ગુજરાત ટાઇટન્સને સોમવારે રાત્રે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022 સીઝનની પ્રથમ હારનો સામનો કરવો પડ્યો હતો. કેન વિલિયમ્સનની કેપ્ટનશિપવાળી સનરાઇઝર્સ હૈદરાબાદે ગુજરાતને આઠ વિકેટે હરાવ્યું હતુ. IPLમાં પહેલીવાર કોઈ ફ્રેન્ચાઈઝીની કેપ્ટનશિપ કરી રહેલા હાર્દિક પંડ્યા હારને નજીક આવતા જાઈને એક સમયે તે પોતાનો કંટ્રોલ ગુમાવી બેઠો અને પોતાના સિનિયર મોહમ્મદ શમી પર બૂમો પાડતા ગુસ્સે થયો હતો. હૈદરાબાદની ઇનિંગ્સની 13મી ઓવર દરમિયાન હાર્દિકના બોલ પર મોહમ્મદ શમીએ રાહુલ ત્રિપાઠીનો કેચ ગુમાવ્યો હતો અને ત્યાર બાદ હાર્દિક તેના સિનિયર બોલર પર બૂમો પાડતો જોવા મળ્યો હતો.
મોહમ્મદ શમી પર કેમ ગુસ્સે થયો હાર્દિક પંડ્યા
હાર્દિકની આ જ ઓવરમાં હૈદરાબાદના કેપ્ટન કેન વિલિયમ્સને બે સિક્સર ફટકારી હતી, જેને કારણે તે ગુસ્સે થયો હતો. ઓવરના છેલ્લા બોલ પર રાહુલ ત્રિપાઠીએ એને ડીપ થર્ડ મેન તરફ એક શોટ રમ્યો હતો, જેના પર મોહમ્મદ શમી કેચ પકડી શક્યો નહીં. આ પછી હાર્દિક ખૂબ જ ગુસ્સામાં જોવા મળ્યો અને તે શમી પર બૂમો પાડવા લાગ્યો હતો. પંડ્યાના ગુસ્સાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાઇરલ થઈ રહ્યો છે. જોકે પ્રશંસકો પણ પંડ્યાને ખૂબ ક્લાસ લગાવી રહ્યા છે અને કેપ્ટનને પોતાના સિનિયર બોલરનું સન્માન કરવાની સલાહ આપી રહ્યા છે.
મોહમ્મદ શમીએ ન લીધું રિસ્ક
મોહમ્મદ શમી કેચ પકડવા જતાં જો ઈજાગ્રસ્ત થયો હોત તો ગુજરાતની ટીમને જ વધુ નુકસાન થયું હોત, કારણ કે હજી ટીમે માત્ર ચાર મેચ જ રમી છે. શમી સારો દેખાવ કરી રહ્યો છે, એવામાં તેનું ઈજાગ્રસ્ત થવું એ ગુજરાતની ટીમ માટે વધુ નુકસાનકારક રહે એમ છે.
હાર બાદ IPL પોઈન્ટ ટેબલમાં ગુજરાત ટોપ-4માંથી બહાર
આ મેચ પહેલાં ગુજરાત ટાઇટન્સે જીતની હેટ્રિક નોંધાવી હતી અને એ એકમાત્ર એવી ટીમ હતી, જેણે અત્યારસુધી સીઝનમાં હારનો સામનો કરવો પડ્યો નહોતો. હૈદરાબાદ સામે ગુજરાત ટાઇટન્સને 8 વિકેટે કારમી હાર બાદ ભારે નુકસાન થયું છે. આ મેચ પહેલાં આ ટીમનું ટોપ-3માં સ્થાન હતું, પરંતુ હાર બાદ ગુજરાત 5મા સ્થાને પહોંચી ગયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.