ગુજરાત ટાઇટન્સ ટીમ IPL 2022માં ખૂબ જ સારી રમત બતાવી રહી છે. હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં ગુજરાતે બધાને પાછળ છોડીને IPL પ્લેઓફમાં પ્રથમ સ્થાન મેળવી લીધું છે. ગુજરાત ટાઇટન્સે લખનઉ સુપર જાયન્ટ્સ (LSG)ને 62 રનથી હરાવ્યું હતું. મેચ બાદ કેપ્ટન હાર્દિક પંડ્યા ખુશ દેખાયો અને ઘણા ખેલાડીઓનાં વખાણ કર્યા.
જીતીને અત્યંત ખુશ છે કેપ્ટન હાર્દિક
ટીમની 62 રનની જીત બાદ હાર્દિક પંડ્યાએ કહ્યું, 'જે રીતે દરેક પ્લેયરે બેટિંગ કરી, ખાસ કરીને શુભમન ગિલ, મને ખ્યાલ આવી ગયો કે 144 રન બનાવ્યા પછી અમારી પાસે સારી તક હશે. મને લાગે છે કે તેમના બોલરોએ થોડી શોર્ટ બોલિંગ કરી. ફુલ લેન્થ બોલ પર સારાં પરિણામ આવી રહ્યાં હતાં. અમે ગ્રુપમાં એક જ વસ્તુ વિશે વાત કરી હતી કે વિરોધી ટીમને જ્યાં શોટ રમવો મુશ્કેલ લાગે છે ત્યાં જ બોલિંગ કરો અને અમે એવું જ કર્યું.
આ પ્લેયર્સનાં ભરપૂર વખાણ કર્યાં
1. શુભમન ગિલ
શુભમન ગિલ ખૂબ સારા ફોર્મમાં ચાલી રહ્યો છે. તેણે ગુજરાત ટાઇટન્સ માટે ઘણી મહત્ત્વની ઇનિંગ્સ રમી છે. લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) સામે, શુભમન ગિલે 49 બોલમાં 63 રન બનાવ્યા, જેમાં 7 ચોગ્ગા સામેલ હતા. શુભમન ગિલની ક્લાસિક ઇનિંગ્સને કારણે ગુજરાત ટાઇટન્સ મેચમાં સન્માનજનક સ્કોર બનાવી શકી હતી. ગિલે IPL 2022ની 12 મેચમાં 322 રન બનાવ્યા છે, જેમાં ત્રણ મોટી અડધી સદીનો સમાવેશ થાય છે.
2. રાહુલ તેવટિયા
રાહુલ તેવટિયાએ છેલ્લી ઓવરોમાં ગુજરાત ટાઇટન્સ માટે ઘણી મેચ જીતી છે. તે લાંબી સિક્સર મારવા માટે પ્રખ્યાત છે. લખનઉ સુપર જાયન્ટ્સ સામે રાહુલે 16 બોલમાં 22 રન બનાવ્યા, જેમાં ચાર જબરદસ્તચોગ્ગા સામેલ હતા. રાહુલ તેવટિયા ગુજરાત ટાઇટન્સ માટે મોટા ફિનિશર તરીકે ઊભરી આવ્યો છે. તેણે સતત બે બોલમાં બે છગ્ગા ફટકારીને પંજાબ કિંગ્સ સામે ગુજરાતને જીત અપાવી હતી.
3. રાશિદ ખાન
ભારતીય પિચો હંમેશાં સ્પિનરો માટે મદદગાર રહી છે. આ પિચોનો પૂરેપૂરો ફાયદો ઉઠાવીને રાશિદ ખાને લખનઉ સુપર જાયન્ટ્સની બેટિંગને પત્તાંની જેમ વેરવિખેર કરી નાખી. તેણે લખનઉની ટીમના બેટ્સમેનોને ખૂલીને રન મારવા ન દીધા. મેચમાં તેણે 3.5 ઓવરમાં 24 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. રાશિદ ખાનને કારણે લખનઉની ટીમ ટાર્ગેટ સુધી પહોંચી શકી ન હતી અને 62 રનના મોટા અંતરથી મેચ હારી ગઈ હતી.
ગુજરાતની ટીમ પૂરી આઝાદી સાથે રમી રહી છે- ગાવસ્કર
ગાવસ્કરે કહ્યું હતું, ગુજરાત સંપૂર્ણ આઝાદી સાથે રમી રહી છે અને એ નીડર છે. એની રમતમાં દુનિયાનો કોઈ ડર નથી, તેથી તેઓ જીતી રહ્યા છે. તેઓ પોતાની રમતનો આનંદ લઈ રહ્યા છે અને સકારાત્મક ક્રિકેટ રમી રહ્યા છે.
હરભજને ગુજરાત જીતશે એમ પહેલાં જ કહી દીધું હતું
મંગળવારે લખનઉ અને ગુજરાતની મેચ પહેલાં હરભજન સિંહે ગુજરાત જીતશે એમ કહી દીધું હતું. તેણે કહ્યું હતું કે ગુજરાત આ મેચ જીતીને પ્લેઓફમાં પહોંચનારી પહેલી ટીમ બનશે. હાર્દિક પંડ્યાની ટીમ ખૂબ જ મજબૂત છે, રાશિદ ખાન ખતરનાક ફોર્મમાં છે અને કોચ આશિષ નેહરા તેને આત્મવિશ્વાસ પણ આપી રહ્યા છે. આ ટીમને હરાવવી વિરોધી ટીમ માટે ખૂબ જ મુશ્કેલ કામ બની રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.