ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરે પોતાના પુત્રની ક્રિકેટ કારકિર્દી અંગે મોટું નિવેદન આપ્યું છે. સચિને કહ્યું છે કે અર્જુનને આ રમત ખૂબ જ પસંદ છે, તેથી તે ક્રિકેટ રમે છે. જોકે, હું તેને કહું છું કે આ માર્ગ ઘણો મુશ્કેલ છે. આગળ વધતા પહેલા આ સ્પર્ધામાં ભાગ લેવાની ખાતરી કર.
સચિને કહ્યું- સિલેક્શન સાથે કોઈ લેવાદેવા નથી
સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરને IPLની બે સિઝન (IPL 2021 અને 2022)માં મુંબઈ ઈન્ડિયન્સની 28 મેચોમાં એક પણ વાર રમવાની તક મળી નથી. અવાર-નવાર સમાચાર આવતા રહ્યા છે કે હવે અર્જુનને તક મળી શકે છે, પરંતુ તે તક ક્યારેય અર્જુનને મળી નહીં.
આ અંગે અર્જુનના પિતા સચિને જણાવ્યું કે, તેમને સિલેક્શન સાથે કોઈ લેવાદેવા નથી, પરંતુ તેઓ હંમેશા દીકરાને સમજાવે છે કે તેમનો માર્ગ સરળ નથી. ક્રિકેટનો માર્ગ ખૂબ જ મુશ્કેલ અને પડકારજનક છે. 22 વર્ષીય અર્જુને તેની કારકિર્દીમાં અત્યાર સુધી હોમ ટીમ મુંબઈ માટે માત્ર બે T20I રમી છે.
આ વખતે અર્જુનને 30 લાખમાં પસંદ કરાયો
સચિન તેંડુલકર જે મુંબઈ ઈન્ડિયન્સ સાથે મેન્ટોર તરીકે સંકળાયેલા હતા, તેમણે પણ સ્પષ્ટ કર્યું કે તે પસંદગીની બાબતોમાં હસ્તક્ષેપ કરતા નથી. નોંધનીય છે કે લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર અને બેટર અર્જુન પાંચ વારની IPL ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાયો છે.
2021માં, અર્જુન 20 લાખની મૂળ કિંમતે ફ્રેન્ચાઇઝી સાથે સંકળાયેલો હતો અને 2022મા તેને ટીમે 30 લાખમાં ખરીદ્યો હતો. લીગની બે સિઝનમાં તેને એક પણ મેચ રમવાની તક મળી નથી.
સારાએ ભાઈનો સમય આવવાની આશા વ્યક્ત કરી
આ વર્ષે સિઝનની છેલ્લી મેચમાં પણ તેની બહેન સારાએ એક વાર્તા શેર કરી જ્યારે અર્જુનને ટીમમાં તક આપવામાં આવી નહોતી. આ સ્ટોરીમાં અર્જુન બાઉન્ડ્રી લાઇન પાસે પાણીની બોટલ સાથે જોવા મળ્યો હતો. બેકગ્રાઉન્ડમાં 'અપના ટાઈમ આયેગા' ગીત વાગી રહ્યું હતું.
તેવામાં ચાહકોને આશા હતી કે સિઝનની છેલ્લી મેચમાં અર્જુનને દિલ્હી કેપિટલ્સ સામે તક આપવામાં આવશે. અર્જુન ટોસ પહેલા ફિલ્ડ પર બોલિંગ રન-અપને માર્ક કરતો પણ જોવા મળ્યો હતો. જોકે ટોસ પછી ટીમની જાહેરાત દરમિયાન સ્પષ્ટ થઈ ગયું હતું કે આ મેચમાં પણ અર્જુનને મુંબઈ ઈન્ડિયન્સની પ્લેઈંગ-11માં સ્થાન આપવામાં આવશે નહીં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.