IPL 2022ની છેલ્લી મેચમાં મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાની આગામી કારકિર્દી અંગે ઘટસ્ફોટ કર્યો હતો. તેને ટોસ દરમિયાન પૂછવામાં આવ્યું હતું કે તમે આગળ રમતો રહેશો કે આ છેલ્લી સિઝન છે. ત્યારે ધોનીએ કહ્યું હું રમતો જ રહીશ... આગામી સીઝનમાં વિવિધ રાજ્યોમાં મેચ રમીશ અને મને મોટા ભાગના સ્ટેડિયમમાં ફેન્સની હાજરી સાથે રમવું છે, તો હું રમીશ...
ધોનીએ કહ્યું- 2023ની સીઝન હું રમવાનો છું
ટોસ દરમિયાન ધોનીએ કહ્યું કે હું આગામી સિઝન માટે પોતાને વધારે ફિટ કરી રહ્યો છું. જોકે આગામી 2 વર્ષનું હું ન કહી શકું પરંતુ આવતા વર્ષે કમબેક કરવા હું ઘણી મહેનત કરીશ. મને આશા છે કે હું ચેન્નઈના ગ્રાઉન્ડમાં મારા ફેન્સને ખાસ પ્રદર્શન ગિફ્ટ આપી શકીશ.
મારા ફેન્સને આવી રીતે વિદાય નહીં આપું
ધોનીએ વધુમાં જણાવ્યું કે મારા દરેક ફેન્સને હું આવી રીતે નિવૃત્ત થઈને ઉદાસ નહીં કરું. આગામી સિઝનમાં ચેન્નઈ સહિત વિવિધ મેચમાં હુ હાજર રહીશ. તેમની સાથે જોડાવવાની આ મારી ઉત્તમ તક હશે તો 2023 માટે હું ફિટ રહેવાની સંપૂર્ણ તૈયારી કરીશ.
સીઝનની છેલ્લી મેચમાં ધોની બ્રિગેડ હારી, જાણો માહીએ શું કહ્યું...
RRએ આ મેચમાં CSKને 5 વિકેટથી હરાવી દીધું છે, તેવામાં ધોની બ્રિગેડ આ સિઝનની છેલ્લી મેચ હારી ગયું હતું. જોકે ધોનીના જણાવ્યા પ્રમાણે હજુ તે આગામી સિઝનમાં રમતો રહેશે. તેવામાં મેચ હાર્યા પછી ધોનીએ કહ્યું કે અમે પહેલા બેટિંગ કરીને સારો નિર્ણય લીધો હતો પરંતુ અમે ટોટલ સેટ કરવામાં 10-15 રન શોર્ટ રહ્યા હતા.
જોકે બેટિંગ દરમિયાન મોઈને શાનદાર પ્રદર્શન કર્યું પરંતુ બેક ટુ બેક વિકેટ પડતા તેણે ધીમી બેટિંગ કરી હતી. અમારા દરેક ખેલાડીએ આ સિઝનથી ઘણી વસ્તુઓ શીખી છે. અમે જે-જે ખેલાડીનો પ્રયોગ કર્યો છે તે કંઈક નવું એક્સપ્લોર કરી ચૂક્યા છે. તેવામાં આગામી વર્ષે અમે એક સારા ટીમ કોમ્બિનેશન સાથે મેદાનમાં ઉતરીશું.
ફેન્સે કહ્યું હતું, ધોની પોતાનું વચન પાળશે, પ્રતિક્રિયા વાઈરલ...
મહેન્દ્ર સિંહ ધોનીએ થોડા સમય પહેલા જણાવ્યું હતું કે તે આવી રીતે નિવૃત્તિ નહીં જાહેર કરે. તેની ઈચ્છા છે કે તે પોતાની ફેરવેલ મેચ ચેન્નઈના ગ્રાઉન્ડમાં તેના ફેન્સ સામે રમે. બસ ફેન્સ પણ ટોસ પહેલા કહેવા લાગ્યા હતા કે ધોની આ વચન પાળશે અને આગામી સિઝન રમશે અને એવું જ થયું છે.
ધોનીએ વર્ષ 2020માં ઈન્ટરનેશનલ ક્રિકેટથી નિવૃત્તી લઈ લીધી હતી, પરંતુ તેણે IPLમાં ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી રમવાનું ચાલુ રાખ્યું હતું. તેવામાં ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તી પછી પણ ધોનીની લોકપ્રિયતામાં કોઈ ઘટાડો આવ્યો નહોતો. 40 વર્ષીય ધોની દેશનો સૌથી લોકપ્રિય ક્રિકેટર તથા યૂથ આઈકોન પણ છે.
ધોનીએ CSKને 4 ટાઈટલ જિતાડ્યા
મહેન્દ્ર સિંહ ધોની IPLનો એક સફળ કેપ્ટનમાંથી એક છે. તેણે કેપ્ટન તરીકે ચેન્નઈને 4 વાર ચેમ્પિયન બનાવ્યું તથા પાંચ વાર ટીમ ઉપવિજેતા પણ રહી ચૂકી છે. એટલું જ નહીં ધોનીની કેપ્ટનશિપમાં ચેન્નઈ સુપર કિંગ્સે 2010 અને 2014માં ચેમ્પિયન્સ લીગનું ટાઈટલ પણ જીત્યું હતું.
ધોનીએ અત્યારસુધી 233 IPL મેચમાં 39.30ની એવરેજથી 4952 રન કર્યા છે. જેમાં 24 ફિફ્ટી સામેલ છે. તો 135 કેચ અને 39 સ્ટમ્પિંગ પણ તેને કર્યા છે. ધોની સિવાય દિનેશ કાર્તિકે જ IPLમાં સૌથી વધુ કેચ એક વિકેટકીપર તરીકે પકડ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.