IPLમાં આ સિઝનથી 4 નવા ફુલ ટાઈમ કેપ્ટનની એન્ટ્રી થઈ છે. હાર્દિક પંડ્યા (GT), મયંક અગ્રવાલ (PBKS), રવીન્દ્ર જાડેજા (CSK), ફાફ ડુપ્લેસિસ (RCB)ની કેપ્ટનશિપ સામે તમામ ફેન્સની નજર રહેલી છે. તેવામાં રવિવાર સુધીના આંકડા અંગે વાત કરીએ તો IPL 2022માં અત્યારસુધીની કુલ 37 મેચમાં 10 કેપ્ટનનું પ્રદર્શન કેવું રહ્યું તથા તેમની ટીમ અત્યારે પોઈન્ટ ટેબલમાં ક્યાં સુધી છે એના પર વિગતવાર માહિતી મેળવી છે. જેમાંથી હાર્દિક પંડ્યા આ સિઝનનો અત્યારસુધીનો સૌથી સફળ કેપ્ટન છે જ્યારે તથા 5 ટાઈટલ જીતી ચૂકેલા રોહિત શર્મા આ સિઝનમાં પહેલા જેવી આક્રમક કેપ્ટનશિપ કરી શક્યો નથી. એટલું જ નહીં હિટમેન અત્યારે સતત 8 મેચમાં એક-એક રન માટે પણ વલખા મારતો જોવા મળી રહ્યો છે.
ચલો 10 કેપ્ટનના પ્રદર્શન પર નજર કરીએ...
1. હાર્દિક પંડ્યા- ગુજરાત ટાઈટન્સ
ગત વર્ષે T20 વર્લ્ડ કપમાં ખરાબ પ્રદર્શન કરનારા હાર્દિકને ટીમ ઈન્ડિયામાંથી બ્રેક આપવામાં આવ્યો હતો. તેવામાં અત્યારે હાર્દિક ભલે સંપૂર્ણ રીતે ફિટ ન હોય, પરંતુ તેની રાષ્ટ્રીય ટીમમાં પસંદગી પણ થઈ નહોતી. તેવામાં હાર્ડ હિટર પંડ્યા છેલ્લા ઘણા સમયથી ફોર્મ અને ફિટનેસને લઈને ટીકાનો સામનો કરી રહ્યો છે. પરંતુ હાર્દિકે આ તમામ વાતોને અવગણીને ગુજરાત ટાઈટન્સના કેપ્ટન તરીકે શાનદાર સિઝનની શરૂઆત કરી દીધી છે.
IPLની વર્તમાન સિઝનમાં હાર્દિકે પોતાના ઓલરાઉન્ડ પ્રદર્શનથી ટીકાકારોને વળતો જવાબ આપી દીધો છે. એટલું જ નહીં બેટિંગ અને બોલિંગ સિવાય તેણે પોતાની કેપ્ટનશિપથી પણ ફેન્સ સહિત ક્રિકેટના નિષ્ણાંતોને પ્રભાવિત કર્યા છે. આ સિઝનમાં ગુજરાતની ટીમે 7માંથી 6 મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં નંબર-1નું સ્થાન મેળવી લીધું છે.
સંજુ સેમસને RRની કાયાપલટ કરી
ગુજરાત પછી આ સિઝનમાં જો કોઈ ટીમે સૌથી વધુ પ્રભાવિત કર્યા હોય તો તે રાજસ્થાન રોયલ્સ છે. યુવા કેપ્ટન સંજુ સેમસનના નેતૃત્વમાં ટીમ સારૂ પ્રદર્શન કરી રહી છે. તેઓ 7માંથી 5 મેચ જીતીને ત્રીજા સ્થાને છે. સેમસન એક કેપ્ટન તરીકે ખૂબ જ 'શાંત' જણાઈ રહ્યો છે. તથા બેટર તરીકે પણ સારી ઈનિંગ રમી પ્રભાવિત કર્યા છે. આ સિઝનમાં અત્યારસુધી સેમસને 7 મેચમાં 201 રન કર્યા છે. જેમાં તેની એવરેજ 33.50 અને સ્ટ્રાઈક રેટ 171.79નો છે. આ સિઝનમાં સેમસન ટીમ માટે ફિનિશરની ભૂમિકા ભજવતો જોવા મળી રહ્યો છે. તેણે અત્યાર સુધીમાં કુલ 15 સિક્સર પણ ફટકારી દીધી છે.
કેએલ રાહુલનું ટીમની સાથે નસીબ બદલાયું!
જોસ બટલર પછી જો કોઈ બેટરે આ સિઝનમાં સૌથી વધુ રન કર્યા હોય તો તે કેએલ રાહુલ છે. ફરી એક વખત આઈપીએલ રાહુલ માટે એક બેટર તરીકે શાનદાર રહ્યો છે.
RCBને ફાફ ડુ પ્લેસિસ ફળ્યો
વિરાટ કોહલીએ ગત સિઝન પહેલા કેપ્ટન્શિપ છોડવાની જાહેરાત કરી હતી. આ વખતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ નવા કેપ્ટન સાથે મેદાનમાં ઉતરી છે. તેણે વિરાટ પછી ફાફ ડુપ્લેસિસને કમાન સોંપી છે. હવે પહેલી વખત આઈપીએલમાં ફુલ ટાઈમ કેપ્ટન તરીકે પ્રદર્શન કરનારા આ ખેલાડીને લાંબા સમય સુધી દક્ષિણ આફ્રિકાની ટીમની કેપ્ટનશીપ કરવાનો અનુભવ છે. તેણે આ અનુભવનો ઉપયોગ કરીને અત્યાર સુધી ટીમમાં ઘણું યોગદાન આપ્યું છે. અત્યારે RCBની ટીમ 8 મેચમાંથી 5 જીત અને 3 હાર સાથે પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને છે. ડુ પ્લેસિસે 31.88ની એવરેજ અને 130.10ની સ્ટ્રાઈક રેટથી 255 રન કર્યા છે.
શ્રેયસ બન્યો કોલકાતાનો નાઈડ રાઈડર
શ્રેયસ અય્યર કે જેણે દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશીપ કરી હતી, તેને આ સિઝનમાં ઓઈન મોર્ગનના સ્થાને કોલકાતાનો નવો કેપ્ટન બનાવાયો છે. તેના નેતૃત્વ હેઠળ અત્યારસુધી KKRનું પ્રદર્શન 50-50 રહ્યું છે. શરૂઆતની મેચોમાં શાનદાર જીત મેળવી નાઈટ રાઈડર્સની ટીમ છેલ્લી કેટલીક મેચોથી વિનિંગ ટ્રેકથી બહાર થઈ ગઈ છે. કોલકાતાને આઠ મેચમાંથી ત્રણ જીતી છે અને પાંચમાં હારનો સામનો કરવો પડ્યો છે. અય્યરના પ્રદર્શનની વાત કરીએ તો તેણે ટીમ માટે સૌથી વધુ રન કર્યા છે. અય્યરે 8 મેચોમાં 35.43ની એવરેજ અને 142.52ના સ્ટ્રાઈક રેટથી 174 રન કર્યા છે.
રિષભ પંતની આક્રમક કેપ્ટનશિપ
ગત વર્ષે દિલ્હી કેપિટલ્સના કેપ્ટન બનાવવામાં આવેલા પંતે આ વખતે કેપ્ટનશિપમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. અત્યારે દિલ્હીની ટીમમાં બેક ટુ બેક કોવિડ પોઝિટવ કેવ આવી રહ્યા છે છતા આવી સ્થિતિમાં પણ પંતે સારુ નેતૃત્વ કર્યું છે. તેણે કોવિડ-19થી પ્રભાવિત ટીમને એકજૂથ રાખી છે. આના સિવાય દિગ્ગજ ખેલાડીઓ શરૂઆતની કેટલાક મેચ માટે ઉપલબ્ધ નહોતા. તેમ છતાં દિલ્હીએ સારું પ્રદર્શન કર્યું હતું. અત્યારે પોઈન્ટ ટેબલમાં DCની ટીમ 7 મેચમાંથી 3 જીત અને 4 હાર સાથે છઠ્ઠા સ્થાને છે. તો બીજી બાજુ પંતે બેટિંગથી એટલા પ્રભાવિત કર્યા નથી, અત્યારસુધી તેના 188 રન જ છે.
કેન વિલિયમ્સન કેપ્ટન તરીકે સુપરહિટ, બેટર ફ્લોપ
ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સને અત્યારસુધી કેપ્ટનશિપથી ઘણા પ્રભાવિત કર્યા છે. પહેલી 2 મેચ હાર્યા પછી બેક ટુ બેક 5 મેચ જીતી ટીમને અત્યારે પોઈન્ટ ટેબલમાં બીજા નંબર પર પહોંચાડી દીધી છે. શરૂઆતની મેચ હાર્યાપછી લાગતું હતું કે હૈદરાબાદ આ સિઝનમાં પણ ફ્લોપ રહેશે પરંતુ કેનની કેપ્ટનશિપના કારણે ટીમ સળંગ ઘણી મેચ જીતી ચૂક્યું છે. જોકે એક બેટર તરીકે જોવા જઈએ તો કેને અત્યારસુધી કોઈ ખાસ ઈનિંગ રમી નથી. 7 મેચમાં તેણે 23.83ની એવરેજ અને 94.70ના સ્ટ્રાઈક રેટથી 143 રન જ કર્યા છે. જો સનરાઈઝર્સ ટૂર્નામેન્ટમાં આવી રીતે જ જીતવા માગતી હોય તો કેપ્ટન કેન વિલિયમ્સને સારુ રમવું પડશે.
મયંક કેપ્ટન તરીકે સાધારણ
કે.એલ.રાહુલના ગયા પછી પંજાબે ટીમની કેપ્ટનશિપ મયંક અગ્રવાલને આપી દીધી છે. તેવામાં ટીમે શરૂઆત તો સારી કરી હતી પરંતુ ત્યારપછી 7 મેચમાં ત્રણ જીત અને ચાર હાર પછી અત્યારે ટીમ આઠમા નંબર પર છે. બેટર તરીકે મંયકનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી. તેણે 6 મેચમાં 19.67ની એવરેજ અને 135.63ના સ્ટ્રાઈક રેટથી 118 રન કર્યા છે. તેની બેટિંગ પર પણ કેપ્ટનશિપનું પ્રેશર જોવા મળી રહ્યું છે. અગાઉ તે રાહુલ સાથે વિસ્ફોટક ઈનિંગ રમતો જોવા મળ્યો હતો પરંતુ આ સિઝનમાં બેટિંગ તથા કેપ્ટનશિપમાં તેનું પ્રદર્શન સાધારણ રહ્યું છે.
સર જાડેજા પર કેપ્ટનશિપના પ્રેશરની ઈફેક્ટ
જો કોઈને અચાનક ચાર વખતની ચેમ્પિયન ટીમ ચેન્નઈ સુપર કિંગ્સની કેપ્ટનશિપ મળી જાય તો તે ચોક્કસપણે પ્રેશરમાં આવી જ જશે. એવું જ કંઈક સર રવિન્દ્ર જાડેજા સાથે થયું છે. મહેન્દ્ર સિંહ ધોનીએ IPLની શરૂઆત પહેલા જ કેપ્ટન્શિપ છોડી દીધી હતી. તેવામાં હવે જાડેજાને કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યા પછી તેના પ્રદર્શનમાં અસર જોવા મળી રહી છે. જોકે અત્યારે ચેન્નઈ વિનિંગ ટ્રેક પર પરત ફર્યું છે.
સિઝનની પાંચમી મેચમાં ટીમે કમબેક કરીને પહેલી જીત મેળવી હતી. CSKની ટીમ 2 જીત સાથે 9મા સ્થાને છે. હવે જો ચેન્નઈને ટૂર્નામેન્ટમાં આગળ વધવું હશે તો જાડેજાએ વધુ સારુ પ્રદર્શન કરવું પડશે. તેણે 18.20ની એવરેજ અને 119.73ની સ્ટ્રાઈક રેટથી 91 રન કર્યા છે. જ્યારે બેટિંગ દરમિયાન પાંચ વિકેટ લીધી છે.
હિટમેન IPL-15માં ફ્લોપ કેપ્ટન અને બેટર
IPLના ઈતિહાસમાં સૌથી વધુ ટાઈટલ જીતનારી મુંબઈ ઈન્ડિયન્સની ટીમ આ સિઝનમાં પાછળ ફેંકાઈ ગઈ છે. MIએ અત્યારસુધી રમેલી આઠેય મેચમાં હારનો સામનો કર્યો છે. તેવામાં ઈશાન કિશન અને રોહિત શર્માનું પ્રદર્શન ટીમ માટે ચિંતાનો વિષય બની ગયો છે. કારણ કે બંને બેટર અત્યારે એક એક રન માટે વલકા મારી રહ્યા છે. રોહિતે 19.13ની એવરેજ અને 126.44ના સ્ટ્રાઈક રેટથી 153 રન કર્યા છે. તેણે અત્યાર સુધી એક પણ ફિફ્ટી ફટકારી નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.