ભાસ્કર રિસર્ચ:વન-ડેમાં 2008થી અત્યાર સુધી 91 વખત 350થી વધુ રન થયા, આ પહેલાં 37 વર્ષમાં માત્ર 26 વખત આમ થયું હતું

મુંબઈ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2008માં આઈપીએલ શરૂ થયા બાદ વન-ડે અને ટેસ્ટ ક્રિકેટ પર કેટલી અસર થઈ... જાણો આંકડાઓ થકી

IPLની 15મી સિઝનની વ્યૂઅરશિપમાં ભલે 30% નો ઘટાડો જોવા મળ્યો હોય. પરંતુ 2008માં શરૂ થયેલી આ ટી-20 લીગે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આક્રમક ફેરફારો કર્યા. આઈપીએલના 15 વર્ષમાં ટી-20, વન-ડેથી લઈ ટેસ્ટ ક્રિકેટમાં પણ ઝડપી પરિવર્તન જોવા મળ્યા. ICCએ ગત 4 વર્ષમાં 925 ટી-20 મેચ યોજી. જ્યારે 2005 થી 2018 સુધી 636 ટી-20 ઈન્ટરનેશનલ જ યોજાઈ હતી. પ્રથમ ટી-20 મેચ 2005માં રમાઈ હતી. IPLના આગમન બાદ વન-ડે ક્રિકેટમાં પણ મોટા સ્કોર ચેઝ થવા લાગ્યા. 400થી વધુનો સ્કોર 15 વખત ચેઝ થયો. ટેસ્ટ ટીમો પણ ડ્રોના સ્થાને જીત પર ફોક્સ કરવા લાગી. જેના કારણે દર્શકો પણ મેદાન પર ટેસ્ટ જોવા માટે પહોંચવા લાગ્યા.

વન-ડે ક્રિકેટ-2007 અગાઉ માત્ર 5 વખત 400+નો સ્કોર થયો, તે પછી 15 વખત આમ થયું 1971 થી 2007 સુધી 5 વખત 400+નો સ્કોર બન્યો. 26 વખત 350+ રન થયા. 42 વખત લક્ષ્યનો પીછો કરતા 300થી વધુ રન થયા. 23 વખત 300+ રનનો લક્ષ્યાંક હાંસલ થયો. સર્વોચ્ચ સ્કોર 443/9 નો રહ્યો. (શ્રીલંકા Vs નેધરલેન્ડ).

2008 બાદ 15 વખત 400થી વધુ રન થયા. 91 વખત 350+ રન થયા. 123 વખત લક્ષ્યાંકને હાંસલ કરતા 300થી વધુ રન થયા. 76 વખત 300થી વધુનો લક્ષ્યાંક હાંસલ કરાયો. સર્વોચ્ચ સ્કોર 481/6 નો રહ્યો. (ઈંગ્લેન્ડ Vs ઓસ્ટ્રેલિયા)

ટેસ્ટ ક્રિકેટ-અાઈપીઅેલને કારણે સ્પેશિયાલિસ્ટ બેટર નથી મળી રહ્યા
2008 બાદ ટેસ્ટ ટીમમાં 45 ખેલાડીઓએ ડેબ્યૂ કર્યું. તેમાંથી અમુક જ ખેલાડી પોતાનું સ્થાન ટીમમાં કાયમી કરી શક્યા. નિષ્ણાંતોએ કહ્યું કે,‘કોહલીએ જ્યારે ટેસ્ટ કેપ્ટન્સી છોડી ત્યારે ટીમ પાસે કેપ્ટન તરીકે કોઈ કાયમી વિકલ્પ હાજર નહોતો. રોહિતને કેપ્ટન બનાવવામાં આવ્યો, જે અમુક વર્ષ અગાઉ સુધી તો ટેસ્ટ ટીમમાં સ્થાન મેળવવા સંઘર્ષ કરી રહ્યો હતો. સ્પેશિયાલિસ્ટ બેટર મેળવવા રણજીને પ્રોત્સાહન આપવાની જરૂર છે.’

પેસ અટેક વિસ્ફોટક બન્યુંઃ 140થી વધુની ઝડપે બોલિંગ કરતા 5થી વધુ વિકલ્પ
ઘણા ઝડપી બોલર IPLથકી ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવવામાં સફળ રહ્યા. 140+ની ગતિએ બોલિંગ કરનાર 5 થી વધુ વિકલ્પ ટેસ્ટ ટીમ પાસે છે. બુમરાહ, સિરાજ, નટરાજન જેવા બોલર IPL થકી ટીમમાં સ્થાન મેળવી શક્યા. ટેસ્ટ ટીમમાં શમી, ઈશાંત, ઉમેશ યાદવ પેસર પણ છે. ફોર્મેટમાં મેળવી શકે તેવા ખેલાડીઓમાં ઉમરાન, અર્શદીપ, આવેશ ખાન, હર્ષલ પટેલ, નવદીપ સૈની જેવા બોલર પણ IPLમાં પોતાની છાપ છોડી રહ્યા છે.

ટી-20 ઈન્ટરનેશનલ-14 વર્ષમાં 155 વખત 200+નો સ્કોર થયો, 23 વખત ચેઝ પણ કરાયો
​​​​​​​ટી-20 ઈન્ટરનેશનલમાં 2005 થી 2007 સુધી 10 વખત 200થી વધુ રન બન્યા હતા. તેમાંથી એક જ વાર 200+ નો ટાર્ગેટ ચેઝ થયો હતો. જ્યારે 2008થી અત્યારસુધી 155 વખત 200થી વધુ રનનો સ્કોર થયો. 23 વખત ટીમોએ 200+નો લક્ષ્યાંક હાંસલ પણ કર્યો.

ICCનું પણ ટી-20 ક્રિકેટ પર ફોક્સ વધ્યું
સમગ્ર વિશ્વમાં સંપૂર્ણ વર્ષ દરમિયાન ટી-20 ક્રિકેટ લીગ યોજાતી રહે છે. ICCએ પણ દરવર્ષે યોજાનાર ટી-20 ઈન્ટરનેશનલને પ્રોત્સાહન આપ્યું. 2019થી અત્યાર સુધી 925 ટી-20 ઈન્ટરનેશનલ રમાઈ ચૂકી છે.

IPLના આવ્યા બાદ ખેલાડીઓની નિવૃત્તિ લેવાની વય વધી
​​​​​​​IPLના આગમન બાદ ભારતીય ટીમમાંથી નિવૃત્તિ લેનારા ખેલાડીઓની એવરેજ વય 36 વર્ષ થઈ છે. 35 વર્ષના 21 ખેલાડી અને 35થી ઓછી વયના 11 ખેલાડીઓએ 2008 બાદ નિવૃત્તિ લીધી. 2008 પહેલા નિવૃત્તિ લેનારા ખેલાડીઓની એવરેજ વય 33 વર્ષ હતી. નિષ્ણાંતો અનુસાર,‘IPLમાં ખેલાડીઓએ 14 મેચ રમે છે, ટીમો ફિટનેસ પર કામ કરતી હોય છે. લીગમાં આંતરરાષ્ટ્રીય સ્તરે નિવૃત્તિ લેનારા ખેલાડીઓ પર ધ્યાન ઓછું અપાય છે. એવામાં ભારતીય ખેલાડીઓની નિવૃત્તિ લેવાની વયમાં વધારો થયો છે.’

અન્ય સમાચારો પણ છે...