ્યો છે કે 20 એપ્રિલ પહેલા IPL પ્રોમોને બદલવો પડશે અથવા ડિલિટ કરવો પડશે. આ અંગે કંપનીએ પણ વાત સ્વીકારી લીધી છે અને લેખિતમાં આશ્વાસન આપ્યું છે કે અમે આને ડિલિટ કરી દઈશું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.