પાકિસ્તાની PMનું દર્દ:ઈમરાન બોલ્યા- ઇંગ્લેન્ડે જેવું અમારી સાથે કર્યું એવું કોઈપણ દેશ ભારત સાથે ન કરી શકે; BCCI સૌથી અમીર બોર્ડ

14 દિવસ પહેલા

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ દ્વારા પાકિસ્તાન ટૂર રદ કરવા મુદ્દે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. ઈમરાનને BCCI અમીર બોર્ડ હોવાની વાત આંખમાં કણાની માફક ખૂંચી રહી હોય એમ લાગી રહ્યું છે. ઈમરાને એક ઈન્ટપવ્યુમાં કહ્યું હતું કે ઇંગ્લેન્ડે પાકિસ્તાનનો પ્રવાસ રદ કર્યો, હું પૂછવા માગું છું કે શું ઇંગ્લેન્ડ અથવા દુનિયાનો બીજો કોઈ દેશ આવું ભારત સાથે કરી શકવા સક્ષમ છે? ના, આવું કરવાની હિંમત કોઈપણ દેશ પાસે નથી, કારણ કે BCCI પાસે અઢળક રૂપિયા છે.

વર્લ્ડ ક્રિકેટમાં ભારતનું નેતૃત્વ
'મિડલ ઈસ્ટ આઈ'ને આપેલા ઈન્ટર્વ્યૂમાં ઈમરાને વિવિધ મુદ્દાઓને ટાંકીને ચર્ચા કરી હતી. જેમાં તેમણે એક સવાલનો જવાબ આપતા કહ્યું હતું કે આ વાતમાં કોઇ શંકા નથી રે વર્લ્ડ ક્રિકેટમાં ભારતનું જ પ્રભુત્વ છે. પાકિસ્તાની વડાપ્રધાનને પૂછવામાં આવ્યું હતું કે ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડે પાકિસ્તાન ટૂર કેમ રદ કરી હતી. આ સવાલ-જવાબ દરમિયાન ઈમરાન ખાને પણ સ્વીકાર્યું હતું કે ક્રિકેટના સંબંધોમાં ચઢાવ-ઉતાર આવતા રહે છે, પરંતુ ભવિષ્યમાં સુધારો આવશે.

આ બધો પાવર પૈસાનો છે
પાકિસ્તાનની વર્લ્ડ કપ વિનિંગ ટીમના કેપ્ટન અને અત્યારે PAKના વડાપ્રધાને કહ્યું- ઇંગ્લેન્ડના લોકોને તો લાગે છે કે પાકિસ્તાન સાથે રમવું જોઈએ, તેની સહાય કરવી જોઈએ, પરંતુ આનું એક કારણ રૂપિયા પણ છે. તમે જ વિચારો, ઇંગ્લેન્ડે જેવું પાકિસ્તાન સાથે કર્યું એવું ભારત સાથે કોઈ કરી શકે? એટલે જ તો હું કહું છું કે આ તમામ રમત રૂપિયાની છે.

ખેલાડી અને બોર્ડ્સનો પણ એક જ વિચાર
ઈમરાને આગળ કહ્યું- ખેલાડીઓ હોય કે તેમના ક્રિકેટ બોર્ડ, પૈસા ભારતમાંથી આવે છે, તેથી એ સ્વીકારવું પડશે કે વિશ્વમાં ક્રિકેટનું નેતૃત્વ વાસ્તવમાં ભારતના હાથમાં છે. ભારત જે ઈચ્છે છે એ થાય છે. તેનો વિરોધ કરવાની કોઈનામાં હિંમત નથી. તેમનો મની પાવર વધી રહ્યો છે. જ્યાં સુધી ઈંગ્લેન્ડ પ્રવાસ રદ કરવાની વાત છે, મને લાગે છે કે તેણે પોતાનું જ નુકસાન કર્યું છે.

ઇંગ્લેન્ડની મહિલા અને પુરુષ ટીમો આ મહિને પાકિસ્તાનની મુલાકાત લેવાની હતી. પુરુષોની ટીમ રાવલપિંડીમાં 13 અને 14 ઓક્ટોબરે 2- T20 મેચ રમવાની હતી. મહિલા ટીમ 17, 19 અને 21 ઓક્ટોબરે વનડે રમવાની હતી.

રમીઝ રાજાએ શું કહ્યું હતું
તાજેતરમાં, સંસદીય સમિતિની સામે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ રમીઝ રાજાએ ભારતને ક્રિકેટની મહાસત્તા ગણાવતા એક મહત્ત્વની કબૂલાત કરી હતી. રાજાએ કહ્યું હતું- ભારત આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)ને 90% ભંડોળ આપે છે. ત્યાર પછી ICC અમને પૈસા આપે છે અને ટૂર્નામેન્ટનું આયોજન કરે છે. જો ભારતના વડાપ્રધાન ઇચ્છે અને અમને પૈસા આપવાનું બંધ કરે તો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને ક્રિકેટનો વિનાશ થઈ જાય.

અન્ય સમાચારો પણ છે...